1. યહોવાની આગળ નવું ગીત ગાઓ; આખી પૃથ્વી, યહોવાની આગળ ગાઓ.
2. યહોવાની આગળ ગાઓ, તેમના નામને સ્તુત્ય માનો; દિનપ્રતિદિન તેમનું તારણ પ્રગટ કરો.
3. વિદેશીઓમાં તેમનો મહિમા, અને સર્વ લોકોમાં તેમના ચમત્કાર, જાહેર કરો.
4. કેમ કે યહોવા મોટા અને બહુ સ્તુત્ય છે. સર્વ દેવો કરતાં તે ભયાવહ છે.
5. લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે; પણ યહોવાએ આકાશોને ઉત્પન્ન કર્યાં.
6. સન્માન તથા મહિમા તેમની સમક્ષ છે; સામર્થ્ય તથા શોભા તેમના પવિત્રસ્થાનમાં છે.
7. લોકોનાં કુળો, યહોવાની સ્તુતિ કરો, ગૌરવ તથા સામર્થ્ય યહોવાને આપો.
8. યહોવાના નામને શોભતું ગૌરવ તેમને આપો. અર્પણ લઈને તેમનાં આંગણામાં આવો.
9. પવિત્રતાની સુંદરતાએ યહોવાને ભજો; આખી પૃથ્વી, તેમની આગળ કંપો.
10. વિદેશીઓમાં કહો, “યહોવા રાજ કરે છે; જગત પણ એવી રીતે સ્થાપન કરવામાં આવેલું છે તે ખસેડી શકાય નહિ; તે યથાર્થપણે લોકોનો ન્યાય કરશે.”
11. આકાશો આનંદ કરો, અને પૃથ્વી હરખાઓ; સમુદ્ર તથા તેનું ભરપૂરપણું ગાજો;
12. ખેતર તથા તેમાં જે કંઈ છે તે સર્વ ઉત્સાહ કરો; ત્યારે વનનાં સર્વ વૃક્ષો યહોવાની આગળ હર્ષનાદ કરશે,
13. કેમ કે તે આવે છે; તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે; તે યથાર્થપણે જગતનો, અને તેમની સત્યતાએ લોકોનો ન્યાય કરશે.