1. [PS]યાકૂબ તેનો પિતા જે દેશમાં રહેતો હતો તેમાં, એટલે કનાન દેશમાં રહ્યો.
2. યાકૂબના વંશ સંબંધિત આ વૃતાંત છે. યૂસફ સત્તર વર્ષનો જુવાન થયો, ત્યારે તે તેના ભાઈઓની સાથે ઘેટાંબકરાં સાચવતો હતો. તે તેના પિતાની પત્નીઓ બિલ્હા તથા ઝિલ્પાના દીકરાઓની સાથે હતો. યૂસફ તેઓના દુરાચારની જાણ તેના પિતાને કરતો રહેતો હતો. [PE]
3. [PS]હવે ઇઝરાયલ તેના સર્વ દીકરાઓ કરતાં યૂસફ પર વિશેષ પ્રેમ રાખતો હતો, કેમ કે તે તેના વૃદ્ધાવસ્થાનો દીકરો હતો. તેણે તેને સારુ ઝભ્ભો સીવડાવ્યો.
4. તેના ભાઈઓએ જાણ્યું કે તેઓનો પિતા તેના તમામ દીકરાઓમાંથી યૂસફ પર વિશેષ પ્રેમ કરે છે. તેથી તેઓ તેને નફરત કરતા હતા અને તેની સાથે શુદ્ધ હૃદયથી વાત કરતા નહોતા. [PE]
5. [PS]યૂસફને સ્વપ્ન આવ્યું અને તેણે તેના ભાઈઓને તેના વિષે કહી સંભળાવ્યું. તેથી તેઓ તેને વધારે નફરત કરવા લાગ્યા.
6. તેણે તેઓને કહ્યું, “મેં જે સ્વપ્નમાં જોયું છે તે મહેરબાની કરી સાંભળો. [PE]
7. [PS]આપણે ખેતરમાં અનાજની પૂળીઓ બાંધતા હતા. ત્યારે મારી પૂળી ઊભી થઈ. તેની સામે તમારી પૂળીઓ ચારેતરફ ઊભી રહી. તેઓ મારી પૂળીની આગળ નમી.”
8. તેના ભાઈઓએ તેને કહ્યું, “શું તું ખરેખર અમારા પર રાજ કરશે? શું તું ખરેખર અમારા પર અધિકાર ચલાવશે?” તેઓ તેના સ્વપ્નને લીધે તથા તેની વાતને લીધે તેના પર વધારે નફરત કરવા લાગ્યા. [PE]
9. [PS]તેને ફરી બીજું સ્વપ્ન આવ્યું. તે વિષે તેણે તેના ભાઈઓને કહ્યું, “જુઓ, મને બીજું એક સ્વપ્ન આવ્યું: સૂર્ય, ચંદ્ર તથા અગિયાર તારાઓ મારી આગળ નમ્યાં.”
10. જેવું તેણે તેના ભાઈઓને કહ્યું તેવું તેણે તેના પિતાને પણ કહ્યું અને તેના પિતાએ તેને ધમકાવ્યો. તેણે તેને કહ્યું, “જે સ્વપ્ન તને આવ્યું તે શું છે? તારી આગળ જમીન સુધી નમવાને હું, તારી માતા તથા તારા ભાઈઓ શું ખરેખર આવીશું?”
11. તેના ભાઈઓને તેના પર અદેખાઈ આવી, પણ તેના પિતાએ તે વાત મનમાં રાખી. [PE]
12. [PS]તેના ભાઈઓ તેઓના પિતાના ટોળાં ચરાવવાને શખેમમાં ગયા.
13. ઇઝરાયલે યૂસફને કહ્યું, “શું તારા ભાઈઓ શખેમમાં ઘેટાંબકરાં ચરાવતા નથી? હું તને તેઓની પાસે મોકલું છું.” યૂસફે તેને કહ્યું, “હું તૈયાર છું.”
14. તેણે તેને કહ્યું, “હવે જા, તારા ભાઈઓ તથા ટોળાં સારાં છે કે નહિ તે જો અને મારી પાસે ખબર લઈ આવ.” પછી યાકૂબે તેને હેબ્રોનની ખીણમાંથી રવાના કર્યો અને યૂસફ શખેમમાં ગયો. [PE]
15. [PS]જુઓ, યૂસફ ખેતરમાં ભટકતો હતો એટલામાં એક માણસ તેને મળ્યો. તે માણસે તેને પૂછ્યું, “તું કોને શોધે છે?”
16. યૂસફે કહ્યું, “હું મારા ભાઈઓને શોધું છું. કૃપા કરી, મને કહે કે, તેઓ અમારા પશુઓનાં ટોળાંને ક્યાં ચરાવે છે?”
17. તે માણસે કહ્યું, “તેઓ દોથાન તરફ ગયા છે, કેમ કે મેં તેઓને એવું કહેતાં સાંભળ્યાં હતા કે, “ચાલો આપણે દોથાન જઈએ.” યૂસફે પોતાના ભાઈઓની પાછળ જઈને દોથાનમાં તેઓને શોધી કાઢ્યાં. [PE]
18. [PS]તેઓએ તેને દૂરથી જોયો અને તેઓની પાસે તે આવી પહોંચે તે અગાઉ તેને મારી નાખવાને પેંતરો રચ્યો.
19. તેના ભાઈઓએ એકબીજાને કહ્યું, “જુઓ, આ સ્વપ્નપતિ આવી રહ્યો છે.
20. હવે ચાલો, આપણે તેને મારી નાખીને કોઈએક ખાડામાં નાખી દઈએ. પછી આપણે જાહેર કરીશું કે, 'કોઈ જંગલી પશુ તેને ખાઈ ગયું છે.' પછી તેના સ્વપ્નનું શું થાય છે તે આપણે જોઈશું.” [PE]
21. [PS]રુબેને તે સાંભળ્યું અને ભાઈઓના હાથમાંથી તેણે તેને છોડાવ્યો. તેણે કહ્યું, “આપણે તેનો જીવ લેવો નથી.”
22. તેઓના હાથમાંથી તેને છોડાવીને તેના પિતાને સોંપવા માટે રુબેને તેઓને કહ્યું, “તેનું લોહી ન વહેવડાવીએ. પણ આ અરણ્યમાં જે ખાડો છે તેમાં તેને નાખી દઈએ; પણ તેને કશી ઈજા કરીએ નહિ.” [PE]
23. [PS]યૂસફ જયારે તેના ભાઈઓની પાસે પહોંચ્યો, ત્યારે તેઓએ તેના અંગ પરનો ઝભ્ભો ઝૂંટવી લીધો.
24. તેઓએ તેને પકડીને ખાડામાં નાખી દીધો. પણ તે ખાડો ખાલી હતો અને તેમાં પાણી ન હતું. [PE]
25. [PS]પછી તેઓ ભોજન કરવા માટે નીચે બેઠા. તેઓએ તેમની આંખો ઊંચી કરીને જોયું, તો, ઇશ્માએલીઓનો સંઘ ગિલ્યાદથી આવતો હતો. પોતાની સાથે સુગંધીઓ, લોબાન તથા બોળથી લાદેલાં ઊંટોને લઈને તેઓ મિસર દેશમાં જતા હતા.
26. યહૂદાએ તેના ભાઈઓને કહ્યું, “જો આપણે આપણા ભાઈને મારી નાખીને તેનું લોહી સંતાડી દઈએ તો તેથી આપણને શું મળે? [PE]
27. [PS]ચાલો, આપણે તેને ઇશ્માએલીઓને વેચી દઈએ અને આપણે તેને કશું નુકસાન કરીએ નહિ. કેમ કે તે આપણો ભાઈ તથા આપણા કુટુંબનો છે.” તેના ભાઈઓએ તેનું કહેવું સ્વીકાર્યું.
28. મિદ્યાની વેપારીઓ તેઓની પાસેથી પસાર થઈને જતા હતા ત્યારે યૂસફના ભાઈઓએ તેને ખાડામાંથી બહાર લાવીને વીસ ચાંદીના સિક્કામાં યૂસફને ઇશ્માએલીઓને વેચી દીધો. ઇશ્માએલીઓ મિસરમાં લઈ ગયા. [PE]
29. [PS]રુબેન પાછો ખાડાની પાસે આવ્યો અને જુઓ, યૂસફ તો ખાડામાં નહોતો. તેણે તેનાં વસ્ત્રો ફાડીને શોક પ્રદર્શિત કર્યો.
30. તેણે તેના ભાઈઓની પાસે પાછા આવીને કહ્યું, “યુસફ ક્યાં છે? અને હું ક્યાં જાઉં?” [PE]
31. [PS]પછી તેઓએ એક બકરું કાપ્યું અને યૂસફના ઝભ્ભાને લઈને તેના લોહીમાં પલાળ્યો.
32. પછી તેઓ તે ઝભ્ભાને તેના પિતાની પાસે લાવ્યા અને તે બતાવીને કહ્યું, “આ ઝભ્ભો અમને મળ્યો છે. કૃપા કરી ઓળખ, તે તારા દીકરાનો ઝભ્ભો છે કે નહિ?”
33. યાકૂબે તે ઓળખીને કહ્યું, “તે મારા દીકરાનો ઝભ્ભો છે. કોઈ જંગલી પશુએ તેને ફાડી ખાધો છે. ચોક્કસ યૂસફને ફાડી ખાવામાં આવ્યો છે.” [PE]
34. [PS]યાકૂબે તેનાં વસ્ત્રો ફાડયાં અને તેની કમરે ટાટ બાંધ્યું. તેણે તેના દીકરાને માટે ઘણાં દિવસો સુધી શોક કર્યો.
35. તેના સર્વ દીકરાઓ તથા તેની સર્વ દીકરીઓ તેને દિલાસો આપવા માટે આવીને ઊભા રહ્યાં. પણ તેણે દિલાસો પામવાની ના પાડી. તેણે કહ્યું, “હું નિશ્ચે શોક કરતો શેઓલમાં મારા દીકરાની પાસે જઈશ.” તેનો પિતા તેને સારુ રડ્યો.
36. પેલા મિદ્યાનીઓએ યૂસફને મિસરમાં ફારુનના રક્ષકોના સરદાર પોટીફારને વેચી દીધો. [PE]