1. મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ આસાફનું ગીત; ગાયન હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ; આભાર માનીએ છીએ, કેમ કે તમારું નામ સંનિધ છે; લોકો તમારાં આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.
2. પ્રસંગ આવશે ત્યારે હું [તમારો] યથાર્થ ન્યાય કરીશ.
3. પૃથ્વી તથા તેની બધી વસતિ ક્ષય પામે ત્યારે હું તેના સ્તંભો સ્થાપન કરીશ. (સેલાહ)
4. મેં વડાઈ કરનારાઓને કહ્યું, “વડાઈ કરશો નહિ;” અને દુષ્ટોને કહ્યું, “શિંગ ઉઠાવશો નહિ;”
5. તમારું શિંગ ઊંચું ન કરો; અક્કડ ગરદનથી ન બોલો.
6. કેમ કે ઉદયથી કે અસ્તથી કે દક્ષિણથી પણ ઉન્નતિ આવતી નથી.
7. પણ ઈશ્વર છે, તે જ ન્યાયાધીશ છે; તે એકને નીચે પાડી નાખે છે, અને બીજાને ઊંચો કરે છે.
8. કેમ કે યહોવાના હાથમાં પ્યાલો છે, તેમાંનો દ્રાક્ષારસ રાતો છે; તે [તેજાનાની] મેળવણીથી ભરેલો છે, તેમાંથી તે પીરસે છે; પૃથ્વીના દુષ્ટો ખરેખર તળિયે પડી રહેલો કૂચો ચૂસી જશે.
9. પણ હું તો હંમેશાં આનંદ કરીશ, હું યાકૂબના ઈશ્વરનાં સ્તોત્રો ગાઈશ.
10. હું દુષ્ટોનાં સર્વ શિંગ કાપી નાખીશ; પણ ન્યાયીઓનાં શિંગો ઊંચાં કરવામાં આવશે.