Genesis Chapter 8
1. પરંતુ દેવ નૂહને ભૂલ્યા નહિ. દેવે નૂહ અને વહાણમાં તેની સાથે રહેનારાં બધાં જ પશુઓ અને પ્રાણીઓને યાદ રાખ્યા. દેવે પૃથ્વી પર પવન વહેતો કર્યો અને પાણી ઊતરી ગયાં.
2. આકાશમાંથી વરસતો વરસાદ બંધ થઈ ગયો. અને જમીનમાંથી નીચેથી વહેતાં પાણી પણ બંધ થઈ ગયાં.
3. પૃથ્વીને ડૂબાડનારાં પાણી પણ બરાબર પાછા હઠવાં લાગ્યાં. 150 દિવસ પછી પાણી ઓસરી ગયાં અને વહાણ પાછું જમીન પર આવી ગયું.
4. સાતમાં મહિનાના સત્તરમેં દિવસે વહાણ અરારાટના પર્વતો પર સ્થિર થઈ ગયું.
5. દશમાં મહિના સુધી પાણી ઓસરતાં ગયાં અને દશમાં મહિનાના પહેલા દિવસે પર્વતોનાં શિખરો દેખાવા લાગ્યાં.
6. વહાણમાં બનાવેલી બારીઓ નૂહે 40 દિવસ પછી ઉઘાડી.
7. અને નૂહે એક કાગડાને બહાર ઉડાડી મૂકયો. તે કાગડો જમીન પૂરી ન સુકાઈ ત્યાં સુધી આવજા કરતો રહ્યો.
8. ત્યારપછી નૂહે પૃથ્વી પરથી પાણી ઉતરી ગયાં છે કે, કેમ તે જોવા માંટે એક કબૂતરને મોકલ્યું.
9. કબૂતરને કયાંય આરામ કરવાની જગ્યા મળી નહિ કારણકે પૃથ્વી પર હજુ પાણી પથરાયેલું હતું. તેથી તે નૂહની પાસે વહાણમાં ઉડીને પાછું ફર્યું. નૂહે હાથ લંબાવ્યો તેને પકડયું અને વહાણમાં પાછું લાવ્યો.
10. તેણે બીજા સાત દિવસ પછી ફરીથી પેલા કબૂતરને વહાણની બહાર મોકલ્યું.
11. તે દિવસે બપોરે તે કબૂતર તેની પાસે પાછું આવ્યું, ત્યારે તેની ચાંચમાં જૈતૂનનું તાજુ પાંદડું હતું. એટલે નૂહ સમજી ગયો કે, પાણી પૃથ્વી પરથી ઓસરી ગયાં છે.
12. નૂહે સાત દિવસ પછી ફરીવાર કબૂતરને બહાર મોકલ્યું, પણ તે પાછું આવ્યું નહિ.
13. તે પછી નૂહે વહાણના દરવાજા ઉઘાડયા. ને જોયું કે, ધરતી કોરી હતી. નૂહના આયુષ્યના 601 વર્ષમાં પહેલા મહિનાની પહેલી તારીખે પૃથ્વી પરથી પાણી સુકાઈ ગયાં.
14. બીજા મહિનાની 27 મી તારીખે પૃથ્વી કોરી થઈ ગઈ.
15. ત્યારે દેવે નૂહને કહ્યું:
16. “હવે, વહાણને છોડો. તું, તારી પત્ની, તારા છોકરાઓ અને તારા છોકરાઓની પત્નીઓ સાથે વહાણમાંથી બહાર નીકળો.
17. તારી સાથે જે બધી જાતના જીવો, પંખીઓ અને પશુઓ તથા પૃથ્વી પર પેટે ચાલનારાં પ્રાણીઓ છે તે બધાંને પણ તારી સાથે બહાર લઈ આવ. જેથી તેઓ તેમનો વંશ વધારે અને પૃથ્વી પર વૃદ્વિ પામે.”
18. તેથી નૂહ, પોતાના પુત્રો, પત્ની, પુત્રવધૂઓ વગેરેની સાથે બહાર આવ્યો.
19. બધાં જ પ્રાણીઓ, બધાં જ પેટે ચાલનારા જીવો અને બધાં જ પક્ષીઓ વહાણ છોડી બહાર આવ્યાં. બધાં જ પ્રાણીઓ નર અને માંદાનાં જોડાંમાંજ બહાર આવ્યાં.
20. પછી નૂહે યહોવા માંટે એક વેદી બાંધી. તેણે કેટલાંક શુદ્ધ પક્ષીઓ અને કેટલાંક શુદ્ધ પ્રાણીઓમાંથી અમુક અમુક લઈને વેદી પર આહુતિ આપી.
21. યહોવા બલિની સુવાસથી પ્રસન્ન થયા તે મનોમન બોલી ઊઠયા કે, “મનુષ્ય નાનપણથી જ દુષ્ટ હોય છે, તેથી હું કદી મનુષ્યને કારણે ધરતીને શ્રાપ આપીશ નહિ, અને હું કદી પણ બધા જીવોનો અત્યારે કર્યો તેવો નાશ કરીશ નહિ.
22. જયાં સુધી આ પૃથ્વી રહેશે ત્યાં સુધી વાવણી અને લણણી, ઠંડી અને ગરમી, ઉનાળો અને શિયાળો અને દિવસ અને રાત ચાલુ જ રહેશે.”