1. પછી યહોવાએ મને યહૂદિયાના રાજાના મહેલમાં જઇને આ પ્રમાણે સીધી વાત કરવા કહ્યું:
2. “‘દાઉદના રાજ્યાસન પર બેઠેલા હે યહૂદિયાના રાજા, તું અને તારા અમલદારો તથા યરૂશાલેમના બધાં વતનીઓ હું જે કહું છું તે ધ્યાનથી સાંભળો.
3. હું, યહોવા આ પ્રમાણે તમને કહું છું; ન્યાયથી અને સદાચારથી વતોર્, જે વ્યકિત તેના જુલ્મીના હાથે લૂંટાઇ ગઇ છે તેને બચાવો; પરદેશીઓ, અનાથો અને વિધવાઓ પ્રત્યે હિંસા આચરો નહિ, આ સ્થાને નિદોર્ષનું લોહી રેડશો નહિ.
4. જે હું તને કહું છું જો તું સાચે જ કરે તો, હું ખાતરી કરીશ કે તે રાજાઓ જે દાઉદના રાજ્યાસન પર બેસે છે. તેઓ આ દ્વાર તરફથી જશે. તેઓ રથોમાં અને ઘોડા પર સવારી કરશે અને તેઓના ચાકરો અને તેઓના લોકો પણ.
5. પણ જો તમે મારી ચેતવણી તરફ ધ્યાન નહિ આપો, ને મારું કહ્યું નહી કરો તો હું મારા પોતાના સમ ખાઇને કહું છું કે, આ મહેલ ખંડેર બની જશે. આ હું યહોવા બોલું છું.”‘
6. યહૂદિયાના રાજમહેલ વિષે યહોવાએ કહ્યું છે કે,“તું મારે મન ગિલયાદ જેવો, લબાનોન પર્વતના શિખર જેવો છે. તેમ છતાં હું સમ ખાઉ છું, તને વેરાન અને વસ્તીહિન સ્થળ જેવું બનાવી દઇશ.
7. હું તારો વિનાશ કરવા માટે માણસો નક્કી કરીશ. તેઓ દરેક જણ હાથમાં કુહાડો લઇને તારા ગંધતરૂના સુંદરમાં સુંદર વૃક્ષોને કાપી નાખશે અને અગ્નિમાં હોમી દેશે.
8. “તારાજ થયેલા આ નગરની પાસેથી પસાર થતાં, ઘણી પ્રજાઓના લોકો એકબીજાને કહેશે, ‘યહોવાએ શા માટે આ નગરનાં આવા હાલ કર્યા? શા માટે તેમણે આવા મહાન નગરનો વિનાશ કર્યો?’
9. ત્યારે પ્રત્યુત્તર મળશે, ‘કારણ કે એ લોકોએ પોતાના દેવ યહોવા સાથેના કરારને ફગાવી દઇ બીજા દેવોની પૂજા કરી.”‘
10. યહૂદિયાના લોકો, જે મૃત્યુ પામ્યા છે તેને માટે ચિંતા કરશો નહિ, તેમ તેનો શોક પણ ન કરશો; પણ જે ચાલ્યો ગયો છે તેને માટે હૈયાફાટ રૂદન કરજો, કારણ તે કદી પાછો આવવાનો નથી. તે કદી ફરી જન્મભૂમિના દર્શન કરવાનો નથી.
11. તેના પિતા યોશિયા રાજાની જગ્યાએ ગાદીએ આવનાર શાલ્લૂમને બંદીવાસમાં લઈ જવામાં આવ્યો છે. તેના વિષે યહોવા કહે છે:
12. “તેને જ્યાં કેદ પકડીને લઇ જવામાં આવ્યો છે તે દેશમાં જ તે મૃત્યુ પામશે અને આ ભૂમિને કદી જોવા પામશે નહિ.”
13. યહોયાકીમ રાજા તારી પર શરમ છે, કારણ કે તેં પ્રામાણિકતાથી અને અન્યાયથી લોકો પર દબાણ મુક્યું છે, કે તારી માટે તેઓ સખત કામ કરે અને જેની ઉપરની તરફ ઓરડા હોય તેવો મહેલ બનાવે. તેં જ તારા સાથી માણસોને તેમને તેમનો પગાર આપ્યા વગર કામ કરવા માટે દબાણ કર્યુ હતું.
14. તે કહે છે, “હું મારા માટે જેમાં વિશાળ ઉપરી ઓરડાઓ હોય તેવો એક ભવ્ય મહેલ બંધાવીશ, પછી તેમાં બારીઓ મૂકાવીશ, સુગંધીદાર એરેજકાષ્ટથી તેને મઢાવીશ તથા મનમોહક કિરમજી રંગથી તેને રંગાવીશ.”
15. પરંતુ ભવ્ય મહેલ બનાવ્યા તેથી કાઇં મહાન રાજા થઇ શકાતું નથી! તારા પિતા યોશિયાએ શા માટે ઘણાં વષોર્ સુધી રાજ કર્યું? કારણ કે તે ન્યાયી હતો અને સર્વ વ્યવહારમાં પ્રામાણિક હતો. તેથી દેવે તેને આશીર્વાદ આપ્યો હતો.
16. ગરીબો તથા જરૂરતમંદોને ન્યાય તથા સહાય પૂરી પાડવામાં તેણે કાળજી રાખી, તેથી તે બધી વાતે સુખી હતો. આમ કરવાથી માણસ દેવની નજીક રહી શકે છે. આ યહોવાના વચન છે.
17. પણ તને તો સ્વાર્થ સિવાય બીજું કશું જોવાને આંખો જ નથી, નથી તને નિદોર્ષનું લોહી રેડવા અને ઘાતકી અત્યાચારો કરવા સિવાય બીજા કશા વિચાર આવતા. આ યહોવાના વચન છે.
18. તે માટે યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમ વિષે યહોવા કહે છે કે, “તે મૃત્યુ પામશે ત્યારે તેનું કુટુંબ તેને માટે શોક કરશે નહિ, ઓ મારા ભાઇ! અથવા ઓ મારી બહેન! એવું બોલીને રડશે નહિ. તેની પ્રજા પણ તેના મૃત્યુની નોંધ લેશે નહિ. ‘મારા માલિક! મારા રાજા!’ એમ કહીને કોઇ રડશે નહિ.
19. એક ગધેડાંના જેવી તેની અંતિમ યાત્રા થશે, તેને ઘસડીને યરૂશાલેમના દરવાજા બહાર નાખી આવશે.”
20. હે યરૂશાલેમની પ્રજા, લબાનોનના પહાડ પર જઇને હાંક માર! બાશાનમાં જઇને પોકાર કર! અબારીમ પર્વત પરથી હાંક માર! કારણ, તારા બધા મિત્રો પાયમાલ થઇ ગયા છે.
21. જ્યારે તુ સમૃદ્ધ થતો હતો; ત્યારે મેં તારી સાથે વાત કરી હતી, પણ તેં કહ્યું, “હું નહિ સાંભળુ. તારી યુવાનીથી માંડીને તું આ રીતે વર્તતી આવી છે, તેં કદી મારું કહ્યું કર્યું નથી.
22. તારા સર્વ આગેવાનો પવન દ્વારા ઘસડાઇ જશે. તારા સર્વ મિત્રોને ગુલામો તરીકે દેશવટે લઇ જવામાં આવશે, આખરે તારી દુષ્ટતાને કારણે તારી બદનામી થશે, ને તું શરમ અનુભવશે.
23. લબાનોનના એરેજવૃક્ષો મધ્યે ભવ્ય મહેલમાં સુખચેનથી રહેવું ઘણું સારું છે. પરંતુ પ્રસૂતાની વેદનાની જેમ તારા પર આફત આવશે ત્યારે તારી દશા, કેવી દયાજનક હશે!”
24. જેમ સાચે જ હું જીવું છું, એવું યહોવા કહે છે, “જો યહૂદિયાના રાજા, યહોયાકીન રાજા યહોયાકીમના પુત્ર, જો તું મારા જમણા હાથ પરની વીંટી હોત, તો મેં તેને મારા હાથમાંથી દૂર કર્યો હોત.
25. તું જેનાથી ડરે છે અને જે તારો જીવ લેવા તાકે છે તે બાબિલના રાજા નબૂખાદનેસ્સાર અને તેના સૈન્યના હાથમાં સોંપી દઇશ.
26. હું તને તથા તારી માતાને આ દેશમાંથી બહાર ફેંકી દઇશ. અને તમે પરદેશી ભૂમિમાં મૃત્યુ પામશો.
27. અને તમે જ્યાં પાછાં જવા માટે ઝૂરતાં હશો તે ભૂમિમાં કદી જવા પામશો નહિ.”
28. મેં કહ્યું, આ માણસ કોન્યા, એટલે ફૂટેલા અને ફેંકી દીધેલા ઘડા જેવો છે. તેને તથા તેનાં બાળકોને દૂરના અજાણ્યા પ્રદેશમાં ફેંકી દેવામાં આવ્યા છે. અને એક એવી ભૂમિમા નાંખી દેવામાં આવ્યા છે જેને તેઓ જાણતા પણ નથી.
29. હે ભૂમિ, ભૂમિ, ભૂમિ! તું યહોવાના વચન સાંભળ!
30. યહોવા કહે છે: “‘લખી રાખોકે આ માણસને સંતાન નહી થાય. જીવનમાં એ કદી સફળ નહિ થાય. એ કોઇ વંશજ નહિ મૂકી જાય, જે દાઉદના રાજ્યાસન પર બેસે અથવા ફરીથી યહૂદીઓ પર રાજ કરે.”‘