1. ત્યારબાદ હાજર રહેલાં બધા ઇસ્રાએલીઓ યહૂદાના ગામડાઓમાં પાછા ગયા, અને ત્યાંના પૂજાસ્તંભો તોડી પાડ્યાં, અશેરાદેવીની પ્રતિમાઓ, ટેકરી ઉપરનાં થાનકો અને વેદીઓ ભાંગી નાખ્યાં. અને સમગ્ર યહૂદા, બિન્યામીન, એફ્રાઇમ અને મનાશ્શાના વંશના પ્રદેશોમાંથી તેમનું નામનિશાન મીટાવી દીધું. એ પછી બધા ઇસ્રાએલીઓ પોતપોતાના ગામમાં પોતપોતાને ઘેર પાછા ફર્યા.
2. તે પછી હિઝિક્યાએ યાજકોને અને લેવીઓને ફરી ટોળીવાર ગોઠવી દીધા અને દરેક યાજકને કે લેવીને તેણે કરવાનું ચોક્કસ કામ નક્કી કરી આપ્યું- પછી તે દહનાર્પણ આપવાનું હોય કે શાંત્યર્પણ ધરવાનું હોય, કે મંદિરના જુદા જુદા ભાગોમાં સેવા કરવાનું હોય, સ્તોત્રો ગાવાનું હોય કે ભજન-કીર્તન કરવાનું હોય,
3. રાજાએ પોતાના અંગત ઢોરઢાંખરમાંથી દરરોજ સવારે તેમજ સાંજે, તથા વિશ્રામવારોએ, ચંદ્રદર્શનને દિવસે અને ખાસ પવોર્ને દિવસે યહોવાના નિયમમાં લખ્યા અનુસાર ચઢાવવાના દહનાર્પણની જોગવાઇ કરી આપી.
4. વળી તેણે યરૂશાલેમના લોકોને આજ્ઞા કરી કે તેઓ પોતાની ઉપજનો થોડો ભાગ યાજકો તથા લેવીઓ પાસે લાવે, જેથી તેઓ દેવના નિયમશાસ્ત્ર પ્રત્યે પોતાને સંપૂર્ણ સમય આપી શકે.
5. રાજાનું ફરમાન બહાર પડતાં જ ઇસ્રાએલીઓએ અનાજનો, દ્રાક્ષારસનો, તેલનો, મધનો અને બધી જ ખેતીવાડીની પેદાશનો પહેલો ફાલ ઉદાર હાથે આપ્યો. વળી એટલી જ ઉદારતાથી તેઓ દરેક વસ્તુમાંથી દસમો ભાગ લઇ આવ્યા.
6. યહૂદાના ગામોમાં વસતા ઇસ્રાએલીઓ અને યહૂદિયો પણ તેમના દસમા ભાગના ઢોર અને ઘેટાં લઇ આવ્યા અને બીજી ભેટોનો દસમો ભાગ લઇ આવ્યા જે યહોવાને સમપિર્ત કરાયો હતો અને તેના ઢગલા કર્યા.
7. તેમણે આ ઢગલા ખડકવાનું ત્રીજા મહિનામાં શરૂ કર્યુ અને સાતમાં મહિનામાં પૂરું કર્યુ.
8. હિઝિક્યાએ અને તેના અમલદારોએ આવીને એ ઢગલા જોઇ, યહોવાને અને તેના લોકો ઇસ્રાએલીઓને ધન્યવાદ આપ્યા.
9. હિઝિક્યાએ યાજકોને અને લેવીઓને એ ઢગલાઓ વિષે પૂછયું.
10. અને મુખ્ય યાજક સાદોકવંશથી અઝાર્યાએ જણાવ્યું કે, “લોકોએ યહોવાના મંદિરમાં ભેટો લાવવાનું શરૂ કર્યુ, ત્યારથી અમને પૂરતું ખાવાનું મળી રહે છે. અને એ ઉપરાંત પુષ્કળ વધે છે, કારણ યહોવાએ પોતાના લોકોને પુષ્કળ આશીર્વાદ આપ્યો છે, આ મોટો ઢગ તો જે કઇં વધ્યું તેનો છે.”
11. ત્યારે હિઝિક્યાએ યાજકોને યહોવાના મંદિરમાં કોઠારો કરાવી લેવાને ફરમાવ્યું ને તેમ કરવામાં આવ્યું.
12. યાજકો પ્રામાણિકપણે દસમો ભાગ અને યહોવાને સમર્પણની બીજી બધી ભેટો લાવ્યાં, લેવી કોનાન્યા એની સંભાળ રાખતો હતો અને તેનો ભાઇ શિમઇ તેનો મદદનીશ હતો.
13. રાજા હિઝિક્યાએ અને મંદિરના મુખ્ય કારભારી અઝાર્યાએ કોનાન્યાના અને તેના ભાઇ શિમઇના હાથ નીચે કામ કરવા યહીએલ, અઝાઝયા, નાહાથ, અસાહેલ યરીમોથ, યોઝાબાદ, અલીએલ, યિસ્માખ્યા, માહાથ, અને બનાયાની નિમણૂંક કરી.
14. પૂર્વના દરવાજાના દ્વારપાળ લેવી યિમ્નાહના પુત્ર કોરેને યહોવાનાં અર્પણો તથા પરમપવિત્ર વસ્તુઓ સ્વીકારવાની અને તેમની ફાળવણી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
15. એદેન, મિનિયામીન, યેશૂઆ, શમાયા, અમાર્યા અને સખાન્યાએ કોરેને મદદ કરી, યાજકોના નગરોમાં તેઓ રહ્યાં અને નાના મોટા સર્વ લેવીબંધુઓને તેમના વર્ગ અનુસાર તેમના ભાગની ફાળવણી કરતા હતા.
16. ગમે તે કુળના હોય તો પણ, જે કાંઇ યહોવાના મંદિરમાં આવતું તે બધા લોકોમાં કે જે 3 વર્ષ અને તેનાથી ઉપરની ઉંમરના હોય કે જે મંદિરમાં કામ કરવા માટે તેમની જવાબદારી નિભાવવા આવ્યા હોય તેમના વર્ગ અનુસાર ભાગ વહેંચવામાં આવતો હતો.
17. યાજકોની નોંધણી કુટુંબવાર કરવામાં આવી હતી. જ્યારે વીસ વર્ષના અને તેથી વધુ ઉંમરના લેવીઓની નોંધણી તેમની ફરજો અને દરજ્જા વાર કરવામાં આવી હતી.
18. આ રીતે, નોંધાયેલા સર્વ કુટુંબોના બાળકોને, પત્નીઓને તેઓ ખોરાક આપતા હતા, કારણકે તેઓ પોતાનો સર્વ સમય અને શકિત મંદિરનું કામ કરવામાં વાપરતા હતા અને તેઓ પાસે આવકનું બીજું કોઇ સાધન હતું નહિ.
19. વળી જે હારુનના વંશજો યાજકો હતા તેઓ પોતાના દરેક નગરની આસપાસના ગામડામાં રહેતા હતા. તેઓને માટે પણ કેટલાક ચૂંટેલા માણસોને નીમવામાં આવ્યા હતા, જેથી તેઓ યાજકોમાંના સર્વ પુરુષોને તથા લેવીઓમાં જેઓ વંશાવળી પ્રમાણે ગણાયા હતા, તેઓ સર્વને ભાગ વહેંચી આપે.
20. સમગ્ર યહૂદામાં આ વ્યવસ્થા અમલમાં હતી. હિઝિક્યાએ યહોવા પોતાના દેવ સામે, સાચું અને સારૂં ગણાય એવું આચરણ કર્યું.
21. તેણે યહોવાના મંદિરની સેવા અથેર્ અને ધર્મસંહિતાને તેની આજ્ઞાઓના પાલન અથેર્ જે જે કર્યુ તે બધું સાચા હૃદયથી તે દેવ પ્રત્યેની પૂર્ણ નિષ્ઠાથી કર્યુ. અને તેને સફળતા મળી.