1. ઈસુએ તેના શિષ્યોને બોલાવીને તેઓને બધા ભૂતો પર, તથા રોગો ટાળવાને પરાક્રમ તથા અધિકાર આપ્યાં.
2. તેણે તેઓને દેવના રાજ્ય વિષે કહેવા તથા માંદાઓને સાજા કરવા મોકલ્યા.
3. તેણે તેઓને કહ્યું, “જ્યારે તમે મુસાફરી કરો ત્યારે તમારી સાથે લાકડી લેશો નહિ, ઝોળી, ખોરાક કે પૈસા પણ લઈ જશો નહિ. પ્રવાસમાં ફક્ત તમે પહેરો છો તે જ કપડાં લેજો.
4. જ્યારે તમે ઘરમાં જાઓ ત્યારે તે જગ્યા છોડતા સુધી ત્યાં જ રહો.
5. જો શહેરના લોકો તમારું સ્વાગત ન કરે તો શહેરની બહાર જઈને તમારા પગ પર લાગેલી ધૂળ ખંખેરી નાખજો. આ તમને ચેતવણીરૂપ બનશે.”
6. તેથી તે શિષ્યો બહાર નીકળ્યા. તેઓ બધા ગામડાઓમાંથી પસાર થયા. તેઓ સુવાર્તા પ્રગટ કરતાં અને સર્વત્ર લોકોને સાજા કરતાં ગયા.
7. જે કંઈ બનતું હતું તે બધી બાબતો વિષે શાસનકર્તા હેરોદે સાંભળ્યું. તે મૂંઝવણમાં પડ્યો કારણ કે કેટલાએક લોકોએ કહ્યું, “યોહાન મૂએલામાંથી ઊઠ્યો છે.”
8. બીજા લોકોએ કહ્યું, “એલિયા આપણી પાસે આવ્યો છે.” અને બીજા કેટલાએક લોકોએ કહ્યું, “પ્રાચીન પ્રબોધકોમાંનો એક મૂએલાંમાંથી ઊભો થયો છે.”
9. [This verse may not be a part of this translation]
10. જ્યારે પ્રેરિતો પાછા આવ્યા. તેઓએ તેમના પ્રવાસમાં જે જે કર્યુ હતું તે ઈસુને કહ્યું અને ઈસુ તેઓને બેથસૈદા નામના શહેરમાં લઈ ગયો. જ્યા ઈસુ અને તેના પ્રેરિતો એકાંતમાં સાથે રહી શકે.
11. પણ લોકોને ખબર પડી કે ઈસુ ક્યાં ગયો છે. તેઓ તેની પાછળ ગયા. ઈસુએ તેઓને આવકાર્યા અને દેવના રાજ્ય સંબંધી વાત કરી. તેણે જે માંદા લોકો હતા તેઓને સાજા કર્યા.
12. નમતા બપોરે, તે બાર પ્રેરિતો ઈસુ પાસે આવ્યા અને કહ્યું, “આ જગ્યાએ કોઈ રહેતા નથી. લોકોને વિદાય કરો. જેથી તેઓ તેમના માટે ખેતરમાં અને આજુબાજુના ગામોમાં જઇને ખાવાની અને રહેવાની સૂવાની જગ્યાની વ્યવસ્થા કરે.”
13. પરંતુ ઈસુએ પ્રેરિતોને કહ્યું, “તમે તેઓને કંઈક ખાવાનું આપો.” પ્રેરિતોએ કહ્યું, “આપણી પાસે ફક્ત પાંચ રોટલી અને બે માછલીઓ જ છે. આ બધા લોકો માટે ખાવાનું ખરીદી લાવીએ એમ તું ઈચ્છે છે?”
14. (ત્યાં લગભગ 5,000 માણસો હતાં.) ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “લોકોને કહો પચાસ પચાસના સમૂહમાં બેસે.”
15. તેઓએ તેમ કર્યુ, અને બધાજ લોકો નીચે બેસી ગયા.
16. પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલીઓ લીધી. ઈસુએ ઊચે આકાશમાં જોયું અને ખોરાક માટે આશીર્વાદ માંગ્યો. પછી ઈસુએ ખોરાકના ભાગ પાડ્યા અને તે શિષ્યોને આપ્યા. ઈસુએ શિષ્યોને લોકોને ભોજન પીરસવાનું કહ્યું.
17. બધાજ લોકોએ ખાધું અને તૃપ્ત થયા. છતાં ત્યાં ઘણું ખાવાનું રહ્યું હતું. અને છાંડેલા ખોરાકના ટૂકડાઓથી બાર ટોપલીઓ ભરી.
18. એક વખત ઈસુ એકાંતમાં પ્રાર્થના કરતો હતો. તેના શિષ્યો ભેગા થઈને ત્યાં આવ્યા. ઈસુએ તેઓને પૂછયું, “હું કોણ છું તે વિષે લોકો શું કહે છે?”
19. શિષ્યોએ ઉત્તર આપ્યો, “કેટલાએક લોકો કહે છે કે તું યોહાન બાપ્તિસ્ત છે. બીજા કેટલાએક કહે છે તું એલિયા છે અને કેટલાએક લોકો કહે છે; તું પ્રાચિન પ્રબોધકોમાંનો એક છે અને ફરી સજીવન થઈને આવ્યો છે.”
20. પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “અને હું કોણ છું એ વિષે તમે શું કહો છે?” પિતરે ઉત્તર આપ્યો, “તું દેવનો ખ્રિસ્ત છે.”
21. ઈસુએ તેઓને કોઈને પણ નહિ કહેવા માટે ચેતવણી આપી. (માથ્થી 16:21-28; માર્ક 8:30-9:1)
22. પછી ઈસુએ કહ્યું, “માણસના દીકરાએ સહન કરવું પડશે. મોટા યહૂદિ વડીલો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ તેનો અસ્વીકાર કરશે. માણસના દીકરાને મારી નાખવામાં આવશે. પણ ત્રણ દિવસ પછી તે મૃત્યુમાંથી ઊભો થશે.”
23. ઈસુએ તે બધાને કહેવાનું ચાલુ રાખ્યું, “જો કોઈ મારી પાછળ આવવા ઈચ્છતું હોય, તો તેણે પોતાની ઈચ્છાઓ અને વસ્તુઓને ‘ના’ કહેવી અને દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.
24. જે કોઈ વ્યક્તિ પોતાનો જીવ બચાવવા ઈચ્છશે તે પોતાનું જીવન ગુમાવશે. પણ જે કોઈ વ્યક્તિ મારે ખાતર પોતાનો જીવ ગુમાવશે, તો તેને તે બચાવશે.
25. કારણ કે જો કોઈ માણસ આખું જગત પ્રાપ્ત કરે પણ પોતાનો પ્રાણ ગુમાવે અથવા તેનો પોતાનો નાશ થાય તો તેને શો લાભ?
26. જો કોઈ મારા કારણે તથા મારા ઉપદેશને લીધે લજવાશે ત્યારે માણસનો દીકરો તે વ્યક્તિથી લજવાશે. જ્યારે તે તેના મહિમા સાથે અને બાપના મહિમા સાથે અને પવિત્ર દૂતોના મહિમા સાથે આવશે.
27. હું તમને સત્ય કહું છું, “અહીં ઊભા રહેલાઓમાંથી તમે કેટલાએક લોકો મૃત્યુ પામતા પહેલા દેવના રાજ્યનું દર્શન કરશે.”
28. ઈસુ, એ વાતો કહ્યા પછી લગભગ આઠ દિવસો પછી પિતર, યોહાન તથા યાકૂબને લઈને પહાડ પર પ્રાર્થના કરવા માટે ગયો.
29. ઈસુ જ્યારે પ્રાર્થના કરતો હતો ત્યારે તેનો ચહેરો બદલાયો. તેનાં વસ્ત્રો સફેદ ચમકતાં થયાં.
30. તે પછી બે માણસો ઈસુ સાથે વાતો કરતાં હતા. તે માણસો મૂસા તથા એલિયા હતા.
31. મૂસા અને એલિયા પણ તેજસ્વી અને ચમકતા દેખાતા હતા. તેઓ ઈસુ સાથે તેના મૃત્યુ સંબંધી વાત કરતા હતા. જે યરૂશાલેમમાં થવાનું હતું.
32. પિતર અને બીજા ઘસઘસાટ ઊંઘતા હતા. પણ તેઓ જાગી ઊઠ્યા અને ઈસુનો મહિમા જોયો. તેઓએ ઈસુ સાથે ઊભેલા બે માણસોને પણ જોયા.
33. જ્યારે મૂસા અને એલિયા જ્યારે વિદાય થતા હતા ત્યારે પિતરે કહ્યું, “સ્વામી, આપણે અહીં છીએ તે સારું છે અમે અહીં ત્રણ તંબૂ બનાવીશું. એક તારા માટે, એક મૂસા માટે અને એક એલિયા માટે” (પિતર જે કંઈ કહેતો હતો તે સમજતો નહતો.)
34. જ્યારે પિતર આ બોલતો હતો ત્યારે તેઓની આજુબાજુ એક વાદળ આવ્યું. પિતર, યાકૂબ અને યોહાન ગભરાઇ ગયા. જ્યારે વાદળોએ તેઓને ઢાંકી દીધા.
35. વાદળામાંથી એક અવાજ આવ્યો. તે અવાજે કહ્યું, “આ મારો દીકરો છે. મારો પસંદ કરેલો. તેની આજ્ઞાનું પાલન કરો.”
36. જ્યારે તે અવાજ પૂરો થયો ત્યારે માત્ર ઈસુ જ ત્યાં હતો પિતર, યાકૂબ, યોહાને કંઈ કહ્યું નહિ. તે વખતે તેઓએ જે જોયું હતું તેમાનું કશુંય કોઈને કહ્યું નહિ.
37. બીજે દિવસે ઈસુ, પિતર, યાકૂબ અને યોહાન પહાડ પરથી નીચે ઉતર્યા. લોકોનો મોટો સમુદાય ઈસુને મળ્યો.
38. લોકોના સમુદાયમાંથી એક માણસે ઘાંટો પાડીને ઈસુને કહ્યું, “ઉપદેશક, મહેરબાની કરીને આવ અને મારા દીકરા તરફ જો. તે મારો એકનો એક દીકરો છે.
39. એક અશુદ્ધ આત્મા મારા પુત્રને વળગે છે, અને પછી તે બૂમો પાડે છે. તે તેની જાત પરનો કાબૂ ગુમાવે છે અને તેના મોંઢામાંથી ફીણ નીકળે છે. અશુદ્ધ આત્મા તેને ઇજા કરવાનું ચાલુ રાખે છે અને માંડ માંડ તેને છોડે છે.
40. મેં તમારા શિષ્યોને મારા પુત્રમાંથી દુષ્ટ આત્માઓને હાંકી કાઢવા વિનંતી કરી, પણ તેઓ તેને કાઢી શક્યા નહિ.”
41. ઈસુએ ઉત્તર આપ્યો, “તમે લોકો જે હમણાં જીવો છો પણ તમારામાં વિશ્વાસ નથી. તમારા જીવનો બધા ખોટાં છે. હું ક્યાં સુધી તમારી સાથે હોઇશ અને તમારી સાથે ક્યાં સુધી તમારું સહન કરું? ઈસુએ તે માણસને કહ્યું, “તારા પુત્રને અહીં લાવ.”
42. જ્યારે તે છોકરો આવતો હતો ત્યારે અશુદ્ધ આત્માએ તેને જમીન પર પછાડ્યો. છોકરાએ તેની જાત પરનો કાબૂ ગુમાવ્યો. પણ ઈસુએ અશુદ્ધ આત્માને ખૂબ ધમકાવ્યો. પછી તે છોકરો સાજો થઈ ગયો. અને ઈસુએ તે છોકરાને તેના બાપને પાછો આપ્યો.
43. બધા લોકો દેવના આ મહાન પરાક્રમથી આશ્ચર્યચકિત થયા. હજુ પણ લોકો ઈસુએ જે જે બધુ કર્યું તેનાથી વિસ્મિત થતા હતા. ઈસુએ તેના શિષ્યોને કહ્યું,
44. “હું હમણાં તમને જે બાબતો કહીશ તેને ભૂલશો નહિ. માણસનો દીકરો કેટલાએક માણસોના બંધનોમાં મૂકાશે.”
45. પણ શિષ્યો ઈસુના કહેવાનો અર્થ સમજી શક્યા નહિ. તેનો અર્થ તેનાથી ગુપ્ત રખાયો જેથી તેઓ તે સમજી શક્યા નહિ. પણ શિષ્યો ઈસુએ જે કહ્યું હતું તે વિષે પૂછતાં ડરતા હતા.
46. ઈસુના શિષ્યોમાં વાદવિવાદ શરું થયો કે તેમનામાંનો કોણ સૌથી વધારે મહત્વનો છે.
47. ઈસુએ તેઓ શું વિચારતા હતા તે જાણ્યું. તેથી ઈસુએ એક નાનું બાળક લઈને પોતાની બાજુમાં ઊભૂં રાખ્યું.
48. પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જે કોઈ મારે નામે આ નાનાં બાળકનો અંગીકાર કરે છે તે વ્યક્તિ મારો અંગીકાર કરે છે અને જ્યારે કોઈ વ્યક્તિ મારો અંગીકાર કરે છે, ત્યારે તે મારા મોકલનારનો પણ અંગીકાર કરે છે. તમારામાંનો એ વ્યક્તિ સૌથી મહત્વનો વ્યક્તિ છે જે નમ્ર છે.”
49. યોહાને ઉત્તર આપ્યો, “સ્વામી, અમે એક વ્યક્તિને તારા નામનો ઉપયોગ કરીને ભૂતોને લોકોમાંથી બહાર કાઢતા જોયો. અમે તેને બંધ કરવા કહ્યું, કારણ કે તે આપણા સમુદાયનો નથી.”
50. ઈસુએ યોહાનને કહ્યું, “તેને અટકાવશો નહિ. જે કોઈ તમારી વિરૂદ્ધ નથી. તે તમારા પક્ષનો જ છે.” સમરૂની શહેર
51. ઈસુને આ દુનિયા છોડીને આકાશમાં પાછા જવાનો સમય નજીક આવતો હતો ત્યારે તેણે યરૂશાલેમ જવાનો નિર્ણય કર્યો.
52. ઈસુએ પોતાની આગળ કેટલાએક માણસોને મોકલ્યા. તે માણસો ઈસુ માટે સંપૂર્ણ તૈયારી કરવા સમરૂનીઓના એક શહેરમાં ગયા.
53. પણ ત્યાના લોકોએ તેને આવકાર્યો નહિ કારણ કે તે યરૂશાલેમ જતો હતો.
54. યાકૂબ અને યોહાન, જે ઈસુના શિષ્યો હતા તેમણે આ જોયું. તેઓએ કહ્યું, “પ્રભુ, શું તું ઈચ્છે છે કે, અમે આજ્ઞા કરીએ કે આકાશમાંથી આગ વરસે અને એ લોકોનો નાશ કરે?”
55. પણ ઈસુએ પાછા ફરીને તેઓને ઠપકો આપ્યો.
56. પછી ઈસુ અને તેના શિષ્યો બીજા એક શહેરમાં ગયા.
57. તેઓ રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે કોઈ વ્યક્તિએ ઈસુને કહ્યું, “તું જે જગ્યાએ જશે ત્યાં હું તારી પાછળ આવીશ.”
58. ઈસુએ ઉત્તર આપ્યો, “લોંકડાંને રહેવા માટે દર હોય છે. પક્ષીઓને રહેવા માટે માળા હોય છે પણ માણસના દીકરાને માથું મૂકવાની જગ્યા નથી.”
59. ઈસુએ બીજા એક માણસને કહ્યું, “મારી પાછળ આવ!” પણ તે માણસે કહ્યું, “પ્રભુ, મને જવા દે અને પહેલા હું મારા પિતાને દાટું.”
60. પણ ઈસુએ તેને કહ્યું, “જે લોકો મરેલા છે તેઓને પોતાના મૃત્યુ પામેલાઓને દાટવા દે. તું જઇને દેવના રાજ્યની વાત પ્રગટ કર.”
61. બીજા એક માણસે કહ્યું, “પ્રભૂ, હું તારી પાછળ આવીશ પણ પહેલા મને મારા પરિવારમાં જઇને સલામ કરી આવવાની રજા આપ.”
62. ઈસુએ કહ્યું, “જો કોઈ વ્યક્તિ ખેતર ખેડવાનું શરૂ કરે અને પાછળ જુએ તો તે દેવના રાજ્યને માટે યોગ્ય નથી.”