1. ગાયન; કોરાના દીકરાઓનું ગીત. આપણા ઈશ્વરના નગરમાં, તેમના પવિત્ર પર્વતમાં, યહોવા મોટા તથા ઘણા સ્તુત્ય છે.
2. મોટા રાજાનું નગર, ઉત્તર બાજુએ, ઊંચાઈમાં ખૂબસૂરત, અને આખી પૃથ્વીના આનંદરૂપ સિયોન પર્વત છે.
3. તેમના મહેલમાં ઈશ્વરે પોતાને આશ્રયરૂપે જાહેર કર્યા છે.
4. કેમ કે રાજાઓ ભેગા થયા, તેઓ એકત્ર થઈને ચાલ્યા ગયા.
5. તેઓએ તે જોયું ત્યારે તેઓ વિસ્મય પામ્યા; તેઓને દહેશત લાગી, અને તેઓ ત્વરાથી જતા રહ્યા.
6. ત્યાં તેમને ધ્રુજારી છૂટી; તથા પ્રસૂતિવેદના જેવું કષ્ટ થયું.
7. તમે પૂર્વના વાયુએ તાર્શિશનાં વહાણોને ભાંગી નાખો છો.
8. આપણે સાંભળ્યું હતું તેમ સૈન્યોના [સરદાર] યહોવાના નગરમાં, આપણા ઈશ્વરના નગરમાં, આપણે જોયું છે; ઈશ્વર સદાકાળ તેને સ્થિર રાખશે. (સેલાહ)
9. હે ઈશ્વર, અમે તમારા મંદિરમાં તમારી કૃપા વિષે વિચાર કર્યો છે.
10. હે ઈશ્વર, જેવું તમારું નામ છે તેવી તમારી સ્તુતિ પણ પૃથ્વીની સીમા પર્યંત જાય છે; તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે.
11. તમારાં ન્યાયનાં કાર્યોથી સિયોન પર્વત આનંદ પામો, અને યહૂદિયાની દીકરીઓ હરખાઓ.
12. સિયોનની આસપાસ જઈને તેની પ્રદક્ષિણા કરો; તેના બુરજોની ગણતરી કરો.
13. તેનો કોટ બરાબર ધ્યાનમાં લો, તેના મહેલો પર લક્ષ આપો; જેથી તમે આવતી પેઢીને તે વિષે કહી શકો.
14. કેમ કે આ ઈશ્વર આપણા સનાતન ઈશ્વર છે; તે મરણ પર્યંત આપણા દોરનાર થશે.