1. હે યહોવા, અમોને નહિ, અમોને નહિ, પણ તમારી કૃપા તથા તમારી સત્યતાને લીધે તમારા નામનો મહિમા થાય, એમ કરો.
2. વિદેશીઓ એમ કેમ કહે છે, “તેઓનો ઈશ્વર ક્યાં છે?”
3. પણ અમારો ઈશ્વર તો આકાશમાં છે; જે તેમણે ઇચ્છ્યું તે સર્વ તેમણે કર્યું છે.
4. તેઓની મૂર્તિઓ તો સોનારૂપાની જ છે, તેઓ માણસોના હાથનું કામ છે.
5. તેઓને મુખ છે, પણ તેઓ બોલતી નથી; તેઓને આંખો છે, પણ તેઓ જોતી નથી;
6. તેઓને કાન છે, પણ સાંભળતી નથી; નાક છે, પણ સૂંઘતી નથી;
7. તેઓને હાથ છે, પણ તેમનો ઉપયોગ કરી શકતી નથી; તેઓને પગ છે, પણ તેઓ ચાલતી નથી; વળી તેઓ પોતાના ગળમાંથી અવાજ કાઢતી નથી.
8. તેઓનાં બનાવનારાં અને તેઓના પર ભરોસો રાખનારાં સર્વ તેઓના જેવાં થશે.
9. હે ઇઝરાયલ, તું તો યહોવા પર ભરોસો રાખજે; તેઓના તે સહાયકારી તથા ઢાલ છે.
10. હે હારુનપુત્રો, તમે યહોવા પર ભરોસો રાખો; તેઓના તે સહાયકારી તથા ઢાલ છે,
11. યહોવાના ભક્તો, તમે યહોવા પર ભરોસો રાખો; તેઓના તે સહાયકારી તથા ઢાલ છે.
12. યહોવાએ આપણને સંભાર્યાં છે; તે આપણને આશીર્વાદ આપશે; ઇઝરાયલપુત્રોને તે આશીર્વાદ આપશે; હારુનપુત્રોને તે આશીર્વાદ આપશે.
13. હે યહોવાના ભક્તો, નાનાં મોટાં સર્વને તે આશીર્વાદ આપશે.
14. યહોવા તમારી તેમ જ તમારાં છોકરાંની વૃદ્ધિ કર્યા કરશે.
15. તમે આકાશ તથા પૃથ્વીના ઉત્પન્નકર્તા યહોવાના આશીર્વાદ પામ્યા [છો].
16. આકાશો તે યહોવાનાં આકાશો છે; પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે.
17. મૂએલાં તથા જેઓ કબરમાં ઊતરનારાં તેઓમાંનું કોઈ યહોવાની સ્તુતિ કરતું નથી.
18. પણ અમે આજથી તે સર્વકાળ માટે યહોવાની સ્તુતિ કરીશું. યહોવાની સ્તુતિ કરો.