1. મુખ્ય ગવૈયાને માટે; યદૂથૂનની રીત પ્રમાણે રચેલું. આસાફનું ગીત. હું ઈશ્વર આગળ મારી વાણી સંભળાવીશ; મારી વાણીથી હું ઈશ્વરને અરજ કરીશ, અને તે મને કાન ધરશે.
2. મારા દુ:ખને દિવસે મેં પ્રભુને શોધ્યા; રાત્રે થાક ખાધા વગર, મારા હાથ [તેમની આગળ] જોડી રાખેલા હતા; મારા આત્માએ દિલાસો સ્વીકારવાની ના પાડી.
3. હું ઈશ્વરનું સ્મરણ કરીને વ્યાકુળ થાઉં છું; હું પ્રાર્થના કરીને મનન કરું છું, ત્યારે મારો આત્મા મૂર્છિત થાય છે. (સેલાહ)
4. તમે મને મારી આંખો મીંચવા દેતા નથી; હું એટલો બધો વ્યાકુળ છું કે મારાથી બોલાતું નથી.
5. હું આગલા દિવસોનો, પૂર્વનાં વર્ષોનો વિચાર કરું છું.
6. રાતમાં મારું [ગાયેલું] ગીત મને સાંભરે છે; હું મનમાં મનન કરું છું; અને મારા આત્માએ ઘણી શોધ કરતાં [પૂછયું],
7. “શું પ્રભુ [આપણને] સર્વકાળ તજી દેશે? શું તે ફરી પ્રસન્ન થશે નહિ?
8. શું તેમની કૃપા સદાને માટે છેક જતી રહી છે? શું તેમનું વચન સદાકાળ રદ જશે?
9. કૃપાળુ થવાને ઈશ્વર વીસરી ગયા છે? શું કોપ કરીને તેમણે મહેરબાની બંધ કરી છે?” (સેલાહ)
10. ત્યારે મેં કહ્યું, “આ તો મારી નિર્બળતા છે;” [પરંતુ] પરાત્પરના જમણા હાથનાં વર્ષો [હું સંભારીશ].
11. હું યહોવાનાં કૃત્યોનું સ્મરણ કરીશ; તમારા પુરાતન કાળના ચમત્કાર હું સંભારીશ.
12. વળી હું તમારાં સર્વ કામોનું મનન કરીશ, અને તમારાં કૃત્યો વિષે વિચાર કરીશ.
13. હે ઈશ્વર, તમારો માર્ગ પવિત્રસ્થાનમાં છે; ઈશ્વર જેવા મોટા ઈશ્વર કોણ છે?
14. તમે ચમત્કાર કરનાર ઈશ્વર છો; તમે લોકોમાં તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે.
15. તમે તમારા બાહુથી પોતાના લોકોને, એટલે યાકૂબના તથા યૂસફના પુત્રોને છોડાવ્યા છે. (સેલાહ)
16. હે ઈશ્વર, પાણીએ તમને જોયા; પાણી તમને જોઈને બીધું; ઊંડાણો પણ ધ્રુજ્યાં.
17. વાદળોએ પાણી રેડયું; આકાશે ગર્જના કરી; તમારાં બાણ ચોતરફ ઊડ્યાં.
18. તમારી ગર્જનાનો સાદ વંટોળિયામાં હતો; વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું; પૃથ્વી કાંપી તથા ડોલી.
19. તમારો માર્ગ સમુદ્રમાં હતો; તમારી વાટો મહાજળમાં હતી; તમારાં પગલાં જાણવામાં આવ્યાં નહિ.
20. તમે મૂસા તથા હારુનની મારફતે પોતાના લોકોને ઘેટાંના ટોળાની જેમ દોર્યા.