1. યહોવાની સ્તુતિ કરો. હે યહોવાના સેવકો, સ્તુતિ કરો. યહોવાના નામની સ્તુતિ કરો.
2. યહોવાનું નામ આ વખતથી તે સર્વકાળ સ્તુત્ય થાઓ.
3. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી યહોવાના નામની સ્તુતિ કરો.
4. યહોવા બધી જ પ્રજાઓ પર સર્વોપરી અધિકારી છે, અને તેમનું ગૌરવ આકાશો કરતાં મોટું છે.
5. આપણા ઈશ્વર યહોવા જેવો કોણ છે? તે પોતાનું રહેઠાણ ઉચ્ચસ્થાનમાં રાખે છે.
6. આકાશમાં તથા પૃથ્વીમાં [જે છે તે] જોવાને તે પોતાને દીન કરે છે.
7. તે ધૂળમાંથી રાંકને ઉઠાવી લે છે, અને ઉકરડા ઉપરથી દરિદ્રીને ચઢતીમાં લાવે છે;
8. તેથી તે અમીરઉમરાવો સાથે, એટલે પોતાના લોકોના અમીર ઉમરાવો સાથે બેસનાર થાય.
9. તે નિ:સંતાન સ્ત્રીને તેના પોતાના ઘરમાં રાખે છે, તેને પુત્રોની આનંદી માતા બનાવે છે. યહોવાની સ્તુતિ કરો.