1 તે સમયે યહૂદા તેના ભાઈઓની પાસેથી જઈને હીરા નામે એક અદુલ્લામીને ત્યાં રહ્યો. 2 ત્યાં યહૂદા એક કનાની માણસની દીકરી જેનું નામ શૂઆ હતું તેને મળ્યો. તેણે તેની સાથે લગ્ન કર્યું અને તેની સાથે સંબંધ કર્યો. 3 શૂઆ સગર્ભા થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ એર પાડ્યું. 4 તે ફરીથી ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ ઓનાન પાડ્યું. 5 તેણે ત્રીજા દીકરાને જન્મ આપ્યો અને તેનું નામ શેલા પાડ્યું. ત્યારે યહૂદા ખઝીબમાં રહેતો હતો. 6 યહૂદાએ તેના જયેષ્ઠ દીકરા એરનાં લગ્ન કરાવ્યાં. તેની પત્નીનું નામ તામાર હતું. 7 યહૂદાનો જયેષ્ઠ દીકરો એર ઈશ્વરની દ્રષ્ટિએ દુષ્ટ હતો. તેથી ઈશ્વરે તેને મરણાધીન કર્યો. 8 યહૂદાએ ઓનાનને કહ્યું, “તું તારા ભાઈની પત્ની પર પ્રેમ કર. તેના પ્રત્યે ભાઈની ફરજ બજાવ અને તારા ભાઈને સારુ સંતાન નિપજાવ.” 9 ઓનાને વિચાર્યું કે એ સંતાન તેનું નહિ ગણાય. તેથી, જયારે પણ તે તેના ભાઈની પત્નીની પાસે જતો, ત્યારે તેના ભાઈના નામે સંતાન ન અપાય તે માટે તે પોતાનું વીર્ય તેના ભાભીના અંગમાં જવા દેવાને બદલે બહાર વેડફી દેતો હતો. 10 તેનું આ કૃત્ય ઈશ્વરની નજરમાં ખરાબ હતું. તેથી ઈશ્વરે તેને પણ મરણાધીન કર્યો. 1112 પછી યહૂદાએ તેની પુત્રવધૂ તામારને કહ્યું કે, “મારો દીકરો શેલા પુખ્ત વયનો થાય, ત્યાં સુધી તું તારા પિતાના ઘરમાં વિધવા તરીકે રહે.” કેમ કે તેણે વિચાર્યું કે, “કદાચ તે પણ તેના ભાઈઓની જેમ મૃત્યુ પામે.” પછી તામાર જઈને તેના પિતાના ઘરમાં રહી. ઘણાં દિવસો પછી, યહૂદાની પત્ની શૂઆ મૃત્યુ પામી. યહૂદા દિલાસો પામ્યા પછી તે તેના મિત્ર હીરા અદુલ્લામી સાથે તેના ઘેટાં કાતરનારાઓની પાસે તિમ્ના ગયો.
13 તામારને ખબર મળી, “જો, તારાં સસરા તેના ઘેટાં કાતરવાને તિમ્ના જઈ રહ્યો છે.” 14 તેણે તેની વૈધવ્ય અવસ્થાનાં વસ્ત્ર તેના શરીર પરથી ઉતાર્યા અને ઘૂંઘટથી પોતાને આચ્છાદિત કરીને એનાઈમના દરવાજા પાસે, તિમ્નાના માર્ગની બાજુએ જઈને બેઠી. કેમ કે તેણે જાણ્યું કે શેલા મોટો થયો છે, પણ તેને તેની પત્ની થવા માટે આપવામાં આવી નથી. 15 જયારે યહૂદાએ તેને જોઈ, ત્યારે તેણે વિચાર્યું કે તે ગણિકા હશે, કેમ કે તેણે તેનું મુખ ઢાંક્યું હતું. 16 તે માર્ગની બાજુએ તેની પાસે ગયો અને કહ્યું, “ચાલ, મને તારી સાથે સંબંધ બાંધવા દે.” કેમ કે તે તેની પુત્રવધૂ છે એ તે જાણતો નહોતો. તેણે કહ્યું, “મારી સાથે સંબંધ બાંધવાના બદલામાં તું મને શું આપીશ? 17 તેણે કહ્યું, “ટોળાંમાંથી એક લવારું હું તને મોકલી આપું છું.” તેણીએ કહ્યું, જ્યાં સુધી તું તે ના મોકલે ત્યાં સુધી તું મને કશું ગીરવે આપું? 18 તેણે કહ્યું, હું તને શું ગીરવે આપી શકું? તેણે કહ્યું, “તારી મુદ્રા, તારો અછોડો તથા તારા હાથમાંની લાકડી.” તેણે તેને તે આપ્યાં. પછી તે તેની પાસે ગયો. તેના સંસર્ગથી તે ગર્ભવતી થઈ. 19 તે ઊઠીને ચાલી. પછી તેણે તેનો ઘુંઘટ ઉતાર્યો અને તેનાં વૈધવ્યનાં વસ્ત્ર પહેર્યા. 20 તે સ્ત્રીના હાથમાંથી ગીરવે મૂકેલી વસ્તુ લેવા માટે યહૂદાએ તેના મિત્ર અદુલ્લામીની સાથે લવારું મોકલ્યું, પણ તે તેને મળી નહિ. 21 પછી અદુલ્લામીએ તે જગ્યાના માણસોને પૂછ્યું, “જે ગણિકા એનાઈમ પાસેના માર્ગ પર હતી તે ક્યાં છે?” તેઓએ કહ્યું, “અહીં તો કોઈ ગણિકા નથી.” 22 તે યહૂદાની પાસે પાછો આવ્યો અને કહ્યું, “મને તે મળી નથી. ત્યાંના માણસોએ પણ કહ્યું કે, 'અહીં કોઈ ગણિકા ન હતી.'” 23 યહૂદાએ કહ્યું, “તે ભલે તેની પાસે વસ્તુઓ રાખે, રખેને આપણે શરમજનક સ્થિતિમાં મુકાઈએ. તેને લીધે, મેં આ લવારું મોકલ્યું, પણ તને તે મળી નહિ.” 24 પછી આશરે ત્રણેક મહિના પછી યહૂદાને ખબર મળી કે, “તેની પુત્રવધૂ તામારે વ્યભિચાર કર્યો છે અને તે ગર્ભવતી થઈ છે.” યહૂદાએ કહ્યું, “તેને અહીં લાવો અને સળગાવી દો.” 25 જયારે તેને ત્યાં લાવવામાં આવી ત્યારે તેણે પેલા પુરાવા સાથે તેના સસરાને સંદેશ કહેવડાવ્યો કે, “આ વસ્તુઓ જેની છે, તેનાથી હું ગર્ભવતી થયેલી છું” તેણે કહ્યું, “આ મુદ્રા, અછોડો તથા લાકડી કોનાં છે, તે મહેરબાની કરીને તું ઓળખી લે.” 26 યહૂદાએ એ વસ્તુઓને ઓળખી અને કહ્યું, “તે મારા કરતાં ન્યાયી છે, કારણ કે મેં તેને મારા દીકરા શેલાને પત્ની તરીકે ન આપી. તે પછી તેણે તેની સાથે સંબંધ બાંધ્યો નહિ. 27 તેની પ્રસૂતિના સમયે એમ થયું કે, તેના પેટમાં જોડિયાં બાળકો હતાં. 28 જન્મ આપતી વખતે પ્રથમના એક બાળકે તેનો હાથ બહાર કાઢ્યો તેથી દાસીએ તેનો હાથ પકડ્યો અને તેના હાથ પર લાલ દોરો બાંધ્યો. તેણે કહ્યું, “આનો જન્મ પ્રથમ થયો છે.” 29 પછી તેણે તેનો હાથ પાછો ખેંચ્યો ત્યારે, તેના ભાઈનો જન્મ થયો અને દાસીએ કહ્યું, તું કેમ કરીને જન્મ પામ્યો? તેણે તેનું નામ પેરેસ પાડ્યું. 30 પછી તેનો ભાઈ, જેને હાથે લાલ દોરો હતો તે જન્મ પામયો. તેનું નામ ઝેરા પડ્યું.