1. હે યહોવા, તમે મારા ઈશ્વર છો; હું તમને મોટા માનીશ, હું તમારા નામની સ્તુતિ કરીશ; કેમ કે તમે અદભુત કાર્યો કર્યાં છે, તમે વિશ્વાસુપણે તથા સત્યતાથી પુરાતન સંકલ્પો પાર પાડયા છે.
|
2. કેમ કે તમે નગરનો ઢગલો કરી નાખ્યો છે; તમે મોરચાબંધ શહેરનું ખંડિયેર કર્યું છે. પરદેશીઓના રાજમહેલને તમે નગરની પંક્તિમાંથી કાઢી નાખ્યો છે; કોઈ કાળે તે ફરીથી બંધાશે નહિ.
|
4. જ્યારે ભયંકર લોકોનો ઝપાટો કોટ પરના તોફાન જેવો છે, ત્યારે તમે ગરીબોનો આશ્રય, સંકટસમયે દીનોનો આધાર, તોફાનની સામે ઓથો, ને તડકાની સામે છાયો છો.
|
5. સૂકી જગામાંના તેડકાની જેમ તમે પરદેશીઓનો ગર્વ નરમ પાડશો. જેમ વાદળાની છાયાથી તડકો ઓછો લાગે છે તેમ જુલમીઓનું ગાયન મંદ કરવામાં આવશે.
|
6. વળી સૈન્યોના ઈશ્વર યહોવા સર્વ લોકોને આ પર્વત પર મિષ્ટાન્નની, જૂના દ્રાક્ષારસની, મેદથી ભરેલા મિષ્ટાન્નની, અને નિતારેલા જૂના દ્રાક્ષારસની મિજબાની આપશે.
|
7. અને જે ઘૂંઘટ સઘળી પ્રજાઓ પર ઓઢાડેલો છે તેના પૃષ્ઠનો, તથા જે આચ્છાદન સર્વ પ્રજાઓ પર પસારેલું છે તેનો આ પર્વત પર તે નાશ કરશે.
|
8. પ્રભુએ સદાને માટે મરણ રદ કર્યું છે; અને પ્રભુ યહોવા સર્વનાં મુખ પરથી આંસુ લૂછી નાખશે; અને આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મહેણું દૂર કરશે:કેમ કે યહોવાનું વચન એવું છે.
|
9. તે દિવસે એવું કહેવામાં આવશે, “જુઓ, આ આપણા ઈશ્વર છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તે આપણને તારશે; આ યહોવા છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તેમણે કરેલા તારણથી આપણે હરખાઈને આનંદોત્સવ કરીશું.”
|
10. કેમકે યહોવાનો હાથ આ પર્વત પર થોભશે, ને જેમ ઉકરડાના પાણીમાં ખડ ખૂંદાય છે, તેમ મોઆબ પોતાને સ્થળે ખૂંદાશે.
|
11. જેમ તરનાર તરવા માટે હાથ પસારે છે, તે પ્રમાણે તેમાં તે હાથ પસારશે; અને તેના હાથની ચાલાકી છતાં તે તેના ગર્વને ઉતારી નાખશે.
|
12. તે તારા કોટની ઊંચી કિલ્લેબંદીને પાડી નાખશે, તેને નીચી પાડીને જમીનદોસ્ત કરશે, તેને ધૂળભેગી કરી નાખશે.
|