1. અલીશામાનો પુત્ર નથાન્યાનો પુત્ર ઇશ્માએલ રાજવી કુટુંબનો સભ્ય અને રાજાના મુખ્ય અધિકારીઓમાંનો એક હતો. તે દશ માણસો સાથે મિસ્પાહ ખાતે અહીકામના પુત્ર ગદાલ્યાને મળવા આવ્યો. ગદાલ્યાએ તેઓને ભોજન માટે આમંત્રણ આપ્યું.
2. જ્યારે તેઓ ભોજન લઇ રહ્યા હતાં ત્યારે ઇશ્માએલ તથા તેની સાથેના દશ માણસો એકદમ ઊઠયા અને પોતાની તરવાર ખેંચીને ગદાલ્યાને મારી નાખ્યો.
3. ઇશ્માએલે ત્યાં મિસ્પાહમાં ગદાલ્યા સાથે હાજર રહેલા યહૂદિયાના બધાં માણસોને અને ખાલ્દીઓના યોદ્ધાઓને પણ મારી નાખ્યા.
4. બીજા દિવસે, આ વાતની કોઇને ખબર પડે તે પહેલાં,
5. શખેમ, શીલોહ તથા સમરૂનમાંથી એંસી માણસો યહોવાની ભકિત કરવા માટે મંદિરમાં આવ્યા. તેઓએ પોતાની દાઢી મૂંડાવેલી હતી તથા પોતાનાં કપડા ફાડ્યાં હતાં, અને પોતાના શરીરો પર ઘા કર્યા હતા. તેઓ અર્પણો તથા ધૂપ લઇને આવ્યા હતા.
6. નથાન્યાનો પુત્ર ઇશ્માએલ રડતો રડતો તેમને મળવા મિસ્પાહથી નીકળ્યો, જ્યારે તેઓને મળ્યો ત્યારે કહ્યું, “અરે, આવો, અહીકામના પુત્ર ગદાલ્યાને મળવા ચાલો, અને શું થયું છે તે જુઓ!”
7. તેઓ બધા શહેરની મધ્યમાં પહોંચ્યા પછી ઇશ્માએલ તથા તેના માણસોએ દશ માણસો સિવાય સર્વને મારી નાખ્યા અને તેઓના મૃતદેહોને ટાંકામાં ફેંકી દીધા.
8. પરંતુ તેઓમાંના દશ માણસોએ ઇશ્માએલને કહ્યું, “અમને મારી ન નાખશો. અમારી પાસે ઘઉં, જવ, તેલ અને મધ ખેતરોમાં સંતાડેલા છે.” આથી તેણે તેમને જીવતા રહેવા દીધા અને તેમના સાથીઓ ભેગા મારી ન નાખ્યા.
9. ઇશ્માએલે મૃતદેહોને જે ટાંકામાં નાખી દીધા તે ઘણું મોટું હતું. આસા રાજાએ ઇસ્રાએલના રાજા બાઅશાથી રક્ષણ મેળવવા મિસ્પાહના નગરને કિલ્લેબંધ કર્યું ત્યારે તે બંધાવ્યું હતું.
10. ત્યારબાદ ઇશ્માએલ રાજકુમારીઓને તથા બાકી રહેલા લોકોને બંધકો તરીકે લઇ ગયો. જેઓને રક્ષક ટૂકડીના સરદાર નબૂઝારઅદાને અહીકામના પુત્ર ગદાલ્યાના તાબામાં સોપ્યાં હતાં. એ સર્વને લઇને તે આમ્મોન તરફ આગળ વધ્યો.
11. પરંતુ નથાન્યાનો પુત્ર ઇશ્માએલે જે સર્વ ભૂંડા કાર્યો કર્યા હતાં, તે વિષે કારેઆહના પુત્ર યોહાનાન અને સૈન્યના સર્વ અધિકારીઓ, જે તેની સાથે હતા તેઓએ સાંભળ્યું.
12. તેઓ પોતાના સર્વ માણસોને લઇને ઇશ્માએલની પાછળ તેની સાથે યુદ્ધ કરવા માટે ગયા. તેઓએ ગિબયોન પાસેના મોટા જળસમૂહ પાસે તેને પકડી પાડ્યો.
13. ઇશ્માએલે જેમને મિસ્પાહ ખાતે કેદ પકડ્યા હતા તે બધા માણસો યોહાનાન અને તેની સાથેના સૈનાનાયકોને જોઇને પ્રસન્ન થયા.
14. ઇશ્માએલ જે બધા લોકોને મિસ્પાહ પાસે બંધક બનાવીને લઇ ગયો હતો તેઓ પાછા ફરીને યોહાનાનની સાથે ગયા.
15. પરંતુ ઇસ્માએલ આઠ માણસો સાથે છટકી ગયો અને આમ્મોનના પ્રદેશમાં ભાગી ગયો.
16. ગદાલ્યાને મારી નાખ્યાં પછી ઇશ્માએલ જે પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને અધિકારીઓને, ગિબયોનથી લઇ આવ્યો હતો તે સર્વ બાકી રહેલા લોકોને પછી યોહાનાન અને તેના સૈન્યના અધિકારીઓ પોતાની સાથે લઇ ગયા.
17. તેઓ ત્યાંથી બાબિલવાસીઓથી બચવા મિસર જવા નીકળ્યાં અને માર્ગમાં તેમણે બેથલેહેમ પાસે કિમ્હામ આગળ મુકામ કર્યો.
18. તેઓને ડર લાગતો હતો કે હવે તે સમાચાર બાબિલ પહોંચશે ત્યારે તેઓ શું કરશે. કારણ કે બાબિલના રાજાએ ગદાલ્યાને પસંદ કરીને નીમ્યો હતો અને ઇશ્માએલે ગદાલ્યાને મારી નાખ્યો.