1. હે ઇસ્રાએલના લોકો, તમારા યહોવા દેવ પાસે પાછા આવો, તમારા દુષ્કૃત્યોને લીધે તમે ઠોકર ખાઇને પછડાયા છો.
2. તમારી વિનંતી રજૂ કરો. યહોવા પાસે આવો અને કહો:“હે યહોવા, અમારાં પાપો દૂર કરીને અમારામાંનું સારું હોય, તેનો સ્વીકાર કરો. અમે તમને સ્તુતિઓ અપીર્શું.
3. આશ્શૂર અમને બચાવી શકશે નહિ; હવે અમે કદી યુદ્ધના ઘોડાને ભરોસે રહીશું નહિ, અને હવે અમે કદી હાથે ઘડેલી મૂર્તિને અમારો દેવ કહીશું નહિ’ તમે જ અનાથના નાથ છો.
4. યહોવા કહે છે, “હું મારા લોકોના વિશ્વાસઘાતનો રસ્તો કરીશ. હું ઉદારતાથી અને છૂટથી તેમના પર પ્રેમ રાખીશ. કારણકે હું તેમના પર રોષે નથી.
5. હું ઇસ્રાએલને માટે ઝાકળ જેવો થઇશ; તે કમળની જેમ ખીલશે, લબાનોનનાં વૃક્ષોની જેમ તેના મૂળ હજુ ઊંડા જશે,
6. તેને નવા ફણગાં ફૂટશે, અને તેની ડાળીઓ ફેલાઇ જશે, તેનો દેખાવ એક સુંદર જૈંતવૃક્ષ જેવો હશે અને લબાનોનના ગંધતરુઁઓ જેવી તેની સુવાસ હશે.
7. ફરી તેઓ મારા છાયડામાં વાસો કરશે; તેઓ બગીચાની જેમ ફૂલશે ફાલશે, દ્રાક્ષાવાડીની જેમ વધશે; તેઓની સુગંધ લબાનોનના દ્રાક્ષારસ જેવી થશે.
8. હે ઇસ્રાએલ, તારે મૂર્તિઓ સાથે કઇં કરવાનું નહિ રહે. હું એ છું જે તમારી પ્રાર્થનાઓનો ઉત્તર આપુ છું. અને હું તમારી સંભાળ રાખુ છું. તમારી સારસંભાળ રાખું છું. હું સદા લીલાછમ રહેતા વૃક્ષ જેવો છું. મારી પાસેથી જ તમને ફળ મળે છે.”
9. સમજુ ડાહ્યો હોય તે આ બાબતોને સમજે, બુદ્ધિશાળી વ્યકિત તે સાંભળે, જેનામાં સમજણ હોય તે, એનો અર્થ હૈયામાં રાખે, કારણકે યહોવાના રસ્તાઓ સત્ય અને ન્યાયી છે, અને સારો માણસ તેના ઉપર ચાલે છે, પણ પાપી માણસો ઠોકર ખાઇને પછડાય છે.