Ezekiel Chapter 11
1. મને પવિત્ર આત્મા ઉપાડીને મંદિરના પૂર્વ દરવાજે લઇ ગયો. આ દરવાજે મેં નગરના 25 માણસો જોયાં; મેં તેઓની વચ્ચેં લોકોના સરદાર આઝઝુરના પુત્ર યાઅઝાન્યાને તથા બનાયાના પુત્ર પલાટયાને જોયા.
2. યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, આ તો તે લોકો છે, જેઓ દુષ્ટ કર્મો કરવાની યોજના ઘડનાર છે અને આખા નગરમાં દુષ્ટ સલાહ આપનાર માણસો પણ એ જ છે;
3. તેઓ એમ વિચારે છે કે, ‘આપણે થોડીવારમાં યરૂશાલેમને ફરીથી બાંધીશું, આપણું નગર લોખંડની કઢાઇ સમાન છે, આપણે એમાંનું માંસ છીએ અને તે આપણને સર્વ નુકશાનમાંથી બચાવશે.’
4. માટે, હે મનુષ્યના પુત્ર, તું એમને મારી ચેતવણી સંભળાવ.”
5. ત્યાર બાદ યહોવાનો આત્મા મારામાં આવ્યો અને યહોવાએ મને કહ્યું; “તું તેઓને કહે: આ યહોવાના વચન છે; હે ઇસ્રાએલીઓ, તમે શું કહો છો અને તમે શી યોજનાઓ ઘડો છો તે હું જાણું છું.
6. તમે ઘણા લોકોને મારી નાખ્યા છે અને તમારી શેરીઓ મૃતદેહોથી ભરી દીધી છે.
7. તેથી હું યહોવા તમારો માલિક, તમને કહું છું કે, ‘આ નગર કઢાઇ છે એ ખરું, પણ એમાનું માંસ તમે નથી; માંસ તો તમે આ શહેરમાં જે મડદાં નાખ્યાં છે તે છે; તમને તો હું એની બહાર ફેંકી દેનાર છું.
8. સર્વસમર્થ યહોવા કહે છે, તમે તરવારથી ડરો છો અને હું તમને તરવારને જ સોંપનાર છું.”‘
9. “અને હું તમને યરૂશાલેમમાંથી દૂર લઇ જઇને વિદેશીઓને સોંપી દઇશ. અને આ રીતે હું મારો ન્યાય કરીશ અને તમને સજા કરીશ.
10. તમે તમારા પોતાના દેશની હદમાં જ તરવારનો ભોગ બનશો. હું તમને સજા કરીશ, ત્યારે તમને ખબર પડશે કે હું યહોવા છું.
11. આ શહેર કઢાઇ બની તમારું રક્ષણ નહિ કરે, હું આ ઇસ્રાએલની હદમાં જ તમને સજા કરનાર છું.
12. તમે મારી આજ્ઞાઓનું પાલન કર્યું નથી પણ તમારી આસપાસ વસતી અન્ય પ્રજાઓનું અનુકરણ કર્યું છે, એટલે તમે જાણશો કે હું યહોવા છું.”
13. હું આ ચેતવણી આપતો હતો તે દરમ્યાન ત્યાં જ બનાયાનો પુત્ર પલાટયા ઢળી પડીને મરી ગયો, હું ઊંધે મોઢે ભોંય પર પડ્યો અને મેં બૂમ પાડી, “હે યહોવા મારા માલિક, તારે બાકી રહેલા બધા ઇસ્રાએલીઓનો સંપૂર્ણ વિનાશ કરવો છે?”
14. ફરીથી યહોવાએ મને આ પ્રમાણે કહ્યું,
15. “હે મનુષ્યના પુત્ર, યરૂશાલેમમાં અત્યારે જે લોકો રહે છે તે લોકો તારા વિષે અને દેશવટો ભોગવતા તારા બધા ઇસ્રાએલી જાતભાઇઓ વિષે એમ કહે છે કે, ‘એ લોકોને તો યહોવાથી દૂર કાઢવામાં આવ્યા છે; દેશ તો અમને સોંપી દેવામાં આવ્યો છે; એ અમારી મિલકત છે.”
16. “તેથી યહોવા અમારા માલિક કહે છે: ‘જો કે મેં તેઓને વિશ્વના વિવિધ દેશોમાં વિખેરી નાખ્યા છે છતાં પણ તેઓ જે દેશમાં છે ત્યાં હું તેઓને માટે એક નાના પવિત્રસ્થાનરૂપ થઇશ.
17. તેઓ જે દેશોમાં વિખેરાઇ ગયા છે ત્યાંથી હું તેઓને એકઠા કરીશ અને તેઓને ફરીથી ઇસ્રાએલનું વતન આપીશ.
18. જ્યારે તેઓ અહીં પાછા આવે ત્યારે તેમણે અહીંથી બધી ધૃણાજનક મૂર્તિઓને અને આચારોને હઠાવી દેવાના છે.
19. હું તેમનું હૃદય પરિવર્તન કરી નાખીશ અને તેમનામાં નવો આત્મા પૂરીશ, હું તેમનામાંથી પથ્થર જેવું હૃદય લઇને, તેમને માંસનું હૃદય આપીશ. પછી તેઓ મારા નિયમોનું પાલન કરશે અને મેં જણાવેલ માગેર્ ચાલશે.
20. જ્યારે તેઓ મારા નિયમોનું પાલન કરશે અને મારા બતાવેલા માર્ગ પર ચાલશે. તેઓ મારી પ્રજા થશે અને હું તેમનો દેવ થઇશ.”
21. “પરંતુ જેઓ ધૃણાજનક અપવિત્ર મૂર્તિઓની પૂજાને વળગી રહેશે, હું તેમને તેમના બધાં કૃત્યો માટે જવાબદાર ઠરાવીશ.” આ યહોવા મારા માલિકના વચન છે.
22. પછી કરૂબો ઊંચે ઊડવા લાગ્યા અને પૈડાં પણ તેમની સાથે સાથે પર ગયાં. ઇસ્રાએલના દેવનો મહિમા તેઓની પર આચ્છાદીત હતો.
23. પછી યહોવાનો મહિમા શહેર પરથી ખસીને પૂર્વ ભાગ તરફ આવેલા પર્વત પર ગયો.
24. ત્યાર બાદ સંદર્શનમાં દેવના આત્માએ મને ફરીથી ઉપાડીને બાબિલમાં દેશવટો ભોગવનારાઓ વચ્ચે લાવી મૂક્યો અને ત્યાં સંદર્શન લોપ થયું,
25. અને યહોવાએ મને જે બતાવ્યું હતું તે સર્વ મેં બંદીવાનોને કહી સંભળાવ્યું.