1. દાઉદનું [ગીત]; તેણે અબીમેલેખની આગળ ગાંડાઈનો ઢોંગ કર્યો, અને એણે તેને કાઢી મૂકયાથી તે જતો રહ્યો, તે વખતનું. હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ; મારે મુખે તેમની સ્તુતિ નિરંતર થશે.
2. મારો આત્મા યહોવાને લીધે વડાઈ કરશે; દીન લોકો તે સાંભળીને આનંદ કરશે.
3. મારી સાથે યહોવાને મોટા માનો, અને આપણે એકઠાં મળીને તેમનું નામ બુલંદ માનીએ.
4. મેં યહોવાનો શોધ કર્યો, અને તેમણે મને ઉત્તર આપ્યો, અને મારા સર્વ ભયમાંથી મને છોડાવ્યો.
5. તેમની તરફ જુઓ અને પ્રકાશ પામો; એટલે તમારાં મુખ કદી ઝંખવાણાં પડશે નહિ.
6. આ કંગાલ પુરુષે પોકાર કર્યો, અને યહોવાએ તેનું સાંભળીને તેનાં સર્વ સંકટમાંથી તેને બચાવ્યો.
7. યહોવાના ભક્તોની આસપાસ તેમનો દૂત છાવણી કરે છે, અને તેમને છોડાવે છે.
8. અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે; જે માણસ તેમના પર ભરોસો રાખે છે તેને ધન્ય છે.
9. યહોવાના સંતો, તેમનું ભય રાખો; કેમ કે તેમનું ભય રાખનારાને કંઈ ખોટ પડતી નથી.
10. સિંહનાં બચ્ચાંને તંગી પડે છે ને ભૂખ વેઠવી પડે છે; પણ જેઓ યહોવાને શોધે છે તેઓને કોઈ પણ સારા વાનાની અછત હોશે નહિ.
11. આવો, દીકરાઓ, મારું સાંભળો; હું તમને યહોવાનું ભય રાખતાં શીખવીશ.
12. કયો માણસ [લાંબી] જિંદગી ઇચ્છે છે? તથા શુભ જોવાને માટે દીર્ઘાયુષ્ય ચાહે છે?
13. તો ભૂંડું [બોલવા] થી તારી જીભને, અને કપટથી તારા હોઠને સંભાળ.
14. ભૂંડાથી દૂર થા, અને ભલું કર; શાંતિ શોધ અને તેની પાછળ લાગ.
15. ન્યાયીઓ પર યહોવાની કૃપાદષ્ટિ છે, તેઓની અરજ પ્રત્યે તેમના કાન [ઉઘાડા] છે.
16. જેઓ ભૂંડું કરે છે તેઓનું સ્મરણ પૃથ્વી ઉપરથી નાબૂદ કરવાને માટે યહોવાનું મુખ તેઓની વિરુદ્ધ છે.
17. [ન્યાયીઓએ] પોકાર કર્યો, અને યહોવાએ સાંભળીને સર્વ સંકટમાંથી તેઓને છોડાવ્યા.
18. આશાભંગ થએલાઓની પાસે યહોવા છે, અને નમ્ર આત્માવાળાને તે તારે છે.
19. ન્યાયી માણસને માથે ઘણાં દુ:ખ આવે છે; પણ યહોવા તે સર્વમાંથી તેને છોડાવે છે.
20. તે તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે; તેઓમાંનું એકે ભાંગવામાં આવતું નથી.
21. દુષ્ટોનો સંહાર પોતાની ભૂંડાઈથી થશે; અને ન્યાયીઓના દ્વેષીઓ દોષિત ઠરશે.
22. યહોવા પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે; તેમના પર ભરોસો રાખનારાઓમાંથી એકે દોષિત ઠરશે નહિ.