Isaiah Chapter 16
1. રણમાં આવેલા સેલા નગરમાંથી મોઆબના લોકો ડુંગર પર આવેલા યરૂશાલેમમાં વસતા દેશના અમલદારોને માટે હલવાન મોકલો.
2. પોતાના માળામાંથી હાંકી કઢાયેલા પંખીઓની જેમ મોઆબના લોકો આનોર્ન નદી પાર કરવાના માર્ગે આમતેમ ભટકે છે.
3. તેઓ યહૂદાના લોકોને કહે છે, “અમને સલાહ આપો, ન્યાય કરો, મધ્યાહને તારી છાયા રાતના જેવી કર; કાઢી મૂકેલાઓને સંતાડ; શરણાથીર્ઓનો વિશ્વાસઘાત કરીશ નહિ.
4. અમને મોઆબમાંથી હાંકી કાઠવામાં આવ્યા છે, અમને તમારે ત્યાં વસવા દો. અમારો નાશ કરનાર હાથમાંથી અમારું રક્ષણ કરો.” જ્યારે અત્યાચાર બંધ પડ્યો હશે અને અન્યાયનો અંત આવ્યો હશે. અને દેશને પગતળે રોળી નાખનારાઓ જ્યારે દેશમાંથી ચાલ્યા ગયા હશે.
5. ત્યારે દાઉદનો એક વંશજ તેના સિંહાસન પર બેસશે અને તે દયા અને નિષ્ઠાપૂર્વક રાજ્ય કરશે. તે ન્યાય અને પ્રામાણિકપણે વર્તવામાં સદા તત્પર રહેશે.
6. યહૂદાના લોકો કહે છે, અમે મોઆબના ઘમંડ વિષે સાંભળ્યું છે, કેવો ભારે ઘમંડ! તેના અભિમાન, તેના અહંકાર તથા તેની ઉદ્ધતાઇ વિષે અમે સાંભળ્યું છે, પણ તેની બડાશો બધી ખોટી છે.
7. આથી, મોઆબીઓએ મોઆબ માટે આક્રંદ કરવું જ રહ્યું, ભારે આફતમાં તેઓ આવી જશે. અને કીર-હરેસેથની સૂકી દ્રાક્ષાની બાટીઓને માટે શોક કરશે.
8. કારણ, હેશ્બોનમાં ખેતરો કસ વગરનાં થઇ ગયા છે. સિબ્માહની દ્રાક્ષની વાડીઓ ખેદાનમેદાન થઇ ગઇ છે. એક સમય એવો હતો જ્યારે એ દ્રાક્ષની વાડીઓ બાલ-ગોયિમ અને યાઝેર સુધી પહોંચતી હતી. અને ત્યાંથી ઠેઠ રણ સુધી ફેલાતી હતી; અને પશ્ચિમમાં એની શાખાઓ સમુદ્રની સામે પાર સુધી પહોંચતી હતી.
9. એટલે હું યાઝેરના લોકોની સાથે સિબ્માહની દ્રાક્ષકુંજો માટે રડીશ, હે હેશ્બોન તથા એલઆલેહ, હું તને મારાં આંસુઓથી સિંચીશ, કારણ કે તમારો પાક લણનારાઓનો કલશોર સંભળાતો નથી,
10. તમારી વાડીઓમાંથી આનંદ લોપ પામ્યા છે, દ્રાક્ષકુંજોમાં ગીતો ગવાતા બંધ થઈ ગયા છે; આનંદના પોકાર કોઇ કરતું નથી, કે કોઇ દ્રાક્ષારસ બનાવવા માટે દ્રાક્ષો ગૂંદતું નથી, બધા લણનારાઓનો કલશોર શમી ગયો છે.
11. આથી મારું હૃદય મોઆબને માટે વીણાની જેમ રણજણી ઊઠે છે, અને કીર-હેરેસથને માટે મારો અંતરાત્મા કકળે છે.
12. મોઆબના લોકો પર્વત પરનાં ઉચ્ચસ્થાનકોએ પ્રાર્થના કરવા જઇને થાકી જશે, તોયે કશું વળવાનું નથી.
13. યહોવાએ ભૂતકાળમાં મોઆબ વિષે ઉચ્ચારેલાં વચનો આ પ્રમાણે છે.
14. અને હવે યહોવા કહે છે કે, “ત્રણ વર્ષ પૂરાં થતાં જ મોઆબની જાહોજલાલી તુચ્છ થઇ જશે અને તેની વસ્તી વિશાળ હોવા છતાં બહુ જ ઓછા લોકો બાકી રહેશે અને તે પણ તુચ્છ ગણાશે; શેષ બહુ થોડો સમુદાય રહેશે તે પણ વિસાત વગરનો રહેશે.”