1. ખ્રિસ્ત ઈસુના સેવકો પાઉલ અને તિમોથી તરફથી કુશળતા હો. દરેક સંતો જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે. અને ફિલિપ્પીમાં રહે છે. અને તમારા સર્વ વડીલો અને વિશિષ્ટ મદદગારોને.
2. દેવ આપણા બાપ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.
3. હું જ્યારે પણ તમને યાદ કરું છું. ત્યારે મારા દેવનો આભાર માનું છું.
4. અને તમારા બધા માટે હું હમેશા આનંદથી પ્રાર્થના કરું છું.
5. મે જ્યારે લોકોને સુવાર્તા આપી ત્યારે તમે મારી જે મદદ કરી તે માટે હું પ્રભુનો આભારી છું. તમે જે દિવસથી વિશ્વાસી બન્યા તે દિવસથી તમે મને મદદ કરી.
6. દેવે તમારામાં શુભ કામની શરૂઆત કરી અને તે તમારા પ્રતિ હજુ પણ ચાલુ છે. મને ખાતરી છે કે ઈસુ ખ્રિસ્તનું પુરાગમન થશે, ત્યારે દેવ તે કામ પુરું કરશે.
7. મને ખબર છે કે તમારા વિષે આમ વિચારવામાં હું સાચો છું. તમે મારા અંતરમાં છો, તેથી હું નિશ્ચિંત છું, હું મારી જાતને તમારી ઘણી નજીક અનુભવું છું. હું તમારી સાથે આત્મીયતા અનુભવું છું કારણ કે મારી સાથે દેવની કૃપામાં તમે ભાગીદાર છો. જ્યારે હું જેલમાં હોઉ છું, અને જ્યારે હું સુવાર્તાના સત્યમાં બચાવ કરું છું અને મકકમતા દાખવું છું ત્યારે મારી સાથે તમે દેવ કૃપાના સહભાગી છો.
8. દેવ જાણે છે કે તમને મળવાને હું ઘણો આતુર છું. હું તમને બધાને ખ્રિસ્ત ઈસુના પ્રેમ સાથે ચાહું છું.
9. તમારા માટે મારી આ પ્રાર્થના છે કે:તમારો પ્રેમ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે; કે તમને જ્ઞાન શાણપણ પ્રેમ સાથે પ્રાપ્ત થાય;
10. તમે સારા અને નરસાનો તફાવત સમજી શકો અને સારાની પસંદગી કરો જેથી ખ્રિસ્તના પુનઃઆગમન માટે તમે નિમર્ળ અને નિષ્કલંક થાઓ.
11. તમે ઈસુ ખ્રિસ્તની મદદથી ઘણા સારાં કાર્યો કરશો જે દેવનો મહિમા વધારશે અને દેવની સ્તુતિ કરશે.
12. ભાઈઓ અને બહેનો, હું તમને જણાવવા માગું છું કે મારી સાથે જે દુઃખદ બન્યું છે તે સુવાર્તાના ફેલાવામાં મદદરૂપ બન્યું છે.
13. હું ખ્રિસ્તમાં વિશ્વાસ ઘરાવું છું તેથી હું જેલમાં છું તે વાત સ્પષ્ટ બની છે. બધાં જ રાજ્ય દરબારનાં રક્ષકો અને બધા લોકો આ વાતથી જ્ઞાત છે.
14. હું હજુ જેલમાં છું પરંતુ તે વિષે હવે મોટા ભાગના વિશ્વાસીઓને કાંઈક સારું લાગે છે અને તેઓ ખ્રિસ્તની સુવાર્તા લોકોને કહેવા માટે વધુ હિમંતવાન બન્યા છે.
15. કેટલાક લોકો એદેખાઈ તથા વિરોધથી ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરે છે. જ્યારે બીજા લોકો મદદ કરવાનું ઈચ્છે છે તેથી ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરે છે.
16. આ લોકોમાં પ્રેમની લાગણી છે અને તેઓ જાણે છે કે દેવે મને સુવાર્તાનો બચાવ કરવાનું કામ સોપ્યું છે. તેથી તેઓ ઉપદેશ આપે છે.
17. પરંતુ પેલા બીજા લોકો સ્વાર્થી છે તેથી ઉપદેશ આપે છે. અને ઉપદેશ આપવા માટેનું તેમનું કારણ ખોટું છે. તેઓ મારા માટે કેદખાનામાં મુશ્કેલીઓ ઊભી કરવા માંગે છે.
18. મારે માટે તેઓ મુશ્કેલી ઊભી કરે તેની હું દરકાર કરતો નથી. પરંતુ મહત્વનું એ છે કે તેઓ લોકોને ખ્રિસ્ત વિષે કહે છે. અને મારી એ ઈચ્છા છે કે તેઓ આમ કરે, પરંતુ તેઓએ યોગ્ય કારણથી આમ કરવું જોઈએ. જો કે તેઓ ખોટા અને ખરાબ કારણથી પણ આ કરે તેમા હું ખુશ છું. હું પ્રસન્ન છું અને રહીશ કારણ કે તેઓ લોકોને ખ્રિસ્ત વિષે કહે છે.
19. તમે મારા માટે પ્રાર્થના કરો છો, અને ઈસુ ખ્રિસ્તનો આત્મા મને મદદ કરે છે. તેથી હું જાણું છું કે આ મુશ્કેલી જ મારું તારણ લાવશે.
20. હું જેની આશા રાખું છું અને ઈચ્છુ છું તે એ છે કે હંમેશની જેમ મારામાં, ખ્રિસ્તની મહાનતાનું મારી આ જીંદગીમાં જે મહત્વ છે તે હું દર્શાવી શકું અને ખ્રિસ્તને મારા કાર્યો થકી નિરાશ ન કરું. હું જીવું કે મરું મારે આ કાર્ય કરવું છે.
21. હું કહેવા માગું છું કે ખ્રિસ્ત માત્ર એક જ મારા જીવનમાં મહત્વનો છે. અને મને તો મરણથી પણ લાભ થવાનો છે.
22. જો હું દેહમાં જીવતો હોઈશ તો હું પ્રભુના કાર્યો કરી શકીશ પરંતુ હું નથી જાણતો કે હું શું પસંદ કરું છું, મરવાનું કે જીવવાનું?
23. જીવન અને મરણ વચ્ચેની પસંદગી ઘણી મુશ્કેલ છે. આ જીવન જીવવાનું હું ઈચ્છુ છું, અને ખ્રિસ્ત સાથે થઈશ. કારણ કે તે વધારે સારું છે.
24. તમારા લોકો માટે મને અહીં આ શરીરરૂપે રહેવું વધુ જરૂરી છે.
25. મને ખબર છે કે તમને મારી જરૂર છે અને તેથી હું જાણું છું કે હું તમારી સાથે રહીશ. તમારા વિશ્વાસની વૃદ્ધિ તથા આનંદને સારું હું તમને મદદ કરીશ.
26. જ્યારે ફરીથી હું તમારી સાથે હોઈશ ત્યારે ખ્રિસ્ત ઈસુમાં થતો ઘણો જ આનંદ તમે અનુભવશો.
27. એની ચોકસાઈ રાખો કે ખ્રિસ્તની સુવાર્તાને યોગ્ય જીવન તમે જીવો. તેથી હું તમને આવીને મળું કે હું તમારાથી દૂર હોઉં, હું તમારા વિષે સારી વાતો જ સાંભળું, મારે સાંભળવું જોઈએ કે તમે બધા આત્મીય એકતા રાખો છો અને એક ચિત્ત થઈને સાથે મળીને સુવાર્તામાંથી જે વિશ્વાસ આવે છે તે માટે કામ કરો છો.
28. અને જે લોકો તમારી વિરુંદ્ધ છે તેઓનાથી તમે ગભરાતા નથી આ સર્વ વસ્તુઓ દેવની સાબિતી છે કે તમારો ઉદ્ધાર થયો છે અને તમારા દુશ્મનોનો વિનાશ.
29. દેવે તમને ખ્રિસ્તમાં વિશ્વાસ રાખવા સન્માનીત કર્યા છે એટલું જ નહિ, પરંતુ ખ્રિસ્ત માટે દુઃખ સહન કરવાનું માન પણ તેણે તમને આપ્યું છે. આ બંને વસ્તુ ખ્રિસ્તનો મહિમા વધારે છે.
30. જ્યારે હું તમારી સાથે હતો, ત્યારે જે લોકો સુવાર્તાની વિરુંદ્ધ હતા તેઓની સાથેનો મારો સંઘર્ષ તમે જોયો હતો. અને અત્યારે મારી સાથે જે સંઘર્ષ ચાલી રહ્યો છે તે વિષે તમે સાંભળો છો. તમે પોતે પણ તે પ્રકારના સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છો.