1. {#1ખ્રિસ્તી માણસ અને તેની જીભ } [PS]મારા ભાઈઓ, તમારામાંના ઘણાં ઉપદેશક ન થાઓ, કેમ કે તમે જાણો છો કે ઉપદેશકોને તો વિશેષ સજા થશે.
2. કેમ કે આપણે ઘણી રીતે ઠોકરો ખાઈએ છીએ; જો કોઈ બોલવામાં ઠોકર નથી ખાતો, તો તે સંપૂર્ણ માણસ છે અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે. [PE]
3. [PS]જુઓ, ઘોડા કાબુમાં રહે માટે આપણે તેઓના મુખમાં લગામ નાખીને તેના આખા શરીરને નિયંત્રણમાં રાખીએ છીએ.
4. વહાણો પણ કેટલા બધાં મોટાં હોય છે, તેઓ ભયંકર પવનથી ધકેલાય છે, તોપણ બહુ નાના સુકાનથી સુકાનીની મરજી હોય તે તરફ તેઓને ચલાવવામાં આવે છે. [PE]
5. [PS]તેમ જીભ પણ એક નાનું અંગ છે છતાં તે મોટી મોટી બડાઈ કરે છે. જુઓ, અગ્નિનો તણખો કેટલા વિશાળ જંગલને સળગાવે છે!
6. જીભ તો અગ્નિ છે; જગતના અન્યાયથી ભરેલી છે; આપણા અંગોમાં જીભ એવી છે કે, તે આખા શરીરને અશુદ્ધ કરે છે, તે સંપૂર્ણ જીવનને સળગાવે છે અને પોતે નર્કથી સળગાવવામાં આવેલી છે. [PE]
7. [PS]કેમ કે દરેક જાતનાં જાનવરો, પક્ષીઓ, પેટે ચાલનારાંઓ તથા સમુદ્રમાં રહેનારાં પ્રાણીઓ પાળી શકાય છે અને માણસોએ તેમને વશ કર્યાં છે;
8. પણ જીભને કોઈ માણસ કાબુમાં રાખી શકતો નથી. તે [બધે] ફેલાતી મરકી છે અને પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે. [PE]
9. [PS]તેનાથી આપણે પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ અને ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે ઉત્પન્ન થયેલાં મનુષ્યોને શાપ પણ આપીએ છીએ.
10. એક જ મોંમાંથી સ્તુતિ તથા શાપ નીકળે છે. મારા ભાઈઓ, આમ તો ન જ થવું જોઈએ. [PE]
11. [PS]શું ઝરો એક જ મુખમાંથી મીઠું તથા કડવું પાણી આપે છે?
12. મારા ભાઈઓ, શું અંજીરી જૈતૂન વૃક્ષનું ફળ અથવા દ્રાક્ષાવેલો અંજીર આપી શકે? તેમ જ ખારું ઝરણું મીઠું પાણી આપી શકતું નથી. [PE]
13. {#1ઈશ્વર તરફથી મળતું જ્ઞાન } [PS]તમારામાં જ્ઞાની તથા સમજુ કોણ છે? તો તે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચરણથી પોતાની કરણીઓ કરી બતાવે,
14. પણ જો તમારા મનમાં કડવાશ, અદેખાઇ તથા સ્વાર્થ છે, તો તમે સત્યની વિરુદ્ધ થઈને ગર્વ ન કરો અને જૂઠું ન બોલો. [PE]
15. [PS]એ જ્ઞાન ઉપરથી ઊતરે એવું નથી, પણ દુન્યવી, બિન-આત્મિક તથા શેતાની છે.
16. કેમ કે જ્યાં અદેખાઇ તથા સ્વાર્થ છે, ત્યાં તકરાર તથા દરેક પ્રકારના ખરાબ કામ છે.
17. પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો શુદ્ધ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સેહેજ સમજે તેવું, દયાથી તથા સારાં ફળથી ભરપૂર, પક્ષપાત વગરનું તથા ઢોંગ વગરનું છે.
18. વળી જે સલાહ કરાવનારાંઓ શાંતિમાં વાવે છે, તેઓ ન્યાયીપણું લણે છે. [PE]