1. યહોવાહે મૂસા અને ઇઝરાયલી લોકોને જે અનેક પ્રકારે સહાય કરી હતી, તે બાબતમાં તથા જે રીતે તે ઇઝરાયલના લોકોને માટે જે કંઈ કર્યું હતું તે વિષે તથા યહોવાહે ઇઝરાયલીઓને કેવીરીતે મિસરમાંથી મુક્ત કર્યા હતા તે વિષે મૂસાના સસરાએ એટલે મિદ્યાનના યાજક યિથ્રોએ સાંભળ્યું.
2. મૂસાએ પોતાની પત્ની સિપ્પોરાહને તેના બે પુત્રો સહિત મોકલી દીધી હતી ત્યારે તેના સસરા યિથ્રોએ તેઓને પોતાને ઘરે રાખ્યાં હતાં.
3. મૂસાના બે પુત્રોમાંના પ્રથમ પુત્રનું નામ 'ગેર્શોમ' પાડવામાં આવ્યું હતું; તેનો અર્થ થાય છે કે 'હું પરદેશમાં પ્રવાસી થયેલો છું.'
4. બીજા પુત્રનું નામ 'એલિએઝેર' હતું. તેનો અર્થ થાય છે કે 'ઈશ્વરે મારી સહાય કરીને મને ફારુનની તરવારથી બચાવ્યો છે.' [PE][PS]
5. એટલા માટે યિથ્રો મૂસાની પત્ની અને પુત્રોને લઈને અરણ્યમાં ઈશ્વરના પર્વત આગળ જયાં મૂસાએ છાવણી કરીને મુકામ કર્યો હતો ત્યાં તેની પાસે આવ્યો.
6. તેણે મૂસાને સંદેશો મોકલ્યો કે, “હું તારો સસરો યિથ્રો અહીં આવ્યો છું અને તારી પત્ની અને બે પુત્રોને તારી પાસે લાવ્યો છું.” [PE][PS]
7. તેથી મૂસા તેના સસરાને મળવા સામો ગયો. અને પ્રણામ કરીને તેણે તેને ચુંબન કર્યુ. બન્નેએ પરસ્પર ક્ષેમકુશળતાની ખબર પૂછી. પછી તેઓ મૂસાની છાવણીમાં તેના તંબુમાં ગયા.
8. ત્યાં મૂસાએ પોતાના સસરા યિથ્રોને યહોવાહે ઇઝરાયલના લોકો માટે ફારુન અને મિસરના લોકોના જે હાલહવાલ કર્યા હતા તથા ઇઝરાયલના લોકોને માર્ગમાં જે જે વિટંબણાઓનો સામનો કરવો પડયો હતો અને યહોવાહે તેઓને કેવી રીતે બચાવ્યા હતા, તે વિષે બધું કહી સંભળાવ્યું. [PE][PS]
9. યહોવાહે ઇઝરાયલના લોકોને મિસરના લોકોના હાથમાંથી છોડાવીને તેઓના પર જે ઉપકાર કર્યો હતો તે જાણીને યિથ્રો ખૂબ પ્રસન્ન થયો.
10. અને યિથ્રોએ કહ્યું, “યહોવાહની સ્તુતિ કરો કે જેમણે ઇઝરાયલી લોકોને મિસરવાસીઓના અને ફારુનના હાથમાંથી છોડાવ્યા છે.
11. હવે મને ખાતરી થઈ છે કે, સર્વ દેવો કરતાં યહોવા મહાન છે; મિસરવાસીઓએ તમારી સાથે ગેરવર્તાવ રાખ્યો ત્યારે તમને સૌને યહોવાહે તેઓના પંજામાંથી મુક્ત કર્યા છે.” [PE][PS]
12. પછી મૂસાના સસરા યિથ્રો યાજકે ઈશ્વરને યજ્ઞો અને દહનીયાર્પણો ચઢાવ્યાં. અને હારુન ઇઝરાયલના સર્વ વડીલોને સાથે લઈને ઈશ્વર સમક્ષ મૂસાના સસરા સાથે રોટલી ખાવાને માટે આવ્યો. [PE][PS]
13. બીજે દિવસે સવારે મૂસાએ ઘણા લોકોનો ન્યાય કરવાનું શરૂ કર્યું. તેઓ ન્યાય મેળવવા માટે સવારથી સાંજ સુધી આવતા રહેતા હતા અને પોતાનો વારો આવે એની રાહ જોતા હતા.
14. મૂસા લોકો માટે જે કંઈ કરતો હતો તે સઘળું મૂસાના સસરાએ જોયું, તેથી તેણે મૂસાને કહ્યું, “લોકોના માટે તું આ શું કરે છે? ન્યાયાધીશ તરીકે તું એકલો બેસે છે અને આટલા બધા લોકો તારી પાસે સવારથી સાંજ સુધી આવીને ઊભા રહે છે! તેનું શું કારણ છે?” [PE][PS]
15. ત્યારે મૂસાએ કહ્યું, “લોકો મારી પાસે તેઓની સમસ્યાઓના સંબંધમાં યહોવાહની ઇચ્છા વિષે પૂછવા માટે આવે છે.
16. વળી એ લોકોમાં કોઈ વિવાદ થયો હોય, તેના ન્યાયચુકાદા માટે મારી પાસે આવે છે. તેઓમાં કોણ સાચું છે તે હું નક્કી કરું છું. આ રીતે હું તેઓને યહોવાહના નિયમો અને વિધિઓ વિષે શીખવું છું.” [PE][PS]
17. પરંતુ મૂસાને તેના સસરાએ કહ્યું, “તું જે રીતે આ કરી રહ્યો છે તે પધ્ધતિ યોગ્ય નથી.
18. તું તંગ આવી જશે. તારા એકલાથી આ કામનો બોજો ઉપાડી શકાય એવો નથી. તું એકલો એ નહિ કરી શકે.”
19. હું તને સલાહ આપું છું અને તારે શું કરવું જોઈએ, એ તને બતાવું છું. “હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તે તને મદદ કરે. તારે યહોવા સમક્ષ એ લોકોના પ્રતિનિધિ થવું જોઈએ અને તે લોકોના પ્રશ્નો યહોવાહની સમક્ષ રજૂ કરવા જોઈએ.
20. અને તારે લોકોને યહોવાહના નિયમો તથા વિધિઓ તેઓ પાળે અને તોડે નહિ તે માટે ચેતવવાના છે અને તેઓને શીખવવાનું છે. તેઓને જીવનનો સાચો માર્ગ કયો છે અને શું કરવું તે સમજાવવાનું છે.” [PE][PS]
21. “વિશેષમાં તું યહોવાહની બીક રાખનાર તથા સર્વ લોકોમાંથી હોશિયાર અને વિશ્વાસપાત્ર હોય, લાંચરુશવતને ધિક્કારનાર તથા નિસ્વાર્થ હોય એવા માણસોને પસંદ કરીને તેઓને હજાર હજાર, સો સો, પચાસ પચાસ અને દશ દશ માણસોના ઉપરીઓ તરીકે નિયુક્ત કર.
22. પછી એ ઉપરી પ્રતિનિધિઓને લોકોનો ન્યાય કરવા દે. જો કોઈ બહુ જ ગંભીર સમસ્યા હોય તો ઉપરી પ્રતિનિધિ નિર્ણય કરશે અને પછી તેઓ તારી પાસે આવી શકશે. પરંતુ સામાન્ય પ્રકારના પ્રશ્નોનો નિર્ણય તો તેઓ જ કરશે. આમ તારા કાર્યમાં તેઓ સહભાગી થશે અને તારું કામ સરળ થશે.
23. હવે જો તું આ બધું કરીશ, તો યહોવાહની ઇચ્છા પૂર્ણ થશે. તને થાક લાગશે નહિ. અને આવનારા લોકો પણ સંપૂર્ણપણે સંતોષી થઈ પોતાના ઘરે પાછા ફરશે.” [PE][PS]
24. મૂસાએ પોતાના સસરાની સલાહ સ્વીકારી અને તેણે તે પ્રમાણે અમલ કર્યો.
25. તેણે સર્વ ઇઝરાયલના લોકોમાંથી ચુનંદા માણસો પસંદ કર્યા અને તેઓમાંથી હજારના, સોના, પચાસના, તથા દશ માણસોના ઉપરી તરીકે નિયુક્ત કર્યાં.
26. ત્યાર બાદ તેઓ જ બધો સમય લોકોનો ન્યાય કરવા લાગ્યા. ફક્ત મુશ્કેલ પ્રશ્નો હોય તો જ તેઓ મૂસા આગળ લાવતા અને નાના સામાન્ય પ્રશ્નો તેઓ જાતે હલ કરતા હતા.
27. પછી મૂસાએ પોતાના સસરા યિથ્રોને વિદાય આપી. યિથ્રો તેના વતનમાં પાછો ગયો. [PE]