1. “તમારે જૂઠી અફવા માનવી નહિ, કે ફેલાવવી નહિ. દુર્જનને સાથ આપીને ખોટી સાક્ષી પૂરવી નહિ.
2. બહુમતીથી દોરવાઈને તમારે ખોટું કામ કરવું નહિ, તેમ જ ન્યાયલયમાં સાક્ષી આપતી વખતે ન્યાયના ભોગે બહુમતીનો પક્ષ લેવો નહિ.
3. માણસ ગરીબ હોય તો તેની ગરીબીના કારણે ન્યાયાલયમાં તેના પ્રત્યે પક્ષપાત ન રાખવો. જો તે સાચો હોય તો એનો જ પક્ષ લેવો.” [PE][PS]
4. તમારા શત્રુનો બળદ કે ગધેડો નાસી જતો નજરે પડે તો તમારે તેના માલિકને ત્યાં પાછો પહોંચાડવો.
5. જો તમે તમારા દુશ્મનના ગધેડાને ભારથી ચગદાઈને પડેલો જુઓ, તો તેને એ જ હાલતમાં છોડીને ચાલ્યા જશો નહિ, તમારે સહાય આપીને તેને બેઠો કરવો પછી જ તેને છૂટો કરવો. [PE][PS]
6. તમારે ગરીબ માણસને તેની ન્યાયપ્રક્રિયામાં અન્યાય ન કરવો.
7. જૂઠા આક્ષેપો કરવા નહિ, નિર્દોષ અને ન્યાયીને મૃત્યુની સજા કરવી નહિ. નિર્દોષ માણસને મારી નાખનાર ખરાબ માણસને હું નિર્દોષ નહિ માનું.
8. તમારે કદીય લાંચ લેવી નહિ. કારણ કે લાંચ દેખતાને અંધ બનાવે છે. તેથી તેઓ સત્ય જોઈ શકતા નથી. તે સારા માણસને ખોટું બોલતા કરે છે.
9. તમારે વિદેશી લોકો પર ત્રાસ ગુજારવો નહિ, તમે લોકો મિસરમાં વિદેશી હતા, એટલે તમે વિદેશીઓની લાગણીને સમજો છો. [PE][PS]
10. છ વર્ષ પર્યંત તમારે ખેતરમાં વાવેતર કરવું અને તેની ઊપજ એકત્રિત કરવી.
11. પણ સાતમે વર્ષે તમારે કશુંય વાવવું નહિ અને જમીન પડતર રહેવા દેવી. જમીનને એક વર્ષ આરામ કરવા દેવો. વાવ્યા વગર જે કંઈ ઊગે તેને તે વર્ષે ગરીબોને લેવા દેવું અને તેમાં વધેલું વનના પશુઓને ખાઈ જવા દેવું. વળી તમારે તમારી દ્રાક્ષની અને જૈતૂનની વાડીમાં પણ આ પ્રમાણે કરવું. [PE][PS]
12. તમારે છ દિવસ કામ કરવું પણ સાતમે દિવસે વિશ્રામ કરવો, જેથી તમારા બળદને અને ગધેડાને પણ આરામ મળે. અને તમારા ઘરમાં કામ કરતા દાસ-દાસી અને પરદેશી પણ વિશ્રામ પામીને તાજગી અનુભવે.
13. મેં તમને જે બધું કહ્યું છે તેનું ધ્યાન રાખજો. અન્ય દેવોની પૂજા કરશો નહિ. તથા તમારા મુખથી તેઓનું નામ સાંભળવા મળવું જોઈએ નહિ. [PE][PS]
14. “પ્રતિવર્ષ તમારે મારાં ત્રણ પર્વો પાળવાં અને ઊજવવાં. અને મારી ઉપાસના કરવી.
15. આબીબ મહિનામાં બેખમીરી રોટલીનું પર્વ પાળવું. તે વખતે સાત દિવસ સુધી મારી આજ્ઞા મુજબ તમારે બેખમીરી રોટલી ખાવી. કારણ કે, એ માસમાં તમે મિસરમાંથી બહાર આવ્યા હતા અને કોઈએ ખાલી હાથે મારી પાસે આવવું નહિ.” [PE][PS]
16. બીજું કાપણીનું પર્વ છે. તે પાળવું. ઉનાળામાં તમે ખેતરમાં જે વાવેતર કર્યુ હોય તેની પ્રથમ ઊપજ પ્રાપ્ત થાય ત્યારે ખેતરમાંથી ઉપજ ભેગી કરો એ સમયે તે પર્વ પાળવું.
17. પ્રતિવર્ષ ત્રણ વખત તમારામાંના પ્રત્યેક પુરુષે મારી ખાસ જગ્યાએ, મારી સાથે તમારા માલિક સાથે હાજર રહેવું. [PE][PS]
18. તમારે મારા બલિદાનનું રક્ત ખમીરવાળી રોટલી સાથે ધરાવવું નહિ તેમ જ પર્વની ચરબી સવાર સુધી રાખી મૂકવી નહિ.
19. તમારી જમીનની પ્રથમ ઊપજનો ઉત્તમોત્તમ ભાગ તમારે તમારા યહોવાહના ભક્તિસ્થાનમાં લાવવો. વળી લવારાને તેની માતાના દૂધમાં રાંધવું નહિ. [PE][PS]
20. અને તમારા માટે મેં જે જગ્યા તૈયાર કરી છે ત્યાં તમને લઈ જવા માટે હવે હું તમારી આગળ એક દૂત મોકલું છું તે રસ્તામાં તમારું રક્ષણ કરશે.
21. તમે લોકો તેનાથી જાળવીને રહેજો અને તેનું કહ્યું કરજો. તેની વિરુદ્ધ બળવો કરશો નહિ, તે તમારો ગુનો માફ કરશે નહિ. કારણ કે મારું નામ તેનામાં છે.
22. પરંતુ જો તમે તેની આજ્ઞાઓનું પાલન કરશો અને હું જે કહું તે બધું કરશો, તો હું તમારી સાથે રહીશ અને તમારા શત્રુઓ સાથે લડીશ. અને તમને હેરાન અને ત્રાસ કરનારને હું સજા આપીશ. [PE][PS]
23. કારણ કે, મારો દૂત તમારી આગળ આગળ ચાલશે. અને તમને અમોરીઓ, હિત્તીઓ, પરીઝીઓ, કનાનીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના પ્રદેશમાં લઈ જશે. અને હું તેઓનો સર્વનાશ કરીશ.
24. તમારે તે લોકોના દેવોની પૂજા કરવી નહિ, તેમની આગળ નમવું નહિ. તમારે તે લોકોની જેમ રહેવાનું નથી; તમારે તેઓની મૂર્તિઓને નષ્ટ કરવાની છે. અને તે લોકોના સ્તંભોને ભાગીને ભુક્કા કરી નાખવાના છે.
25. વળી તમારે તમારા ઈશ્વર યહોવાહની જ સેવા કરવાની છે અને હું તમારાં અન્ન-જળ પર આશીર્વાદ વરસાવીશ. અને તમારા તમામ રોગો હું દૂર કરીશ. [PE][PS]
26. તમારા દેશમાં કોઈ પણ સ્ત્રીને ગર્ભપાત થશે નહિ તથા કોઈ સ્ત્રી નિ:સંતાન પણ હશે નહિ; હું તમને લોકોને પૂરેપૂરું આયુષ્ય આપીશ.
27. તમે જ્યારે દુશ્મનો સાથે લડતા હશો, ત્યારે હું મારું સામર્થ્ય તમારી સામે મોકલીશ અને તે બધાને હું થથરાવી દઈશ. તથા તમારા બધા જ દુશ્મનો તમારાથી ગભરાઈને જતા રહે એવું હું કરીશ.
28. તદુપરાંત હું તમારી આગળ ભમરીઓને મોકલીશ, તે હિવ્વી, કનાની તથા હિત્તિ લોકોને તમારી આગળથી નસાડી મૂકશે.
29. હું એક જ વર્ષમાં એ બધાને કાઢી મૂકીશ નહિ, રખેને બધી જમીન વેરાન થઈ જાય અને જગંલમાં વનચર જાનવરોની સંખ્યા વધી જતાં તમે બધા મુશ્કેલીમાં મુકાઈ જાઓ. [PE][PS]
30. તમારી સંખ્યાનો એટલો બધો વધારો થાય અને તમે સમગ્ર દેશનો કબજો લઈ શકો ત્યાં સુધીમાં તો હું તેમને ધીરે ધીરે નસાડી મૂકીશ.
31. હું રાતા સમુદ્રથી પલિસ્તીઓના સમુદ્ર સુધી તમારી સરહદ નક્કી કરી આપીશ. એ દેશના વતનીઓને હું તમારા હાથમાં સોંપી દઈશ અને તમે તેઓને તમારી આગળથી નસાડી મૂકશો.
32. તમે તેઓની સાથે કે તેઓના દેવો સાથે કોઈ સંબંધ બાંધશો નહિ, કે કરારો કરશો નહિ.
33. તેઓ તમારા દેશમાં વસે નહિ, રખેને તેઓ તમારી પાસે મારી વિરુદ્ધ પાપ કરાવે. કેમ કે જો તમે તેઓના દેવોની સેવા કરશો તો તેઓ તમારે માટે ફાંદારૂપ થઈ પડશે. [PE]