પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
લૂક 8:1

Notes

No Verse Added

લૂક 8:1

1
બીજા દિવસે, ઈસુએ કેટલાક શહેરો અને નાનાં ગામોની મુસાફરી કરી. ઈસુ ઉપદેશ આપતો અને દેવના રાજ્યની સુવાર્તા પણ આપતો. તેની સાથે બાર શિષ્યો હતા.
2
તેની સાથે કેટલીએક સ્ત્રીઓ પણ હતી. ઈસુએ તે સ્ત્રીઓને ભૂંડા આત્માઓના બંધનમાંથી મુક્ત કરીને તેઓને માંદગીમાંથી સાજી કરી હતી. તે સ્ત્રીઓમાંની એકનું નામ મરિયમ હતું, તે મગ્દલા ગામની હતી. જેનામાંથી સાત ભૂત નીકળ્યાં હતાં.
3
સ્ત્રીઓની સાથે ખૂઝાની પત્ની યોહાન્ના (હેરોદનો કારભારી) અને સુસાન્ના તથા બીજી ઘણી સ્ત્રીઓ હતી. તે સ્ત્રીઓ તેમના પોતાના પૈસાનો ઉપયોગ ઈસુ અને તેના પ્રેરિતોને મદદ માટે કરતી.(માથ્થી 13 :1- 17 ; માર્ક 4:1- 12 )
4
ઘણા લોકો ભેગા થવા આવ્યા. દરેક શહેરમાંથી લોકો ઈસુ પાસે આવ્યા. ઈસુએ તે લોકોને દ્ધષ્ટાંત કહ્યું:
5
“એક ખેડૂત તેનાં બી વાવવા ગયો. તે વાવતો હતો ત્યારે કેટલાંએક બી રસ્તાની ધારે પડ્યા. લોકો તે બી પર ચાલ્યા અને પક્ષીઓ બધા બી ખાઈ ગયાં.
6
કેટલાંએક બી ખડક પર પડ્યાં બી ઊગવાની શરૂઆત થઈ, પણ પછી કરમાઇ ગયાં કારણ કે બી ને પાણી મળ્યું નહિ.
7
કેટલાંએક બી કાંટાવાળી ઝાડી પર પડ્યાં. બી ઊગ્યાં પણ પછી કાંટાઓએ તેને ઊગતાં દાબી દીધાં.
8
અને કેટલાંએક બી સારી જમીન પર પડ્યાં. બી ઊગ્યાં અને તેમાંથી 10 ગણા દાણા પાક્યાં.”ઈસુએ દ્ધંષ્ટાત પૂરું કર્યા પછી ઈસુએ કહ્યું, “તમે લોકો જે મને સાંભળો છો તે ધ્યાનથી સાંભળો!”
9
ઈસુના શિષ્યોએ તેને પૂછયું, “આ વાર્તાનો અર્થ શું છે?”
10
ઈસુએ કહ્યું, “દેવના રાજ્યનું રહસ્ય સમજવા માટે તમારી પસંદગી થયેલ છે. પણ બીજા લોકોને કહેવા માટે હું દ્ધષ્ટાંતોનો ઉપયોગ કરું છું. આમ કહું છું તેથી:‘તેઓ નજર કરશે, પણ તેઓ જોશે નહિ; અને તેઓ ધ્યાનથી સાંભળશે, પણ તેઓ સમજશે નહિ.’ યશાયા 6:9
11
“દ્ધષ્ટાંતનો અર્થ છે: “બી તો દેવના વચન છે.
12
રસ્તાની ધારે પડેલું બી એટલે શું? તે એવા લોકો છે જે ઉપદેશ સાંભળે છે પણ પછી શેતાન આવે છે અને તેઓના હ્રદયમાંથી ઉપદેશ લઈ જાય છે. તેથી લોકો ઉપદેશમાં માનતા નથી અને બચી શકતા નથી.
13
પેલા ખડક પર પડેલા બી નો અર્થ શું? તે એવા લોકો જેવા છે જે દેવનો ઉપદેશ સાંભળે છે અને આનંદપૂર્વક સ્વીકાર કરે છે પણ આવા લોકોનાં મૂળિયાં ઊંડા હોતાં નથી તેઓ થોડા સમય માટે સ્વીકારે છે પણ જ્યારે પરીક્ષણનો સમય આવે છે, તો વિશ્વાસ ગુમાવે છે અને દેવથી દૂર જતા રહે છે.”
14
“કાંટાવાળી ઝાડીમાં પડેલા બી નો અર્થ શું? તે બી એવા લોકો જેવા છે જે દેવના વચન સાંભળે છે પણ જીવનની ચિંતાઓ, સંપત્તિ અને મોજમઝામાં તેઓનો વિકાસ અટકી જાય છે. અને તેથી તેઓને સારાં ફળ કદાપિ આવતાં નથી.
15
અને જે સારી જમીન પર પડ્યાં હોય છે તે બી નું શું? તે બી એવા લોકો જેવા છે જે દેવના વચનો પ્રામાણિક શુદ્ધ હ્રદયથી સાંભળે છે. તેઓ દેવના વચનને અનુસરે છે અને ધીરજથી સારા ફળ પ્રાપ્ત કરે છે.
16
“કોઈ પણ વ્યક્તિ દીવો સળગાવીને તેને વાસણ તળે ઢાંકતો નથી. અથવા ખાટલા નીચે છુપાવતો નથી. તે માણસ દીવો દીવી પર મૂકે છે તેથી જે લોકો અંદર આવે તેઓને જોવા માટે પૂરતો પ્રકાશ મળશે.
17
દરેક વસ્તુ જે છુપાયેલી છે તે સ્પષ્ટ થશે. દરેક ગુપ્ત વસ્તુ જાહેર થઈ જશે.
18
તેથી તમે કેવી રીતે ધ્યાનથી સાંભળો છો તે માટે સાવધાન બનો. જે વ્યક્તિ પાસે થોડીક સમજશક્તિ હશે તે વધારે પ્રાપ્ત કરશે. પણ જે વ્યક્તિ પાસે સમજશક્તિ નહિ હોય, તેની પાસેથી તેના ધારવા મુજબ જે થોડી સમજશક્તિ હશે તે પણ તે ગુમાવશે.”
19
ઈસુની મા અને તેના ભાઈઓ તેની મુલાકાતે આવ્યા ત્યાં બીજા લોકોની એટલી બધી ભીડ હતી કે તેની મા તથા ભાઈઓ તેની નજીક જઇ શક્યા નહિ.
20
કોઈકે ઈસુને કહ્યું, “તારી મા તથા તારા ભાઈઓ બહાર ઊભા છે. તેઓ તને મળવા ઈચ્છે છે.”
21
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “આ લોકો જે દેવની વાત ધ્યાનથી સાંભળે છે અને તેનું પાલન કરે છે તેઓ મારી મા તથા મારા ભાઈઓ છે!”
22
એક દિવસ ઈસુ અને તેના શિષ્યો એક હોડીમાં ચઢ્યા. ઈસુએ તેઓને કહ્યું, “મારી સાથે સરોવરને પેલે પાર આવો.” અને તેથી તેઓએ હોડી હંકારવાનું શરૂ કર્યુ.
23
જ્યારે તેઓ હાંકારતા હતા ત્યારે ઈસુ ઊંઘી ગયા. સરોવર પર વાવાઝોડું ફૂંકાયું. જેથી હોડીમાં પાણી ભરાવા લાગ્યું. તેઓ જોખમમાં હતા.
24
તેના શિષ્યો ઈસુ પાસે ગયા અને તેને જગાડ્યો. તેઓએ કહ્યું, “સ્વામી! સ્વામી! આપણે ડૂબી જઈશું!”ઈસુ ઊભો થયો. તેણે પવનને અને પાણીનાં મોજાંને હૂકમ કર્યો. પવન અટક્યો અને સરોવર શાંત થઈ ગયું.
25
ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “તમારો વિશ્વાસ ક્યાં છે?”શિષ્યો ડરીને અચરજ પામ્યા. તેઓએ એકબીજાને કહ્યું, “આ કેવા પ્રકારનો માણસ છે? તે પવન અને પાણીને પણ હૂકમ કરે છે અને તેઓ તેનું માને છે!”
26
ઈસુ અને તેના શિષ્યો ગાલીલથી સરોવરને પેલે પાર હોડી હંકારી ગયા. તેઓ ગેરસાનીઓના લોકોના પ્રદેશમાં આવી પહોંચ્યા.
27
જ્યારે ઈસુ હોડીમાંથી બહાર નીકળ્યો ત્યારે તે શહેરમાનો એક માણસ ઈસુ પાસે આવ્યો. માણસમાં ભૂતો હતાં. તે ઘણા લાંબા સમયથી કપડાં પહેરતો હતો. તે ઘરમાં નહિ પણ જ્યાં લોકોના મૃતદેહો દાટવામાં આવતા તે ગુફાઓમાં તે રહેતો.
28
અશુદ્ધ આત્મા તેને વારંવાર વળગતો. તેને કાબુમાં રાખવા માટે તેના હાથ અને પગ સાંકળથી બાંધવામાં આવતા. તે માણસ હંમેશા સાંકળો તોડી નાંખતો. અને તેના અંદર રહેલા ભૂતો નિર્જન જગ્યાએ બહાર જવા તેને દબાણ કરતા. પછી ઈસુએ તે અશુદ્ધ આત્માને માણસમાંથી બહાર આવવા હુકમ કર્યો તે માણસ ઈસુની આગળ નીચે પડ્યો અને મોટા સાદેથી બૂમો પાડવા લાગ્યો, “ઓ ઈસુ, પરાત્પર દેવના દીકરા, તું મારી પાસેથી શું ઈચ્છે છે? મહેરબાની કરીને મને શિક્ષા કરીશ નહિ!”
30
ઈસુએ તેને પૂછયું, “તારું નામ શું છે?” તે માણસે ઉત્તર આપ્યો, “સેના.” (તેણે કહ્યું તેનું નામ સેના હતું કારણ કે ઘણા ભૂતો તેનામાં પેઠાં હતા.)
31
ભૂતોએ ઈસુને વિનંતી કરી કે અમને અનંતકાળના અંધકારમાં મોકલીશ નહિ.
32
ત્યાં એક ટેકરીની બાજુમાં ઘણાં ભૂંડોનું ટોળું ચરતું હતું. ભૂતોએ ઈસુને વિનંતી કરી કે, અમને ભૂંડોમાં પ્રવેશવાની રજા આપો. તેથી ઈસુએ ભૂતોને તેમ કરવાની રજા આપી.
33
પછી ભૂતો માણસમાંથી નીકળીને ભૂંડોમાં પેઠા. પછી ભૂંડોનું ટોળું પહાડની ધાર પરથી સરોવરમાં ધસી પડ્યું. બધાજ ભૂંડો ડૂબીને મરી ગયા.
34
ભૂંડો ચરાવનાર જે થયું હતું તે જોઈને તે પણ ભાગી ગયો. તે માણસોએ વાત શહેરમાં અને ગામડાંઓમાં જાહેર કરી.
35
શું બન્યું છે તે જોવા લોકો બહાર આવ્યા. લોકો ઈસુ પાસે આવ્યા ત્યાંરે તે માણસને ઈસુના પગ આગળ બેઠેલો જોયો. તે માણસે કપડાં પહેરેલાં હતા. માનસિક રીતે તે ફરીથી સ્વસ્થ હતો. અને અશુદ્ધ આત્માઓ જતા રહ્યાં હતા. તે લોકો ડરી ગયા.
36
તે લોકો કે જેમણે બાબત બનતાં જોઈ હતી તેમણે ઈસુએ માણસ કે જનામાં ભૂતો હતાં તેને કેવી રીતે સાજો કર્યો તે બીજા લોકોને કહ્યું.
37
ગેરસાનીઓના બધાજ લોકોએ ઈસુને દૂર ચાલ્યા જવા કહ્યું. તેઓ બધા ડરી ગયા હતા.તેથી ઈસુ પાછો હોડીમાં બેઠો અને ગાલીલ પાછો ફર્યો.
38
જે માણસ કે જેનામાંથી ભૂતો નીકળ્યાં હતા તેણે ઈસુ સાથે જવા વિનંતી કરી. પણ ઈસુએ તે માણસને વિદાય કર્યો. અને કહ્યું,
39
“તારે ઘરે પાછો જા અને દેવે તારે માટે શું કર્યુ છે તે લોકોને કહે.”તેથી તે માણસ ગયો અને આખા શહેરમાં કહ્યું કે ઈસુએ તેને માટે શું કર્યુ છે.
40
ઈસુ જ્યારે ગાલીલ પાછો ફર્યો ત્યારે લોકોએ તેનું સ્વાગત કર્યુ. દરેક વ્યક્તિ તેની રાહ જોતી હતી.
41
ઈસુ પાસે યાઈર નામનો એક માણસ આવ્યો. યાઇર સભાસ્થાનનો અધિકારી હતો. તે ઈસુના ચરણે પડ્યો અને ઈસુને વિનંતી કરી કે મારે ઘેર પધારો.
42
યાઇરને માત્ર એક દીકરી હતી. તે બાર વર્ષની હતી, જે મરણ પથારીએ હતી. જ્યારે ઈસુ યાઇરને ઘરે જતો હતો તે દરમ્યાન તેની આજુબાજુ લોકોનું ટોળું તેના પર ઘસારો કરતું હતું.
43
ત્યાં એક સ્ત્રીહતી જેને બાર વર્ષથી લોહીવા હતો. પોતાની પાસે જે કઈ હતું તે બધું ખર્ય્યુ. પણ કોઈ વૈદ તેને સાજી કરી શક્યો હતો.
44
તે ઈસુની પાછળથી આવી અને તેનાં લૂગડાંની કોરને અડકી. તે ક્ષણે તેનો લોહીવા બંધ થઈ ગયો.
45
પછી ઈસુએ કહ્યું, “મને કોણ અડક્યું?”બધા લોકોએ કહ્યું, તેઓએ ઈસુને સ્પર્શ કર્યો નથી. પિતરે કહ્યું, “સ્વામી, તારી આજુબાજુ જે લોકો છે તેઓ તારા પર ધસી રહ્યાં હતાં.”
46
ઈસુએ કહ્યું, “મને કોઈએ સ્પર્શ કર્યો છે. કેમકે મને ખબર પડી છે કે પરાક્રમ મારામાંથી બહાર નીકળ્યું છે.”
47
જ્યારે સ્ત્રીએ જોયું કે તે છુપી રહી શકે તેમ નથી ત્યારે ધ્રુંજતી ધ્રુંજતી આગળ આવી અને બધાજ લોકોની સમક્ષ ઈસુના પગ આગળ પડીને બોલી કે શા માટે તે ઈસુને સ્પર્શી હતી. પછી તેણે કહ્યું કે જ્યારે તેણે ઈસુનો સ્પર્શ કર્યો ત્યારે તરત તે સાજી થઈ ગઇ હતી.
48
ઈસુએ તેને કહ્યું, “દીકરી, તને તારા વિશ્વાસે સાજી કરી છે. શાંતિથી જા.”
49
હજી ઈસુ બોલતો હતો ત્યાં તો સભાસ્થાનના અધિકારી (યાઇર) ને ઘરેથી એક માણસ આવ્યો. અને કહ્યું કે, “તારી પુત્રીનું અવસાન થયું છે. હવે ઉપદેશકને તકલીફ આપીશ નહિ.”
50
ઈસુએ સાંભળ્યું, તેણે યાઇરને કહ્યું, “જરાય ગભરાઇશ નહિ. માત્ર વિશ્વાસ રાખ એટલે તારી પુત્રી સાજી થઈ જશે.”
51
ઈસુ ઘરે આવ્યો. ઈસુએ ફક્ત પિતર, યાકૂબ, યોહાન તથા છોકરીના માબાપને તેની સાથે અંદર આવવા દીધા. ઈસુએ બીજા કોઈ પણ માણસને અંદર આવવા દીધા નહિ.
52
બધાજ લોકો રડતાં હતા અને વિલાપ કરતાં હતાં કારણ કે તે છોકરી મૃત્યુ પામી હતી. પણ ઈસુએ કહ્યું, “રડશો નહિ, તેનું મૃત્યુ થયું નથી, પણ તે ઊંઘે છે.”
53
લોકો ઈસુ તરફ હસ્યા, કારણ કે તેઓ જાણતા હતા કે છોકરી મરી ગઇ છે.
54
પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને બોલાવી, “નાની છોકરી ઊભી થા!”
55
તેનો આત્મા તેનામાં પાછો આવ્યો ને તરત ઊભી થઈ. ઈસુએ કહ્યું, “તેને કઈક ખાવાનું આપો.”
56
તે છોકરીનાં માબાપ આશ્ચર્યચકિત થઈ ગયા. ઈસુએ તેઓને કહ્યું કે, જે કંઈ બન્યું છે તે વિષે કોઈને કહેતાં નહિ.
×

Alert

×

gujarati Letters Keypad References