1. તે વખતે શિષ્યો ઈસુ પાસે આવ્યા અને પૂછયુ, “આકાશના રાજ્યમાં મોટું કોણ છે?”
2. ઈસુએ એક નાના બાળકને તેની પાસે આવવા કહ્યું અને તેમની વચ્ચે તેને ઊભો રહેવા કહ્યું,
3. પછી શિષ્યોને કહ્યું, “હું તમને સત્ય કહું છું કે જ્યાં સુધી તમે લોકો બદલાશો નહિ અને બાળક જેવા નહિ બનો ત્યાં સુધી તમે આકાશના રાજ્યમાં પ્રવેશ નહિ કરી શકો.
4. તેથી જે કોઈ, પોતાને આ બાળકના જેવું નમ્ર બનાવશે તે આકાશના રાજ્યમાં સૌથી મહાન વ્યક્તિ છે.
5. “જે કોઈ મારા નામે આવા બાળકનો સ્વીકાર કરે છે તે મારો સ્વીકાર કરે છે.
6. “પરંતુ જે કોઈ મારા પર વિશ્વાસ કરનાર એક પણ નાનામાં નાની વ્યક્તિને ઠોકર ખવડાવે તે કરતાં એવા માણસના ગળે ઘંટીનું પડ બાંધી અને તેને ઊંડા દરિયામાં ડુબાડી દેવામાં આવે તે વધારે સારું છે.
7. જગતને અફસોસ છે, કારણ કે જે વસ્તુઓને કારણે લોકો પાપ કરે છે આવી વસ્તુઓ તો બનવાની. પણ તે વ્યક્તિને અફસોસ છે કે જે ઠોકર લાવવા માટે જવાબદાર છે.
8. “એટલે જો તારો હાથ કે પગ તને પાપ કરવા પ્રેરે તો તેને કાપીને ફેંકી દે. કારણ કે બંને હાથ અથવા બંને પગ સહિત અનંત અગ્નિમાં નંખાય તે કરતા અપંગ થઈને અનંતજીવન મેળવવું તે સારું છે.
9. જો તારી આંખ પાપ કરવા પ્રેરે તો તેને કાઢીને ફેંકી દે કારણકે બંને આંખો સહિત તને નરકની આગમાં ફેંકી દેવામાં આવે તેના કરતાં એક આંખે અનંતજીવનમાં પ્રવેશ કરવો તે ઉત્તમ છે.
10. “સાવધાન રહો, આ નાના બાળકોમાંથી એકનો પણ અનાદર ન થાય, કારણ કે તેઓના દૂતો આકાશમાં હંમેશા મારા બાપની આગળ હોય છે.
11. માણસનો દીકરો ખોવાયેલા લોકોને તારવા આવ્યો છે.
12. “જો માણસ પાસે 100 ઘેટાં હોય, પણ તેમાંથી એકાદ ઘેટું ખોવાઈ ગયું, તો તે માણસ બાકીના 99 ઘેટાંને ટેકરી પર છોડી એકને શોધવા નીકળશે, બરાબરને?
13. અને એ માણસને જો ખોવાયેલું ઘેટું મળી જાય, તો તે એટલો બધો ખુશ થાય કારણ કે તેને 99 ઘેટાં કરતાં એક ખોવાયેલું ઘેટું મળ્યું તેનો વધુ આનંદ છે, હું તમને સત્ય કહું છું.
14. તમારા આકાશમાંના બાપને આ નાનાઓમાંથી એકને પણ ગુમાવવું ગમશે નહિ.
15. “જો તારો ભાઈ અથવા બહેન તારું કાંઈ ખરાબ કરે તો તેની પાસે જા અને તેને સમજાવ. જો તારું સાંભળીને ભૂલ કબૂલ કરે તો જાણજે કે તેં તારા ભાઈને જીતી લીધો છે.
16. પણ જો એ માણસ તને સાંભળવાની સાફ ના પાડે તો તું ફરીથી એકાદ બે વધુ વ્યક્તિને તારી સાથે લે. તું જે કંઈ કહે તે આ બે કે ત્રણ સાક્ષીઓથી સાબિત કરી શકાય.
17. આમ છતાં એ ધ્યાનથી સાંભળવાની ના પાડે તો પછી મંડળીને આ વાતની જાણ કર. અને મંડળીનો ચુકાદો પણ માન્ય ન રાખે તો પછી તેને એક એવો માન કે જે દેવમાં વિશ્વાસ કરતો નથી અને તે કર ઉધરાવનારા જેવો જ છે.
18. “હું તને સત્ય કહું છું, જ્યારે પૃથ્વી પર તમે જે કાંઈ બાંધશો, તે આકાશમાં બંધાશે અને પૃથ્વી પર જે કાંઈ બંધન મુક્ત જાહેર કરશો તે આકાશમાં બંધનકર્તા નહિ હોય.
19. હું તમને એ પણ કહું છું કે, તમારામાંના બે કંઈ પણ વાત સંબંધી એક ચિત્તના થઈ દેવની પ્રાર્થના કરીને જે કંઈ માગશે તે મારા આકાશમાંનો બાપ તમને અવશ્ય આપશે.
20. કારણ કે મારા નામ પર બે અથવા ત્રણ શિષ્યો જ્યાં ભેગા થઈને મળશે તો હું પણ ત્યાં તેમની મધ્યે હોઈશ.”
21. પછી પિતર ઈસુ પાસે આવ્યો અને તેને પૂછયું, “પ્રભુ મારો ભાઈ, મારી વિરૂદ્ધ અપરાધ કર્યા જ કરે તો મારે તેને કેટલી વાર માફી આપવી? શું સાત વાર?”
22. ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને કહું છું, સાત વાર નહિ પણ સાત વાર કરતાં પણ વધારે અને તારી વિરૂદ્ધ અપરાધ ચાલુ રાખે તો સિત્યોતેર વખત તારે તેને માફી આપવી જોઈએ.”
23. “આકાશના રાજ્યની તુલના એવા રાજા સાથે કરવામાં આવે છે જે પોતાના સેવકોની સાથે હિસાબ ચુક્તે કરે છે.
24. જ્યારે રાજાએ હિસાબ લેવાનો શરૂ કર્યો, ત્યારે તેની સમક્ષ એક એવી વ્યક્તિ આવી કે જેની પાસે ચાંદીના કેટલાક પાઉન્ડ લેવાના નીકળતા હતા.
25. દેવું ચુકવવા માટે તેની પાસે કશું જ સાધન ન હતું, એટલે રાજાએ હુકમ કર્યો કે તેને તથા તેની પત્નીને તથા તેના બાળકોને તથા તેની માલિકીનું જે કઈ હતું તે બધુ વેચી દેવું.
26. “પછી એ સેવકે એને પગે પડીને આજીજી કરી કે, ‘મારા માટે ધીરજ રાખો, હું આપનું બધુજ દેવું ચૂકવી દઈશ.’
27. રાજા એના નોકર માટે દિલગીર થયો અને તેનું દેવું માફ કરી દીધું અને તેને છોડી મૂક્યો.
28. “પછી, તે સેવક છૂટો થયો પાછળથી તેને તેના સાથી સેવકોમાંના એકને દીઠો. તેની પાસે, તેનું નજીવું લેણું હતું તેણે જઈને તેનું ગળુ પકડ્યું અને કહ્યું, ‘તારી પાસે મારું જે કંઈ લેણું છે તે ચૂકવી દે!’
29. “પેલો માણસ તેને પગે પડ્યો અને પોતાને થોડો સમય આપવા કરગરવા લાગ્યો અને કહ્યું, ‘મારા માટે ધીરજ રાખો મારી પાસે નીકળતું તારું બધુજ લેણું હું તને ચૂકવી દઈશ.’
30. “પણ પહેલો નોકર સંમત ન થયો, તેણે તેના સાથી સેવકની ધરપકડ કરવા માટે ગોઠવણ કરી. અને પૂરેપુરું દેવું ચૂકવી આપે નહિ ત્યાં સુધી તેને જેલમાં પૂરાવ્યો.
31. બીજા નોકરોએ જે કાંઈ બન્યું તે જોયું અને ખૂબ દિલગીર થયા પછી તેઓ તેમના ધણી પાસે ગયા અને સઘળી હકીકત જણાવી.
32. “પછી ધણીએ જેનું દેવું માફ કર્યુ હતું તે નોકરને બોલાવ્યો અને કહ્યું, ‘અરે દુષ્ટ નોકર, તારી આજીજી સાંભળી મેં તારું જે બધું દેવું હતું તે માફ કર્યુ.
33. જેમ મેં તારા પ્રત્યે જે દયા બતાવી એવી દયા તારા સાથી નોકર પ્રત્યે તારે દર્શાવવી જોઈતી હતી.’
34. તેનો ધણી ખૂબજ ગુસ્સે થયો અને જ્યાં સુધી તે પૂરેપૂરૂ દેવું ભરપાઈ ન કરે ત્યાં સુધી તેને સખત કેદની સજા ફરમાવી.
35. એ જ પ્રમાણે તમે તમારા ભાઈઓ અને બહેનોને તમારા હૃદયથી માફ કરી દો. નહિ તો જે રીતે રાજા ર્વત્યો તે રીતે મારા આકાશમાંનો બાપ તમને માફ નહિં કરે.”