1. [PS]સાતમે વર્ષે યહોયાદા બળવાન થયો. તેણે શતાધિપતિ એટલે યહોરામનો દીકરો અઝાર્યા, યહોહાનાનનો દીકરો ઇશ્માએલ, ઓબેદનો દીકરો અઝાર્યા, અદાયાનો દીકરો માસેયા તથા ઝિખ્રીનો દીકરો અલીશાફાટને લઈને તેઓની સાથે કોલકરાર કર્યા.
2. તેઓએ સમગ્ર યહૂદિયામાં ફરીને ત્યાંના બધાં નગરોમાંથી લેવીઓને તેમ જ ઇઝરાયલી કુટુંબોના વડીલોને એકઠા કર્યા અને તેઓ યરુશાલેમ આવ્યા.
3. તે આખી સભાએ ઘરમાં રાજા સાથે કોલકરાર કર્યો. યહોયાદાએ તેઓને કહ્યું, “જે પ્રમાણે ઈશ્વરે દાઉદનાં સંતાનો સંબંધી વચન આપ્યું હતું કે તેના વંશજો રાજ કરશે તેમ જુઓ, રાજાનો દીકરો રાજ કરશે. [PE]
4. [PS]તમારે આ પ્રમાણે કામ કરવાનું છે: વિશ્રામવારે સેવા કરનાર તમારે એટલે યાજકો અને લેવીઓ ત્રીજા ભાગે દરવાજા આગળ દ્વારપાળ તરીકે ઊભા રહેવું.
5. અને બીજા એક તૃતીયાંશ ભાગે રાજાના મહેલ આગળ ખડા રહેવું; બાકીના ત્રીજા ભાગે ઘોડાના દરવાજા આગળ ઊભા રહેવું. બધા લોકોએ ઈશ્વરના સભાસ્થાનના આંગણામાં રહેવું. [PE]
6. [PS]યાજકો તથા લેવીઓ જે સેવા કરતા હોય તેઓના સિવાય કોઈને પણ ઘરમાં પ્રવેશ કરવા દેવો નહિ; માત્ર તેઓએ જ અંદર જવું, કેમ કે તેઓ પવિત્ર હોઈને આજના દિવસના કામ માટે તેઓને નિયત કરાયા છે. સર્વ લોકોએ ઈશ્વરની આજ્ઞા પાળવી.
7. લેવીઓએ પોતપોતાની તરવાર હાથમાં રાખીને રાજાની આસપાસ ઊભા રહેવું. જે કોઈ ઘરમાં પ્રવેશે તેને મારી નાખવો. રાજા અંદર આવે કે બહાર જાય ત્યારે તમારે તેની સાથે રહેવું.” [PE]
8. [PS]તેથી યહોયાદા યાજકે જે જે આજ્ઞા કરી તે સર્વનો લેવીઓએ તથા યહૂદિયાના બધાં લોકોએ પાલન કર્યુ. તેઓએ પોતપોતાનાં માણસોને એટલે વિશ્રામવારે અંદર આવનાર અને બહાર જનારને ભેગા કર્યા; કેમ કે યહોયાદા યાજકે વારા પ્રમાણે પાછા જનારાઓને જવા દીધાં નહોતા.
9. યાજક યહોયાદાએ ઘરમાં દાઉદ રાજાની જે નાનીમોટી ઢાલો અને ભાલા હતા તે શતાધિપતિ અધિકારીઓને આપ્યાં. [PE]
10. [PS]યહોયાદાએ લોકોના હાથમાં હથિયાર આપીને સભાસ્થાનની જમણી બાજુ અને ડાબી બાજુ સુધી વેદી અને સભાસ્થાનને ઘેરીને રાજાનું રક્ષણ કરવા તેઓને ગોઠવી દીધા.
11. પછી યહોયાદા રાજાના દીકરાને લઈ આવ્યો. અને તેના માથા ઉપર મુગટ પહેરાવ્યો. તેણે તેને નિયમશાસ્ત્રના ગ્રંથની નકલ આપી. પછી તેને રાજા તરીકે જાહેર કર્યો. યહોયાદા અને તેના પુત્રોએ તેનો રાજયાભિષેક કર્યો. પછી તેઓએ કહ્યું, “રાજા ઘણું જીવો.” [PE]
12. [PS]જયારે અથાલ્યાએ લોકોની ભાગદોડનો અવાજ અને રાજાની સ્તુતિનો અવાજ સાંભળ્યો ત્યારે તે ઘરમાં આવી.
13. અને તેણે જોયું કે રાજા સ્તંભ પાસે દરવાજા આગળ ઊભો હતો. તેની પાસે લશ્કરી અધિકારીઓ અને રણશિંગડાં વગાડનારાઓ ઊભા હતા. દેશના બધા લોકો આનંદ કરતા હતા અને રણશિંગડાં વગાડતા હતા. ગાયકો વાજિંત્રો સાથે ગીતો ગાઈને ઈશ્વરની સ્તુતિ કરતા હતા. તે જોઈને અથાલ્યાએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં અને તેણે મોટે સાદે બૂમ પાડી, “રાજદ્રોહ, રાજદ્રોહ!” [PE]
14. [PS]પછી યાજક યહોયાદાએ સૈન્યના ઉપરી સેનાધિપતિઓને બોલાવીને કહ્યું, “તેને સૈનિકોની હરોળની વચમાં થઈને બહાર લાવો; જે કોઈ તેની પાછળ જાય તેને મારી નાખો.” યાજકે ચેતવણી આપતા કહ્યું, “ઈશ્વરના ઘરમાં તેને મારી નાખવી નહિ.”
15. તેથી તેઓએ તેને રસ્તો આપ્યો અને તે ઘોડા-દરવાજાના પ્રવેશદ્વાર પાસેથી પસાર થઈને તે રાજમહેલ પાસે આવી. ત્યાં તેઓએ તેને મારી નાખી. [PE]
16. [PS]પછી યહોયાદાએ પોતે, સર્વ લોકો અને રાજાની વચ્ચે કરેલ કરાર કર્યો કે, તેઓ ઈશ્વરના લોકો જ બનીને રહેશે.
17. તેથી બધા લોકોએ જઈને બાલના મંદિરને તોડી નાખ્યું; તેઓએ બાલની વેદીઓ અને મૂર્તિઓને ભાંગીને તેના ટુકડાં કરી નાખ્યા. અને બાલના યાજક માત્તાનને તે વેદીઓની સામે જ મારી નાખ્યો. [PE]
18. [PS]મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે ઈશ્વરને દહનીયાર્પણ ચઢાવવા માટે દાઉદ રાજાએ જે લેવી યાજકોની ઈશ્વરના ઘરમાં સેવા આપવા નિમણૂક કરી હતી તેઓના હાથ નીચે આનંદ તથા કિર્તન કરવાને દાઉદના સંચાલન મુજબ યહોયાદાએ સભાસ્થાન માટે કારભારીઓ નીમ્યા.
19. તેણે ઈશ્વરના સભાસ્થાનના દરવાજાઓ આગળ દ્વારપાળો ગોઠવી દીધા જેથી કોઈ પણ રીતે અશુદ્ધ હોય એવો માણસ તેમાં દાખલ ન થાય. [PE]
20. [PS]યહોયાદા પોતાની સાથે શાતાધિપતિઓને, કુલીન પુરુષોને, લોકોના અધિકારીઓને તથા દેશના બધા લોકોને લઈને રાજાને સભાસ્થાનથી નીચે લઈ આવ્યો અને પછી ઈશ્વરના સભાસ્થાનના 'ઉપલા દરવાજાથી' તેને રાજમહેલમાં લઈ ગયો અને તેને રાજસિંહાસન ઉપર બેસાડ્યો.
21. દેશના સર્વ લોકો ખૂબ આનંદ પામ્યા અને નગરમાં સર્વત્ર શાંતિ વ્યાપી ગઈ. કેમ કે તેઓએ અથાલ્યાને તરવારથી મારી નાંખી હતી. [PE]