1. ગાયન:દાઉદનું ગીત. હે ઈશ્વર, મારું હ્રદય દઢ છે; હું મારા ખરા અંત:કરણથી ગાયન કરીને તમારી સ્તુતિ કરીશ.
2. વીણા તથા સિતાર, જાગો; પરોઢિયાને હું જાતે જગાડીશ.
3. હે યહોવા, હું લોકોમાં તમારો આભાર માનીશ; પ્રજાઓમાં હું તમારાં સ્તોત્ર ગાઈશ.
4. તમારી કૃપા આકાશ કરતાં મોટી છે, અને તમારી સત્યતા વાદળાં સુધી [પહોંચે છે].
5. હે ઈશ્વર, તમે આકાશ કરતાં ઊંચા મનાઓ; અને તમારું ગૌરવ પૃથ્વી કરતાં પ્રૌઢ મનાઓ;
6. તમારા પ્રિય જનોનો છૂટકો થાય, માટે તમારા જમણા હાથથી તેમનું તારણ કરીને અમને ઉત્તર અપો.
7. ઈશ્વર પોતાની પવિત્રતાએ બોલ્યા છે, “હું હરખાઈશ; હું શખેમને વહેંચીશ, અને સુક્કોથનું નીચાણ વહેંચી આપીશ.
8. ગિલ્યાદ મારું છે; મનાશ્શા પણ મારું છે; એફ્રાઈમ મારા માથાનો ટોપ છે; યહૂદિયા મારો રાજદંડ છે.
9. મોઆબ મારો કળશિયો છે; અદોમ ઉપર હું મારો જોડો ફેંકીશ; પલિસ્તી દેશ પર હું જયજયકાર કરીશ.”
10. કોટબંધ નગરમાં મને કોણ લઈ જશે? અદોમમાં મને કોણ દોરી જશે?
11. હે ઈશ્વર, તમે શું અમને તજી દીધા નથી? હે ઈશ્વર, તમે અમારાં સૈન્યોની સાથે નીકળતા નથી.
12. શત્રુઓની સામે અમને સહાય કરો, કેમ કે માનવીની સહાય મિથ્યા છે.
13. ઈશ્વરની સહાયથી અમે પરાક્રમ કરીશું. કેમ કે તે જ અમારા શત્રુઓને છૂંદી નાખશે.