પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
લૂક 2:1

Notes

No Verse Added

લૂક 2:1

1
સમય દરમ્યાન કૈસર ઓગસ્તસે હુકમનામું બહાર પાડ્યું કે જે દેશો રોમન શાસન હેઠળ છે તે સમગ્ર રાજ્યની વસતી ગણતરી કરવામાં આવે. હુકમનામા અનુસાર બધાજ લોકોએ પોતપોતાના નામ રજિસ્ટરમાં નોધાવવાનાં હતા.
2
વસ્તી ગણતરી પ્રથમ વાર થતી હતી. તે વખતે સિરિયા પ્રાંતનો હાકેમ કુરીનિયસ હતો.
3
તેથી બધાજ લોકો પોતપોતાના શહેરમાં નામની નોંધણી કરાવવા માટે ગયા.
4
અને યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયા મધ્યે દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં,
5
પોતાનું તથા પોતાની ગર્ભવતી વેવિશાળી પત્નિ મરિયમનું નામ નોંધાવવા ગયો કેમ કે દાઉદના વંશ તથા કુળમાંનો તે હતો.
6
તેઓ ત્યાં હતાં એટલામાં તેના દહાડા પૂરા થયા.
7
ત્યાં મરિયમે તેના પ્રથમ દિકરાને જન્મ આપવાનો સમય હતો તેણે પ્રથમ દીકરાને જન્મ આપ્યો. તે વખતે ધર્મશાળામાં કોઈ ઓરડો ખાલી હોવાથી તેણે ગભાણમાં બાળકને કપડાંમાં લપેટીને સુવાડ્યો.
8
તે વખતે રાત્રે કેટલાક ભરવાડો ખેતરમાં તેમનાં ઘેટાંઓની રખેવાળી કરતા હતા.
9
પ્રભુનો દૂત ભરવાડોની સમક્ષ આવીને ઊભો રહ્યો તેમની આજુબાજુ પ્રકાશ ચમકવા લાગ્યો. તેથી ભરવાડો ગભરાઇ ગયા.
10
પ્રભુના દૂતે તેઓને કહ્યું, “ગભરાશો નહિ, કેમ કે હું તમને મોટા આનંદથી સુવાર્તા આપવા આવ્યો છું. જેથી આખા દેશના તમામ લોકોમાં આનંદ ઉભરાશે.
11
આજે દાઉદના શહેરમાં તમારો તારનાર જન્મ્યો છે તે ખ્રિસ્ત પ્રભુ છે.
12
તમે તેને ઓળખી શકો તે માટેની નિશાની છે. તમે એક બાળકને કપડાંમાં લપેટેલો અને ગભાણમાં સૂતેલો જોશો.”
13
પછી તો આકાશમાંથી દૂતોનો મોટો સમૂહ પેલા પ્રભુના દૂત સાથે જોડાયો. અને બધાજ દૂતો દેવની સ્તુતિ કરવા લાગ્યા.
14
“પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ, અને પૃથ્વી પર દેવને પ્રસન્ન કરે છે તેવા લોકોને શાંતિ પ્રાપ્ત થાઓ.”
15
પ્રભુના દૂતો ભરવાડોને છોડીને આકાશમાં પાછા ચાલ્યા ગયા. ભરવાડો એકબીજા સાથે વાતો કરવા લાગ્યા, “આપણે બેથલેહેમ જઇને અહીં જે કંઈ ઘટના બની છે તથા પ્રભુએ આપણને દર્શાવી છે તે જોવી જોઈએ.”
16
ભરવાડો તો ઝડપથી ત્યાં પહોંચી ગયા અને મરિયમ તથા યૂસફને પણ શોધી કાઢ્યા. બાળક પણ ગભાણમાં સૂતેલુ હતું.
17
ભરવાડોએ બાળકને જોયું અને પછી પ્રભુના દૂતે બાળક વિષે તેઓને શું કહ્યું હતું તે તેઓએ જણાવ્યું.
18
ભરવાડોએ તેઓને જે કહ્યું તે સાંભળીને દરેક જણ નવાઇ પામ્યા.
19
પરંતુ મરિયમે બધી વાતો મનમાં રાખી અને વારંવાર તેના વિષે વિચાર કરતી.
20
ભરવાડો પણ જે કંઈ જોયું અને સાંભળ્યું હતું, તે બધુ તેઓને દૂતે કહી હતી તે થઈ હતી. તે બધા પ્રભુનો મહિમા તથા સ્તુતિ કરતાં કરતાં ઘેર પાછા ફર્યા.
21
જ્યારે બાળક આઠ દિવસનું થયું ત્યારે તેની સુન્નત કરાવવામાં આવી અને તેનું નામ ઈસુ રાખવામાં આવ્યું. પ્રભુના દૂતે માતાના ગર્ભમાં બાળક આવતા પહેલાં નામ આપ્યું હતું
22
મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે શુદ્ધિકરણનો સમય આવતા યૂસફ અને મરિયમ બાળકને પ્રભુ સમક્ષ રજૂ કરવા માટે યરૂશાલેમ લઈ ગયા.
23
પ્રભુના નિયમશાસ્ત્રમાં જે લખ્યું છે તે પ્રમાણે, “પરિવારમાં જ્યારે પ્રથમ દીકરો જન્મ લે છે તેને પ્રભુને સારું પવિત્ર ગણવો જોઈએ.”
24
વળી પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે લોકોએ બલિદાન પણ આપવાનું હોય છે. તે મુજબ હોલાંની એક જોડ અથવા કબૂતરનાં બે બચ્ચાનું બલિદાન આપવાનું હોય છે. તેથી યૂસફ અને મરિયમ વિધિ કરવા યરૂશાલેમ ગયા.
25
યરૂશાલેમમાં શિમયોન નામનો માણસ રહેતો હતો. તે ઘણો ઉત્તમ ધાર્મિક નિષ્ઠાવાળો માણસ હતો.તે ઈસ્ત્રાએલના લોકોના સુખ માટે પ્રભુના આગમનની વાટ જોતો હતો. પવિત્ર આત્મા તેની સાથે હતો.
26
પવિત્ર આત્માએ શિમયોનને કહ્યું હતું કે જ્યાં સુધી તે પ્રભુ ખ્રિસ્તનાં દર્શન નહિ કરે ત્યાં સુધી તેનું મૃત્યુ થશે નહિ.
27
પવિત્ર આત્માના માર્ગદર્શનથી તે મંદિરમાં ગયો. યહૂદિઓના નિયમશાસ્ત્રની વિધિ કરવા માટે મરિયમે અને યૂસફ બાળ ઈસુને લઈને મંદિરમાં આવ્યા.
28
શિમયોને બાળકને હાથમાં લીધું અને દેવનો આભાર માન્યો.
29
“પ્રભુ, હવે તેં આપેલા વચન પ્રમાણે તારા સેવકને શાંતિથી મૃત્યુનું શરણ લેવા દે.
30
કારણ કે મેં મારી પોતાની આંખો વડે તારા તારણનાં દર્શન કર્યા છે.
31
તમે બધાજ લોકો માટે તેને તૈયાર કર્યો છે.
32
તે જગતના લોકો માટે જ્યોતિ છે જે બીન યહૂદિઓને તમારો માર્ગ બતાવશે. તે ઈસ્ત્રાએલના લોકોનો મહિમા વધારશે.”
33
શિમયોને ઈસુ વિષે જે કંઈ કહ્યું તે સાંભળીને તેના માતાપિતા નવાઇ પામ્યા.
34
પછી શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો. અને ઈસુની મા મરિયમને કહ્યું, “ઈસ્ત્રાએલના ઘણા લોકોની ચડતી પડતી બાળકને કારણે થશે. તે દેવની તરફથી એંધાણીરુંપ બનશે. જેને કેટલાક લોકો સ્વીકારવા ના પાડશે.
35
લોકોના હ્રદયમાં રહેલા ગુપ્ત વિચારો જાહેર થશે. જે કંઈ ઘટનાઓ બનશે તેમાથી તારું હ્રદય દુ:ખી થશે.”
36
મંદિરમાં હાન્ના નામની એક પ્રબોધિકા રહેતી હતી. જે આશેરના કુળની ફનુએલની પુત્રી હતી. હાન્ના ઘણી વૃદ્ધ હતી. લગ્નજીવનના સાત વર્ષ પછી તેના પતિનું અવસાન થતાં તે એકલી રહેતી હતી.
37
હવે તો તે 84 વર્ષની થઈ હતી અને તે વિધવા હતી. છતાં તેણે ક્યારેય મંદિર છોડ્યું હતું. તે મંદિરમા રહેતી અને રાતદિવસ ઉપવાસ અને પ્રાર્થના દ્ધારા પ્રભુની સ્તુતિ કરતી હતી.
38
તેણે ત્યાં તે ક્ષણે આવીને પ્રભુનો આભાર માન્યો અને જે લોકો યરૂશાલેમના ઉદ્ધારની વાટ જોતા હતા તે બધાએ બાળક વિષે કહ્યું.
39
પ્રભુની આજ્ઞાનુસાર બધી વિધિઓ પૂર્ણ કરીને યૂસફ અને મરિયમ ગાલીલના નાસરેથમાં પોતાને ગામ પાછા ફર્યા.
40
દેવની કૃપા તે નાના બાળક સાથે હતી. તેથી તે જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ વધારે પરાક્રમી અને બુદ્ધિશાળી થતો ગયો.
41
પ્રતિવર્ષ પાસ્ખાપર્વ વખતે ઈસુના માતાપિતા યરૂશાલેમ જતાં હતા.
42
જ્યારે ઈસુ બાર વર્ષનો થયો ત્યારે તેઓ પર્વમાં હંમેશા જે પ્રમાણે જતા હતા તે પ્રમાણે ગયા.
43
જ્યારે પર્વની ઉજવણી પૂરી થઈ ત્યારે તેઓ ધેર પાછા ફર્યા. પરંતુ બાળ ઈસુ તો યરૂશાલેમમાં રહી ગયો. તેના માતાપિતા તેના વિષે કંઈ જાણતા નહોતા.
44
તેમણે વિચાર્યુ કે ઈસુ તે સમુહમાં હશે. એક દિવસની મુસાફરી કર્યા પછી તેની શોધમાં તેઓ નીકળ્યા. તેઓએ તેમના પરિવારમાં તથા નજીકના મિત્રમંડળમાં શોધ કરી. તે માટે યૂસફ અને મરિયમ આખો દિવસ ફર્યા.
45
પરંતુ યૂસફ અને મરિયમને ક્યાંય ઈસુ જડ્યો નહિ. તેથી ફરી પાછા તેની શોધમાં યરૂશાલેમ ગયા.
46
ત્રણ દિવસ પછી ઈસુ તેઓને જડ્યો. ઈસુ મંદિરમાં ધર્મગુરુંઓ સાથે બેસીને પ્રશ્રોની ચર્ચા કરી રહ્યો હતો.
47
જે દરેક વ્યક્તિએ તેને સાંભળ્યો. તેના ચતુરાઇભર્યા ઉત્તરો અને સમજશક્તિ જોઈને આશ્ચર્ય પામ્યા હતા.
48
ઈસુના માતાપિતાએ જ્યારે તેને જોયો ત્યારે તેઓ પણ નવાઇ પામ્યા. તેની માએ તેને પૂછયું, “દીકરા, અમારી સાથે આવું તેં કેમ કર્યુ? તારા પિતા અને હું તારા માટે બહુ ચિંતા કરતા હતા. અને તારી શોધ પણ કરી રહ્યા હતા.”
49
ઈસુએ તેઓને કહ્યું, “તમે મારી શોધ શાં માટે કરતા હતા? તમને ખબર હોવી જોઈએ કે, હું મારા પિતાનું કામ જ્યાં છે ત્યાં હોઇશ!”
50
પરંતુ ઈસુએ જે કહ્યું તેનો અર્થ તેઓ સમજી શક્યા નહિ.
51
ત્યારબાદ ઈસુ તેઓની સાથે નાસરેથ પાછો ફર્યો અને હંમેશા માતાપિતા જે કંઈ કહે તે બધાનું પાલન કરતો. તેની માતા હજુ પણ તે બધી બાબતો અંગે મનમાં વિચારતી હતી.
52
ઈસુએ વધુને વધુ અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું. તે કદમાં ઊંચો થયો અને લોકો ઈસુને ચાહતા અને ઈસુ દેવને પ્રસન્ન કરતો.
×

Alert

×

gujarati Letters Keypad References