1. દાઉદનું ગીત. હે પરાક્રમી દૂતો, યહોવાને આપો, ગૌરવ તથા સામર્થ્ય યહોવાને આપો.
2. યહોવાના નામનું ગૌરવ તેમને આપો; પવિત્રતાની શોભા [ધારણ કરીને] યહોવાને ભજો.
3. યહોવાનો સાદ પાણી પર [ગાજે] છે, ગૌરવવાન ઈશ્વર ગર્જના કરે છે, હા, યહોવા ઘણા પાણી પર [ગર્જના કરે છે].
4. યહોવાનો સાદ સમર્થ છે; યહોવાનો સાદ માહાત્મ્યથી ભરપૂર છે.
5. યહોવાનો સાદ દેવદારોને ભાંગી નાખે છે; હા, યહોવા લબાનોનનાં દેવદારોના ટુકડેટુકડા કરી નાખે છે.
6. વળી તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે; જંગલી ગોધાના બચ્ચાની જેમ તે લબાનોન તથા સિર્યોનને [કુદાવે છે].
7. યહોવાનો સાદ અગ્નિની જ્વાળાને ભેદે છે.
8. યહોવાનો સાદ અરણ્યને ધ્રુજાવે છે; યહોવા કાદેશના અરણ્યને ધ્રુજાવે છે.
9. યહોવાના સાદથી હરણીઓના ગર્ભ ગળી જાય છે અને ઝાડીઓનાં ડાળાંપાંખડાં તૂટી પડે છે. અને તેમના મંદિરમાં સર્વ કહે છે, “પ્રભુને મહિમા હો!”
10. યહોવા, જળપ્રલય સમયે બિરાજ્યા હતા; વળી યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે.
11. યહોવા પોતાના લોકને સામર્થ્ય આપશે; યહોવા પોતાના લોકને શાંતિનો આશીર્વાદ આપશે.