1. હે સ્ત્રીઓમાં સર્વોતમ સુંદરી! તારો પ્રીતમ કઇ દિશા તરફ ગયો છે એ તો જણાવ; અમે તેને તારી સાથે શોધીએ.
2. મારો પ્રીતમ પોતાના બાગમાં આનંદ કરવા તથા મધુર સુવાસિત કમળ વીણવા ગયો છે.
3. હું મારા પ્રીતમની છું અને મારો પ્રીતમ મારો જ છે; તે સફેદ કમળોની વચ્ચે પોતાને આનંદિત કરે છે!
4. હે મારી પ્રીતમા, તું તિર્સાહ જેવી સુંદર, યરૂશાલેમ જેવી ખૂબસૂરત, ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયાવહ છે.
5. તારાં નેત્ર મારી તરફથી ફેરવી લે, કારણ, તેઓએ મારો પરાજય કર્યો છે. તારા કેશ, જાણે ગિલયાદ પર્વતના ઢોળાવો પરથી ઉતરી આવતાં બકરાંના ટોળા જેવા છે.
6. ઘોવાઇને બહાર નીકળેલી ઘેટીઓના ટોળા જેવા તારા દાંત છે કે, જેઓમાંની દરેક બબ્બે બચ્ચાં જણે છે અને તેઓમાંના કોઇએ પોતાના બચ્ચાં ગુમાવ્યાં નથી.
7. તારા ફેલાયેલા વાળ પાછળ, તારા લમણાં દાડમની ફાડ જેવાઁ છે.
8. ત્યાં સાઠ રાણીઓ છે ને ઉપપત્નીઓ એંસી છે; અને અગણિત યુવતીઓ છે.
9. પણ મારી વ્હાલી, મારી પ્રીતમા તો એકજ છે; પોતાની માતાની એકની એક, અને પિતાની વહાલી. યરૂશાલેમની દીકરીઓ તારી સામે જુએ છે અને તને ધન્યવાદ આપે છે; રાણીઓ અને ઉપપત્નીઓ તારી પ્રશંસા કરે છે.
10. પ્રભાતના જેવી પ્રકાશિત કાંતિવાળી, ચંદ્ર જેવી સુંદર, સૂર્ય જેવી ડાઘ વગરની; ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયંકર એ કોણ છે? તેઓ પૂછે છે,
11. વસંતઋતુ ખીલી છે કે કેમ; દ્રાક્ષાવેલાને કૂંપળો ફૂટી છે કે કેમ; દાડમડીને મોર આવ્યો છે કે કેમ; તે જોવા માટે હું અખરોટના બગીચામાં થઇને ખીણમાં ગઇ.
12. હું કંઇ સમજુ તે પહેલા તો મેં મારી જાતને મારા લોકોના રાજકુમારની બાજુના રથમાં બેસેલી જાણી.
13. હે શૂલ્લામી! પાછી આવ, પાછી આવ; પાછી ફર પાછી ફર કે અમે તને નિહાળીએ.માહનાઇમના નૃત્યની જેમ શૂલ્લામીને જોવા તમે શા માટે આટલા ઉત્સુક છો?