1. તે દિવસોમાં ઈસ્રાએલમાં કોઈ રાજા ન હતો અને દાનકુળસમૂહના લોકો સ્થાયી થવા માંટે સ્થળ શોધી રહ્યાં હતાં. કારણ કે તેઓને પ્રદેશનો એક ભાગ ઈસ્રાએલના બીજા કુળસમૂહોની સાથે આપવામાં આવ્યો નહતો.
2. તેથી દાનના કુળસમૂહે પાંચ શૂરવીર પુરુષોને સોરાહ અને એશ્તાઓલ નગરોમાંથી પસંદ કર્યા, તેઓએ સ્થાયી થવા માંટે અને તેઓના કુળના ઉછેર માંટે યોગ્ય સ્થળ શોધવું હતું. તેથી તેઓએ “જાઓ અને દેશની શોધ કરો” કહીને પ્રદેશની શોધ કરવા આ શૂરવીરોને મોકલ્યા.એફ્રાઈમના પર્વત ઉપર પહોંચ્યા અને મીખાહના ઘરે રાત રોકાયા,
3. તેઓ જ્યારે ત્યાં હતાં, તેઓએ લેવીનો અવાજ ઓળખી લીધો અને તેના તરફ વળીને તેને પૂછયું, “તને અહી કોણ લઈ આવ્યું? અહીં તું શું કરે છે? તું અહી શા માંટે છે?”
4. તેણે મીખાહે તેના માંટે જે કંઈ કર્યુ હતું તે તેઓને કહી દીધું અને કહ્યું કે, “તેણે મને કામ રાખ્યો છે અને હું તેનો યાજક છું.”
5. પેલા લોકોએ કહ્યું, “સારું, તો અમાંરા તરફથી દેવને પ્રશ્ન કર કે અમાંરો આ પ્રવાસ સફળ થશે કે કેમ?”
6. યાજકે કહ્યું, “શાંતિથી જાઓ. તમાંરા પ્રવાસ ઉપર યહોવાની દયા દૃષ્ટિ છે.”
7. તેથી તે પાંચ જણ ત્યાંથી નીકળીને ‘લાઈશ’ પહોચ્યા. ત્યાં તેમણે જોયું તો લોકો સિદોનના લોકોના શાસન હેઠળ નિશ્ચિંત જીવન ગાળતા હતાં. તે લોકોને શાંતિ હતી અને કોઈ ચિંતા નહોતી તેઓ એકબીજા સાથે ઝગડો કરતા ન હતાં, અત્યાચાર કરનાર કોઈ ન હતાં. તેઓ સિદોનીના લોકોથી ખૂબ દૂર રહેતા હતાં અને તેઓએ કોઈની પણ સાથે કોઈ કરાર કર્યા ન હતાં.
8. તેઓ સોરાહ અને એશ્તાઓલમાં પોતાના ભાઈઓ પાસે પાછા ફર્યા અને ત્યાં તેમને પૂછવામાં આવ્યું, “શું સમાંચાર છે?”
9. તેમણે કહ્યું, “ચાલો, આપણે જઈએ અને લાઈશ ઉપર હુમલો કરીએ. અમે એ ભૂમિ જોઈ છે અને તે બહુ સારી છે. આપણે અહીં સુસ્ત બેસી રહેવું ન જોઈએ, જલદી કરો, ઉભા થાવ અને તે દેશનો કબજો લઈ લો.
10. તમે ત્યાં જશો ત્યારે જોશો કે ત્યાંના લોકો નિશ્ચિંત છે. તે દેશ વિશાળ છે, દેવે તમાંરા હાથમાં એવો દેશ સોંપી દીધો છે જયાં કોઈ વાતની ખોટ નથી.”
11. આથી દાનકુળસમૂહના 600 સશસ્ત્ર સૈનિકો સોરાહ અને એશ્તાઓલથી નીકળી પડયા.
12. તેમણે જઈને યહૂદાના પ્રદેશમાં કિર્યાથ-યઆરીમમાં છાવણી નાખી, તેથી એ જગ્યા આજે પણ દાનની છાવણીને નામે ઓળખાય છે. એ કિર્યાથ-યઆરીમની પશ્ચિમેં આવેલી છે.
13. ત્યાંથી તેઓ એફ્રાઈમના પહાડી પ્રદેશમાં મીખાહને ઘેર ગયા.
14. આ પાંચ જણ જેઓ ‘લાઈશ’ ની આજુબાજુના પ્રદેશમાં લોકો વિશે જાણવા ગયા હતાં તેમણે પોતાના ભાઈઓને કહ્યું, “ત્યાં બધામાંથી એક ઘરમાં ચાંદીની એક મૂર્તિ તથા એક એફ્રોદ અને થોડા ઘરબારના દેવો છે! તમે શું વિચારો છો? આપણે શું કરવું જોઈએ?”
15. આથી તેઓ એ તરફ વળીને લેવી રહેતો હતો ત્યાં મીખાહને ઘેર ગયો અને તેને અભિનંદન આપ્યા.
16. યુદ્ધ માંટે તૈયાર એવા દાન કુળસમૂહના સશસ્ત્ર 300 સૈનિકો દરવાજા બહાર ઊભા હતાં.
17. અને જે પાંચ જણ માંહિતી મેળવવા આવ્યા હતાં, તેઓએ અંદર જઈને લાકડાની કોતરકામ કરેલી અને ચાંદીથી મઢેલી મૂર્તિ, એફ્રોદ તથા કુળદેવતાઓને લઈ લીધા. દરમ્યાન યાજક 600 સશસ્ત્ર સૈનિકો સાથે દરવાજા આગળ ઊભો હતો.
18. જ્યારે યુવાન યાજકે પેલા પાંચ જણને મીખાહના ઘરમાં પેસીને લાકડાની કોતરેલી અને ચાંદીથી ઢાળેલી મૂર્તિ એફ્રોદ તથા બીજી મૂર્તિઓ લઈ બહાર જતા જોયા ત્યારે યાજકે તેમને પૂછયું, “શું કરો છો?”
19. ત્યારે તેઓએ કહ્યું, “ચૂપ રહો! એક શબ્દ પણ બોલશો નહિ, અમાંરી સાથે ચાલો અને અમાંરા કુળના યાજક અને અગ્રણીનું સ્થાન અમાંરે માંટે લો. ફક્ત એક જણના યાજક થવું તે સારું કે પછી સમગ્ર ઈસ્રાએલી કુળસમૂહના યાજક થવું તે સારું?”
20. આ સાંભળીને તે યાજક તેઓની સાથે જવા માંટે રાજી થઈ ગયો, તેણે એફોદ, ઘરના દેવો તથા બીજી મૂર્તિઓ પોતાની સાથે લઈ લીધી.
21. તેઓ બધાં પોતાને રસ્તે આગળ વધ્યા. તેઓએ બાળકો, ઢોરઢાંખર તથા ઘરવખરી સૌથી આગળ રાખ્યાં.
22. જ્યારે તેઓ મીખાહના ઘરથી થોડે દૂર નીકળી ગયા ત્યારે મીખાહના ઘરના માંણસો અને તેની આસપાસ રહેતા લોકોએ દાનકુળસમૂહનો પીછો કર્યો અને તેમને પકડી પાડયા.
23. તેમણે તેઓને થોભી જવા માંટે જોરથી બૂમ પાડી, એટલે દાનકુળસમૂહઓએ પાછા ફરીને જોયું અને મીખાહને પૂછયું, “શું વાત છે? શા માંટે તમાંરા માંણસોને લડવા બોલાવ્યા છે?”
24. મીખાહે ગુસ્સામાં કહ્યું, “મેં માંરા માંટે બનાવડાવેલી મૂર્તિને અને યાજકને લઈને તમે રસ્તે પડયા છો, પછી માંરી પાસે રહ્યું શું અને પાછા ઉપરથી પૂછો છો કે, શું છે?”
25. દાન કુળસમૂહે જવાબ આપ્યો, “મોટેથી ન બોલ. નહિ તો આ લોકોનો પિત્તો જશે અને તેઓ તારા ઉપર તૂટી પડશે. તું અને તારું કુટુંબ બંને હતાં નહતાં થઈ જશો.”
26. એમ કહીને દાનવંશીઓ રસ્તે પડયા અને મીખાહ સમજી ગયો કે એ લોકોને માંરાથી પહોંચાય એમ નથી, તેથી તે ઘેર પાછો ફર્યો.
27. ત્યાર પછી દાન કુળસમૂહના લોકોએ મૂર્તિઓ અને યાજકને ‘લાઈશ’ નામના સ્થળે લઈ ગયા જ્યાં શાંતિમય અને શંકારહિત લોકો હતાં. તેઓ નગરની અંદર ગયા અને સર્વ લોકોની તેઓની તરવારથી હત્યા કરી અને તેને બાળી નાખ્યા.
28. ત્યાં એ લોકોને મદદ કરે એવું કોઈ ન હતું. કારણ કે તેઓ નગર સિદોનથી ધણા દૂર હતા અને તેઓને અરામના લોકો સાથે કોઈ સંબધ નહોતો, લાઈશ એ બેથ-રહોબના એક ભાગમાં ખીણમાં આવેલું હતું. દાનકુળસમહોએ ફરી તે નગર બાંધવાનું શરૂ કર્યુ અને ત્યાં વસવાટ કર્યો.
29. તેઓએ પોતાના પિતૃના નામ ઉપરથી તે નગરનું નામ ‘દાન’ પાડયું; દાન, જે ઈસ્રાએલમાં જન્મ્યો હતો, પણ તેનું મૂળ નામ ‘લાઈશ’ હતું.
30. દાનકુળસમૂહોએ પેલી મૂર્તિઓ લઈ અને તેઓની પ્રતિષ્ઠા કરી યોનાથાન ગેર્શોમનો પુત્ર, તથા મૂસાનો પૌત્ર હતો અને તેના પુત્રો દેશ, બંદીવાન થયો ત્યાં સુધી દાન કુળસમૂહના યાજક બની રહ્યાં.
31. મુલાકાત મંડપ જયાં સુધી દેવનું ઘર શીલોહમાં રહ્યું ત્યાં સુધી દાનના કુળે મીખાહની મૂર્તિઓનું ભજન કર્યુ.