1. ઇઝરાયલના રાજા યહોઆહાઝના દીકરા યોઆશના બીજા વર્ષે યહૂદિયાના રાજા યોઆશનો દીકરો અમાસ્યા રાજ કરવા લાગ્યો.
2. તે રાજ કરવા લાગ્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ યહોઆદ્દીન હતું. તે યરુશાલેમની હતી.
3. અમાસ્યાએ યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, તો પણ તેનાં કૃત્યો તેના પૂર્વ દાઉદની જેવા ન હતાં. તેણે તેના પિતા યોઆશે જે કર્યું હતું તેવું જ બધું જ કર્યું. [PE][PS]
4. તો પણ ઉચ્ચ્સ્થાનો દૂર કરાયા ન હતાં. લોકો હજુ પણ ઉચ્ચ્સ્થાનોમાં યજ્ઞો કરતા અને ધૂપ બાળતા હતા.
5. એવું બન્યું કે, જેવું તેનું રાજય સ્થાપ્યું કે, તરત જ તેણે પોતાના પિતાનું ખૂન કરનારા ચાકરોને મારી નાખ્યા. [PE][PS]
6. પણ મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, મારી નાખનારાઓના દીકરાઓને તેણે મારી નાખ્યા નહિ. યહોવાહે આજ્ઞા કરી હતી, “સંતાનોને લીધે પિતાઓ માર્યાં જાય નહિ, તેમ જ પિતાઓને લીધે સંતાનો માર્યાં જાય નહિ. પણ દરેક વ્યક્તિ પોતાના પાપને લીધે જ માર્યો જાય.
7. તેણે દસ હજાર અદોમીઓને મીઠાની ખીણમાં મારી નાખ્યા; વળી તેણે સેલા નગરને પણ યુદ્ધ કરીને કબજે કરી લીધું અને તેનું નામ યોકતેલ પાડયું, જે આજે પણ તે જ નામથી ઓળખાય છે.” [PE][PS]
8. પછી અમાસ્યાએ ઇઝરાયલના રાજા યેહૂના દીકરા યહોઆહાઝના દીકરા યોઆશ પાસે સંદેશાવાહક મોકલીને કહાવ્યું, “આવો, આપણે યુદ્ધમાં સામ સામે લડીએ.”
9. પણ ઇઝરાયલના રાજા યોઆશે યહૂદિયાના રાજા અમાસ્યા પાસે વળતો સંદેશાવાહક મોકલીને કહાવ્યું, “લબાનોનના એક કાંટાળા છોડવાએ લબાનોનના એરેજવૃક્ષને પાસે સંદેશો મોકલીને કહાવ્યું કે, “મારા દીકરા સાથે તારી દીકરીને પરણાવ,' પણ એટલામાં લબાનોનનું એક જંગલી પશુ ત્યાં થઈને પ્રસાર હતું તેણે તે કાંટાળા છોડવાને કચડી નાખ્યો.
10. સાચે જ તેં અદોમનો નાશ કર્યો છે માટે તને તેનો ખૂબ જ ગર્વ છે. તારી જીતનો ઘમંડ તારી પાસે રાખ અને તારા ઘરમાં જ બેસી રહે, કેમ કે, શા માટે તું તારા કારણે પોતાના અને યહૂદિયા એમ બંન્ને પર મુસીબત લાવીને બન્ને નાશ પામો?” [PE][PS]
11. પણ અમાસ્યાએ સાંભળ્યું નહિ. તેથી ઇઝરાયલના રાજા યોઆશે યુદ્ધ કર્યું, તે અને યહૂદિયાનો રાજા અમાસ્યા યહૂદિયામાં આવેલા બેથ-શેમેશ આગળ એકબીજાને સામ સામે મળ્યા.
12. યહૂદિયાના લોકો ઇઝરાયલથી હારી ગયા અને દરેક માણસ પોત પોતાના ઘરે નાસી ગયા. [PE][PS]
13. ઇઝરાયલના રાજા યોઆશે, અહાઝયાહના દીકરા યોઆશના દીકરા યહૂદિયાના રાજા અમાસ્યાને બેથ-શેમેશમાં પકડ્યો. તે યરુશાલેમ આવ્યો અને એફ્રાઇમના દરવાજાથી ખૂણાના દરવાજા સુધી ચારસો હાથ જેટલો લાંબો યરુશાલેમનો કોટ તોડી નાખ્યો.
14. તે બધું સોનું, ચાંદી, યહોવાહના સભાસ્થાનમાંથી મળેલી બધી વસ્તુઓ, રાજાના મહેલમાંથી મળેલી કિંમતી વસ્તુઓ ને તથા જામીનોને પણ લઈને સમરુન પાછો ગયો. [PE][PS]
15. યોઆશના બાકીનાં કાર્યો, જે બધું તેણે કર્યું તે, તેનું પરાક્રમ, યહૂદિયાના રાજા અમાસ્યા સાથે તેણે જે યુદ્ધ કર્યું તે બધું ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
16. પછી યોઆશ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેને ઇઝરાયલના રાજાઓ સાથે સમરુનમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો દીકરો યરોબામ તેની જગ્યાએ રાજા બન્યો. [PE][PS]
17. ઇઝરાયલના રાજા યહોઆહાઝના દીકરા યોઆશના મરણ પછી યહૂદિયાના રાજા યોઆશનો દીકરો અમાસ્યા પંદર વર્ષ સુધી જીવ્યો.
18. અમાસ્યાના બાકીનાં કાર્યો, યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
19. તેઓએ યરુશાલેમમાં અમાસ્યાની વિરુદ્ધ ષડયંત્ર રચ્યું તેથી તે લાખીશ ભાગી ગયો. પણ તેઓએ લાખીશમાં તેની પાછળ માણસો મોકલીને તેને ત્યાં મારી નાખ્યો. [PE][PS]
20. તેઓ તેને ઘોડા પર નાખીને લાવ્યા અને દાઉદનગરમાં તેના પિતૃઓની સાથે દફ્નાવ્યો.
21. યહૂદિયાના બધા લોકોએ અઝાર્યા જે સોળ વર્ષનો હતો તેને લઈને તેના પિતા અમાસ્યાની જગ્યાએ રાજા બનાવ્યો.
22. અમાસ્યા રાજા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો પછી, અઝાર્યાએ એલાથનો જીર્ણોધ્ધાર કરીને યહૂદિયાને પાછું સોંપ્યું. [PE][PS]
23. યહૂદિયાના રાજા યોઆશના દીકરા અમાસ્યાના પંદરમા વર્ષે ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામે સમરુનમાં રાજ કર્યું. તેણે એકતાળીસ વર્ષ સુધી રાજ કર્યું.
24. તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું. નબાટના દીકરા યરોબામનાં સર્વ પાપો કે જે વડે તેણે ઇઝરાયલ પાસે દુરાચાર કરાવ્યા તે તેણે છોડ્યા નહિ.
25. ઇઝરાયલના ઈશ્વર યહોવાહ પોતાના સેવક ગાથ-હેફેરના અમિત્તાયના દીકરા પ્રબોધક યૂના મારફતે જે વચનો બોલ્યા હતા, તે પ્રમાણે યરોબામે હમાથના ઘાટથી તે અરાબાના સમુદ્ર સુધી ઇઝરાયલની સરહદ પાછી મેળવી લીધી. [PE][PS]
26. કેમ કે, યહોવાહે ઇઝરાયલનું દુઃખ જોયું હતું, એ દુઃખ દરેકને માટે એટલે બંદીવાન અને સ્વતંત્ર વ્યક્તિને માટે ઘણું ભારે હતું.ત્યાં ઇઝરાયલને છોડાવનાર કોઈ ન હતું.
27. માટે યહોવાહે કહ્યું કે તે ઇઝરાયલનું નામ આકાશ નીચેથી ભૂંસી નાખશે નહિ; પણ તેમણે યોઆશના દીકરા યરોબામના દ્વારા તેઓને બચાવ્યા. [PE][PS]
28. હવે યરોબામનાં બાકીનાં કાર્યો, જે સર્વ તેણે કર્યું તે, તેનું પરાક્રમ અને કેવી રીતે તેણે દમસ્કસ તથા હમાથ જે યહૂદિયાના હતાં તેની સામે યુદ્ધ કરીને ઇઝરાયલને માટે પાછા મેળવ્યાં તે સર્વ ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
29. પછી યરોબામ પોતાના પિતૃઓ એટલે ઇઝરાયલના રાજાઓ સાથે ઊંઘી ગયો.તેનો દીકરો ઝખાર્યા તેની જગ્યાએ રાજા બન્યો. [PE]