1. એલિશાએ જવાબ આપ્યો, “આ યહોવાનાં વચન છે: આવતી કાલે આ સમયે સમરૂનના બજારમાં એક શેકેલની સાટે એક માપ લોટ અને એક શેકેલ સામે બે માપ જવ વેચાશે.
2. ત્યારે રાજાના અંગત મદદનીશે દેવના માણસ એલિશાને જવાબ આપ્યો, “જો યહોવા આકાશમાં બારીઓ કરે તો પણ એ વાત બની શકે શું?”અને તેણે કહ્યું કે, “જો તું તે નજરે જોશે, પણ તેમાંથી ખાવા પામશે નહિ.”
3. હવે નગરના દરવાજા આગળ ચાર લોકો જેઓને ચામડીનો રોગ થયો હતો; તેઓ એકબીજાને પૂછતાં હતા, “આપણે શા માટે બેઠાં છીએ?
4. જો આપણે શહેરમાં જવાનો વિચાર કરીએ તો ત્યાં ભૂખમરો છે, અને આપણે મરી જઈશું. જો આપણે અહીં રહીએ છીએ તો ય આપણું મોત નિશ્ચિત છે, તો ચાલો, આપણે અરામીઓની છાવણીમાં ચાલ્યા જઈએ; તેઓ જો આપણને જીવતદાન આપશે, તો આપણે જીવી જઈશું, અને મારી નાખશે તોયે શું, મરી જઈશું!”
5. આથી સંધ્યા સમયે તેઓ અરામીઓની છાવણીએ જવા નીકળી પડયા; પણ જયારે તેઓ છાવણીની હદમાં પહોચ્યાં ત્યારે ત્યાં કોઈ નહોતું.
6. કારણ, યહોવાએ એવું કર્યું કે અરામીઓને રથો, ઘોડાઓ અને મોટા સૈન્યના અવાજ જેવો અવાજ સંભળાયો, અને તેથી છાવણીમાં વાત ફેલાઈ ગઈ કે, “ઇસ્રાએલના રાજાએ હિત્તીઓના અને મિસરના રાજાઓને આપણા પર હુમલો કરવા મોકલ્યા છે.”
7. તેથી સંધ્યાકાળે જ તેઓ તેમના ઘોડાઓ, તંબુઓ અને બીજી બધી વસ્તુઓ છોડીને ભાગી ગયા, અને તેઓએ તેમનો પડાવ છોડી દીધો અને તેમનો જીવ બચાવવા માટે ભાગી ગયા.
8. રકતપિત્તના રોગીઓ છાવણીમાં પહોંચીને એક તંબુમાથી બીજા તંબુમાં ગયા, ત્યાં તેઓએ ખાધું-પીધું, વળી તેઓને સોનું ચાંદી અને વસ્ત્રો જે મળ્યું તે લઇ લીધું અને તેને સંતાડી દીધું.
9. પછી તેઓએ એકબીજાને કહ્યું, “આપણે જે કરી રહ્યાં છીએ તે બરાબર નથી. આ તો ઉજવણીનો દિવસ છે અને આપણે નગરના લોકોને જણાવતા નથી! જો આપણે સવાર સુધી રાહ જોઇશું, તો એ તો ગુનો હશે તેથી ચાલો, આપણે રાજાના મહેલ પાસે પાછા જઇએ અને રાજાને કહીએ કે શું થયું હતું.”
10. આથી તેઓ ગયા, અને નગરના દરવાજાના ચોકીદારોને બૂમ પાડીને કહ્યું, “અમે અરામીઓની છાવણીએ ગયા હતા, ત્યાં કોઈ માણસો ન હતાં કે ન હતો કશો અવાજ, ફકત ઘોડા અને ગધેડાં બાંધેલાં હતાં, અને તંબૂઓ જેમના તેમ ઊભા હતા.”
11. પછી દરવાજાના ચોકીદારોએ બૂમ પાડીને રાજાના મહેલમાં ખબર પહોંચાડી.
12. હજી તો અંધારું હતું ત્યાં જ ઊઠીને રાજાએ પોતાના અમલદારોને કહ્યું, “અરામીઓએ શું કર્યુ છે તે હું તમને કહું છું, તે લોકો જાણે છે કે આપણે ભૂખે મરીએ છીએ, આથી તેઓ છાવણી છોડીને વગડામાં સંતાઈ ગયા છે. તેમણે એમ ધાર્યુ છે કે, ‘એ લોકો શહેરમાંથી બહાર આવશે એટલે આપણે તેમને જીવતા પકડી લઈશું અને શહેરમાં દાખલ થઈ જઈશું.”‘
13. રાજાના અમલદારોમાંના એકે કહ્યું, “તમે કોઇને સત્ય જાણવા ત્યાં મોકલશો તો સારું થશે. ભલે થોડા માણસો નગરમાં બાકી બચેલા ઘોડામાંથી પાંચ ઘોડાને લઇને જાય,આ ઘોડાઓ જો મરી જશે તો તેમનું નશીબ ઇસ્રાએલના નશીબથી જુદું નહિ હોય આખરે તો આપણે બધાં પણ મરી જવાના છીએ.”
14. આથી તેમણે બબ્બે ઘોડા જોડેલા બે રથ તૈયાર કરાવ્યા અને અરામીઓ ક્યાં સંતાઇ ગયા છે તેની તપાસ કરવા માટે બે રથચાલકોને મોકલવામાં આવ્યા.”
15. તેઓ યર્દન સુધી પાછળ પાછળ ગયા, તો આખો રસ્તો અરામીઓએ ગભરાટમાં ને ગભરાટમાં ફેંકી દીધેલાં વસ્ત્રો અને સરસામાનથી છવાઈ ગયેલો હતો. સંદેશવાહકોએ પાછા આવીને રાજાને ખબર આપી.
16. પછી લોકોએ બહાર જઈને અરામીઓની છાવણી લૂંટી લીધી, અને યહોવાએ કહ્યું હતું તેમ એ દિવસે સમરૂનના બજારમાં એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાયાં
17. રાજાએ પોતાના અંગત મદદનીશને શહેરના દરવાજાની ચોકી કરવા રોકયો હતો; પણ લોકોએ તેને ત્યાં જ પગ તળે છૂંદીને મારી નાખ્યો. આમ રાજા જયારે દેવના માણસ એલિશાને મળવા આવ્યો હતો ત્યારે એલિશાએ જે વાતની ભવિષ્યવાણી કરી હતી તે સાચી પડી.
18. એલિશાએ રાજાને કહ્યું હતું કે, “આવતી કાલે, આ વખતે સમરૂનના દરવાજા પાસે એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાશે.” આમ પણ પ્રબોધકે રાજાને કહ્યું હતું.
19. ત્યારે એ અમલદારે કહ્યું હતું કે, “યહોવા આકાશમાં બારીઓ પાડે તો પણ આ સાચું પડે એમ છે ખરું?” અને એલિશાએ જવાબ આપ્યો હતો કે, “તું તારી સગી આંખે એ જોવા પામશે. જો કે એમાનું કશું તું ખાવા નહિ પામે.”
20. અને એમ જ બન્યું; લોકોએ તેને દરવાજા આગળ જ પગ નીચે કચડી નાખ્યો અને તે મરી ગયો.