Acts Chapter 8
1. (1-3) શાઉલ સંમત હતો કે સ્તેફનની હત્યા કરવી એ સારી બાબત હતી.વિશ્વાસીઓ માટે સંકટોકેટલાક ધાર્મિક માણસોએ સ્તેફનને દફનાવ્યો. તેઓએ તેના માટે ઘણું રૂદન કર્યુ. તે જ દિવસે યરૂશાલેમમાં યહૂદિઓએ વિશ્વાસીઓના સમૂહની સતાવણી શરૂ કરી. યહૂદિઓએ તેઓને ખૂબ સંતાપ આપ્યો. શાઉલ પણ આ સમૂહનો વિનાશ કરવા પ્રયત્ન કરતો હતો. શાઉલ તેઓનાં ઘરોમાં ઘૂસી જતો. તે સ્ત્રી પુરુંષોને બહાર ઘસડી લાવીને બંદીખાનામાં નાખતો. બધાજ વિશ્વાસીઓએ યરૂશાલેમ છોડ્યું. માત્ર પ્રેરિતો જ રહ્યા. વિશ્વાસીઓ યહૂદિયા અને સમરૂનમાં જુદા જુદા સ્થળોએ ગયા.
2. 3. 4. વિશ્વાસીઓ સર્વત્ર વિખરાઈ ગયા. જે જે જગ્યાએ વિશ્વાસીઓ ગયા ત્યાં તેઓએ લોકોને સુવાર્તા પ્રગટ કરી.
5. ફિલિપ સમારીઆના શહેરમાં ગયો ત્યાં તેણે ઈસુ વિષે બોધ આપ્યો.
6. ત્યાંના લોકોએ ફિલિપને સાંભળ્યો અને તેઓ બધાએ ફિલિપે જે કંઈ કહ્યું તે કાળજીપૂર્વક ધ્યાનથી સાંભળ્યું.
7. આ લોકોમાંના ઘણાંને અશુદ્ધ આત્માઓ વળગ્યા હતા. પણ ફિલિપે અશુદ્ધ આત્માઓને તેઓમાંથી બહાર કાઢ્યા. જ્યારે તેઓ બહાર નીકળ્યા ત્યારે તેઓએ ઘણો મોટો અવાજ કર્યો. ત્યાં ઘણા લકવાગ્રસ્ત અને અપંગ માણસો પણ હતા. ફિલિપે આ લોકોને પણ સાજા કર્યા.
8. તે શહેરના લોકો આના કારણે ઘણા આનંદ વિભોર થયા.
9. પણ તે શહેરમાં એક સિમોન નામનો માણસ હતો. ફિલિપના આવતા પહેલા સિમોન ત્યાં જાદુના ખેલ કરતો હતો. તે સમારીઆના બધા લોકોને તેની યુકિતોથી અચરજ પમાડતો હતો. તે તેની જાતને મહાન માણસ કહેવડાવવાનો દંભ કરતો.
10. બધા જ લોકો ઓછા મહત્વના કે વધારે મહત્વના-સિમોન જે કહેતો તે માનતા. લોકો કહેતા, “આ માણસ પાસે દેવની સત્તા છે. ‘જે મહાન સત્તા’ કહેવાય છે!”
11. સિમોન તેના જાદુઇ ખેલોથી લોકોને આશ્ચર્યચકિત કરતો રહ્યો.
12. પણ ફિલિપે લોકોને દેવના રાજ્ય અને ઈસુ ખ્રિસ્તના નામ વિષે સુવાર્તા કહી, પુરુંષો અને સ્ત્રીઓએ ફિલિપમાં વિશ્વાસ મૂક્યો. તેઓએ બાપ્તિસ્મા લીધું.
13. સિમોને પોતે પણ વિશ્વાસ મૂક્યો અને બાપ્તિસ્મા પામ્યો. સિમોન ફિલિપની સાથે રહ્યો. ફિલિપે જે અદભૂત ચમત્કારો અને સાર્મથ્યવાન કાર્યો કર્યા તે જોઈ તે ઘણો નવાઈ પામ્યો.
14. પ્રેરિતો હજુ યરૂશાલેમમાં હતા. તેઓએ સાંભળ્યું કે સમારીઆના લોકોએ દેવની વાત સ્વીકારી છે તેથી પ્રેરિતોએ પિતર અને યોહાનને સમારીઆના લોકો પાસે મોકલ્યા.
15. જ્યારે પિતર અને યોહાન આવી પહોંચ્યા ત્યારે, તેઓએ સમારીઆના વિશ્વાસીઓ પવિત્ર આત્મા પામે તે માટે પ્રાર્થના કરી.
16. આ બધા લોકોને ઈસુના નામે બાપ્તિસ્મા આપ્યું. પરંતુ હજુ સુધી તેઓમાંના કોઈમાં પવિત્ર આત્મા ઉતર્યો ન હતો. તેથી પિતર અને યોહાને પ્રાર્થના કરી.
17. તે બે પ્રેરિતોએ તે લોકો પર હાથ મૂક્યા. પછી તે લોકો પવિત્ર આત્મા પામ્યા.
18. સિમોને જોયું કે જ્યારે પ્રેરિતોએ તેઓના પર તેઓના હાથ મૂક્યા ત્યારે જ તેઓને પવિત્ર આત્મા પ્રાપ્ત થયેલ છે. તેથી સિમોને પ્રેરિતોને પૈસા આપવાની દરખાસ્ત કરી.
19. સિમોને કહ્યું, “તમારા જેવો અધિકાર મને પણ આપો જેથી જ્યારે હું કોઇ માણસના માથે હાથ મૂકું તો તેને પવિત્ર આત્મા પ્રાપ્ત થાય.”
20. પિતરે સિમોનને કહ્યું, “તું અને તારા પૈસા બંને બરબાદ થઈ જશે! કારણ કે તેં વિચાર્યુ કે દેવનું દાન પૈસાથી મળે છે.
21. તું આ કામમાં અમારી સાથે ભાગ લઈ શકીશ નહિ. તારું હ્રદય દેવ સમક્ષ ન્યાયી નથી.
22. તું પસ્તાવો કર! તેં આ જે કંઈ ખરાબ કર્યુ છે ત્યાંથી તું પાછો વળ. પ્રભુને પ્રાર્થના કર. કદાચ તારા અંત:કરણના આ વિચારને તે માફ કરશે.
23. હું જોઈ શકું છું કે તું અદેખાઈની કડવાશમાં અને પાપના બંધનમાં છે.”
24. સિમોને જવાબ આપ્યો, “તમે બંને પ્રભુને મારા માટે પ્રાર્થના કરો. પ્રાર્થના કરો કે તમે જે કહ્યું છે તે હવે મારી સાથે બનશે નહિ!”
25. પછી તે બે પ્રેરિતોએ ઈસુની જે વાતો જોઈ હતી તે કહી. પ્રેરિતોએ લોકોને પ્રભુનો તે સંદેશ કહ્યો. પછી તેઓ યરૂશાલેમ પાછા ફર્યા. રસ્તામાં જતાં જતાં સમરૂનીઓમાંનાં ઘણાં ગામોમાં લોકોને સુવાર્તા પ્રગટ કરી.
26. પ્રભુના દૂતે ફિલિપને કહ્યું. તે દૂતે કહ્યું, “તૈયાર થઈ જા અને દક્ષિણમાં જા. યરૂશાલેમથી ગાઝા જવાના રસ્તેથી જા. આ રસ્તો રેતીના રણમાં થઈને જાય છે.”
27. તેથી ફિલિપ તૈયાર થઈને ગયો. રસ્તામાં તેણે એક ઈથિઓપિયાના માણસને જોયો. તે એક ખોજો હતો. તે ઈથિઓપિયા (હબશીઓ) ની રાણી કંદિકાના હાથ નીચે એક મહત્વનો અમલદાર હતો. તે તેણીના બધા ધનભંડારની કાળજી રાખવા માટે જવાબદાર હતો. આ માણસ યરૂશાલેમ ભજન કરવા ગયો હતો.
28. હવે તે તેના ઘર તરફના રસ્તે પાછો ફરી રહ્યા હતો. ત્યાં તે તેના રથમાં બેસીને યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતો હતો.
29. આત્માએ ફિલિપને કહ્યું, “પેલા રથ પાસે જા અને તેની નજીકમાં ઊભો રહે.”
30. તેથી ફિલિપ રથ નજીક ગયો. અને તે માણસને વાંચતા સાંભળ્યો. તે યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતો હતો. ફિલિપે તેને કહ્યું, “તું જે વાંચે છે તે શું તું સમજે છે?”
31. તે માણસે કહ્યું, “હું કેવી રીતે સમજી શકું? મને કોઇ માર્ગદર્શન આપનારની જરુંર છે.” પછી તેણે રથમાં આવીને તેની સાથે બેસવા નિમંત્રણ આપ્યું.
32. શાસ્ત્રનું જે પ્રકરણ વાંચતો હતો તે આ પ્રમાણે હતું કે:“ઘેટાંની જેમ તેને મારી નાંખવા માટે લઈ જવામાં આવ્યો. તે એક હલવાન જેમ જ્યારે કોઇ તેનું ઊન કાતરે ત્યારે મૌન રહે છે. તેમ તેણે પોતાનું મોંઢું ખોલ્યું નહિ. તે કંઈ જ બોલ્યો નહિ.
33. તે શરમાળ હતો, અને તેના બધા હક્કો છિનવાઈ ગયા હતા. પૃથ્વી પરના તેના જીવનનો અંત આવ્યો; તેના પરિવારના સંદર્ભમાં હવે કોઇ વર્ણન મળશે નહિ.”
34. તે અમલદારે ફિલિપને કહ્યું, “કૃપા કરીને મને કહે. તેના સંદર્ભમાં કહેનારો પ્રબોધક કોણ છે? તે તેના પોતા વિષે કહે છે કે બીજા કોઇ માટે કહે છે?”
35. ફિલિપે બોલવાનું શરું કર્યુ. તેણે આ શાસ્ત્રથી જ શરુંઆત કરીને પેલા માણસને ઈસુના સંદર્ભમાં સુવાર્તા કહી
36. જ્યારે તેઓ રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે તેઓ એક જગ્યાએ આવ્યા જ્યાં પાણી હતું. તે અમલદારે કહ્યું, “જુઓ! અહી પાણી છે! અહી બાપ્તિસ્મા લેવામાં મને કોઈ અડચણ પડે તેમ નથી.”
37. ફિલિપે જવાબ આપ્યો, “જો તું તારા સંપૂર્ણ હ્રદયથી વિશ્વાસ કરતો હોય તો તું કરી શકે. તે અમલદારે કહ્યું, “મને વિશ્વાસ છે કે ઈસુ ખ્રિસ્ત તે દેવનો દીકરો છે.”
38. પછી અમલદારે રથને ઊભો રાખવા આજ્ઞા કરી. ફિલિપ અને અમલદાર બંને પાણીમાં નીચે ઉતર્યા. અને ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું.
39. જ્યારે તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયો. અમલદારે પછી તેને ફરીથી કદી જોયો નહિ. અમલદારે તેના ઘર તરફ ચાલવા માંડ્યું. તે ખુશ હતો.
40. ફિલિપ અશ્દોદ નામના શહેરમાં જોવામાં આવ્યો. તે અશ્દોદથી કૈસરિયા સુધીના માર્ગમાં બધા શહેરમાં સુવાર્તા પ્રગટ કરતો ગયો.