1. સુલેમાને પ્રાર્થના પૂરી કરી એટલે આકાશમાંથી અગ્નિએ ઊતરીને દહનાર્પણ અને હોમબલિઓને ભસ્મીભૂત કર્યા અને યહોવાના ગૌરવથી મંદિર ભરાઇ ગયું.
2. જેથી યાજકો યહોવાના મંદિરમાં પ્રવેશ કરી શક્યાં નહિ. વળી યહોવાના ગૌરવથી મંદિર ભરાઇ ગયું હતું.
3. તમામ ઇસ્રાએલીઓએ અગ્નિને ઉતરતો અને યહોવાના ગૌરવને મંદિર ઉપર સ્થિર થતો જોઇને ફરસબંદી ઉપર લાંબા થઇને પ્રણામ કર્યા. અને યહોવાનો આભાર માન્યો, અને એમ કહ્યું, “તે ભલાઇનો ભંડાર છે, તેની કરૂણા શાશ્વત છે.”
4. ત્યારબાદ રાજાએ અને સર્વ લોકોએ મંદિરનું અર્પણ કાર્ય કરી, યહોવા સમક્ષ તેઓએ હોમબલિઓ આપ્યાં.
5. રાજા સુલેમાને 22 ,000 બળદ અને 1, 20,000 ઘેટાનું બલિદાન આપ્યું. આ રીતે, રાજાએ અને બધા લોકોએ મંદિરનું સમર્પણ કર્યુ.
6. યાજકો પોતપોતાના કામ પ્રમાણે નિયત સ્થાને ઊભા રહ્યા, એ જ રીતે લેવીઓ પણ યહોવાના કીર્તન વખતે વગાડવા માટે દાઉદે બનાવેલાં વાજિંત્રો લઇને ઊભા રહ્યા અને દાઉદે રચેલા સ્તવનો ગાવા લાગ્યાં કે, “તે ભલાઇનો ભંડાર છે, અને તેની કરૂણા શાશ્વત છે.” તેમની બાજુમાં યાજકો રણશિંગડાં ફૂંકતા હતા. બધા ઇસ્રાએલીઓ ત્યાં ઊભા હતા.
7. ત્યારબાદ સુલેમાને યહોવાના મંદિરની આગળ આવેલા ચોકનો વચલો ભાગ પણ પવિત્ર કર્યો. ત્યાં તેણે દહનાર્પણો, ખાદ્યાર્પણો તથા શાંત્યર્પણોના ચરબીવાળા ભાગો ધરાવ્યાં. કારણ સુલેમાને જે પિત્તળની વેદી બનાવડાવી હતી તેમાં આ બધી બલિઓ સમાઇ શકે એમ ન હતી.
8. આ રીતે સુલેમાને અને સર્વ ઇસ્રાએલીઓએ ઉત્તરમાં ઠેઠ હમાથની ઘાટીથી તે દક્ષિણમાં મિસર સુધીના સમગ્ર સમુદાયે સાત દિવસ સુધી ઉત્સવ ઊજવ્યો.
9. અને આઠમે દિવસે ખાસ મુલાકાત રાખી કરી. કારણ કે સાત દિવસ સુધી વેદીના સમર્પણની ઉજવણી કરી હતી અને સાત દિવસ સુધી તે લોકોએ ઉજવણી કરી.
10. સાતમા મહિનાના ત્રેવીસમા દિવસે સુલેમાને લોકોને પોતપોતાને ઘેર મોકલી દીધા. યહોવાએ દાઉદનું, સુલેમાનનું, અને પોતાની ઇસ્રાએલી પ્રજાનું જે કલ્યાણ કર્યુ હતું તેથી આનંદ અને હર્ષથી છલકતાં હૈયે સૌ છૂટા પડ્યા.
11. આમ સુલેમાને દેવનાં મંદિરનું અને પોતાના મહેલનું બાંધકામ પૂર્ણ કર્યું. જે કાંઇ તેણે વિચાર્યુ હતું તે બધું જ તેણે પૂર્ણ કર્યુ.
12. તેથી રાત્રે યહોવાએ તેને દર્શન આપ્યા અને કહ્યું, “મેં તમારી પ્રાર્થના સાંભળી છે અને મને હોમયજ્ઞ અર્પવા માટે આ સ્થાન પસંદ કર્યું છે.
13. હું આકાશના દ્વાર બંધ કરી દઉં અને વરસાદ ન વરસે, અથવા હું તીડોને પાક ખાઇ જવાની આજ્ઞા કરું, અથવા લોકોમાં રોગચાળો મોકલું,
14. તે વખતે મેં જેમને પોતાના કર્યા છે તે, લોકો મારે શરણે આવીને પ્રાર્થના કરે અને મારુ માર્ગદર્શન માગે અને ખોટે માગેર્થી પાછા ફરે તો હું આકાશમાંથી સાંભળીશ અને તેમનાં પાપોને માફ કરીશ અને તેમની ભૂમિને સ્વસ્થ કરી દઇશ.
15. આ સ્થળે કરેલી પ્રત્યેક પ્રાર્થના સંબંધી હું જાગ્રત રહીશ અને તે સાંભળીશ.
16. કારણકે મારા સદાકાળના નિવાસસ્થાન માટે મેં આ મંદિરને પસંદ કરીને પવિત્ર કર્યુ છે. મારી આંખો અને મારું અંત:કરણ સદા અહીં જ રહેશે.
17. તારા પિતા દાઉદની જેમ જો તું મને આધીન રહેશે, હું જે કઇં કહું તે બધું કરશે અને મારા નિયમો અને કાનૂનનોનું પાલન કરશે,
18. પછી તે હું કરીશ, તે તું અને તારા વંશજો હંમેશા ઇસ્રાએલના રાજા બની રહો. એવું વચન મે તારા પિતા દાઉદને આપ્યુ હતું”
19. “પણ જો તમે મારાથી વિમુખ થઇ જશો અને મારી આજ્ઞાઓ અને મારી આજ્ઞાઓ ત્યાગ કરી બીજા દેવોની આરાધના અને સેવા કરશો,
20. તો મેં તમને જે ભૂમિ આપી છે તેમાંથી તમને ઉખેડી નાખીશ અને મને અર્પણ કરેલા આ મંદિરનો હું ત્યાગ કરીશ અને આ જગ્યામાં કાંઇક ખરાબ બન્યું હતું તેના માટે આ મંદિરને હું પ્રસિદ્ધ કરીશ.
21. તેની ખ્યાતિને બદલે ત્યાં થઇને પસાર થનારાઓ આશ્ચર્ય પામી પૂછશે, ‘યહોવાએ આ દેશ અને આ મંદિરની આવી દુર્દશા શા માટે કરી?’
22. અને જવાબ મળશે, ‘કારણકે એ લોકોએ પોતાને મિસરમાંથી બહાર લાવનાર પોતાના પિતૃઓના દેવ યહોવાનો ત્યાગ કર્યો અને બીજા દેવોનો અંગીકાર કરીને તેમની સેવાપૂજા કરવા માંડી, એ કારણથી યહોવાએ આ બધી આફતો તેમના પર ઉતારી છે.”