1 પછી ઈસુએ કહ્યું, ‘હું તમને સત્ય કહું છું કે, તમારામાંના કેટલાએક લોકો અહીં ઊભા છે તેઓ તેમના મૃત્યુ પહેલા દેવના રાજ્યને આવતું જોશે. દેવનું રાજ્ય પરાક્રમ સાથે આવશે.’2 છ દિવસો પછી ઈસુ પિતર, યાકૂબ તથા યોહાનને લઈને એક ઊંચા પર્વત પર ગયો. તેઓ બધા ત્યાં એકલા હતા. જ્યારે શિષ્યોની નજર સમક્ષ તેનું રૂપાંતર થયું, ત્યારે3 ઈસુનાં કપડાં સફેદ ચમકતાં થયાં. કપડા બીજી વ્યક્તિ બનાવી શકે તેના કરતાં વધારે ઉજળાં હતા.4 પછી ત્યાં બે માણસો આવ્યા અને ઈસુ સાથે વાતો કરવા લાગ્યા. તે માણસો મૂસા અને એલિયા હતા.5 પિતરે ઈસુને કહ્યું, ‘ઉપદેશક, તે સારું છે કે આપણે અહીં છીએ. અહીં આપણે ત્રણ માંડવા બાંધીએ. એક તારા માટે, એક મૂસા માટે અને એક એલિયા માટે.’6 પિતરે શું કહેવું તે જાણતો ન હતો. કારણ કે તે અને બીજા બે શિષ્યો બહુ બીધા હતા.7 પછી એક વાદળ આવ્યું અને તેઓ પર છાયા કરી. વાદળમાંથી એક અવાજ આવ્યો અને કહ્યું, ‘આ મારો પુત્ર છે અને હું તેને ચાહું છું. તેને તાબે થાઓ!’8 પછી પિતર, યાકૂબ, અને યોહાને જોયું, પણ તેઆએે ફક્ત ત્યાં ઈસુને તેઓની સાથે એકલો જોયો.9 ઈસુ અને તેના શિષ્યો પર્વત પરથી નીચે પાછા ઉતરતા હતા ત્યારે ઈસુએ શિષ્યોને આજ્ઞા કરી, ‘તમે પર્વત પર જે વસ્તુઓ જોઈ છે તે વિષે કોઈ વ્યક્તિને કહેશો નહિ. માણસનો પુત્ર મૂએલામાંથી સજીવન ન થાય ત્યાં સુધી રાહ જુઓ. પછી તમે જે જોયું છે તે લોકોને કહી શકો છો.’10 તેથી શિષ્યોએ ઈસુની આજ્ઞા માની, અને તેઓએ જે જોયું હતું તે વિષે કશું કહ્યું નહિ. પણ તેઓએ મૂએલામાંથી સજીવન થવા વિષે ઈસુ શું સમજે છે તેની ચર્ચા કરી.11 શિષ્યોએ ઈસુને પૂછયું, ‘પ્રથમ એલિયાએ આવવું જોઈએ એવું શાસ્ત્રીઓ શા માટે કહે છે?’12 ઈસુએ ઉત્તર આપ્યો, ‘એલિયાએ પ્રથમ આવવું જોઈએ એ કહેવા માટે તેઓ સાચા છે. એલિયા બધી વસ્તુઓ જે રીતે હોવી જોઈએ તેવી બનાવે છે. પણ શાસ્ત્ર એવું શા માટે કહે છે કે માણસનો પુત્ર ઘણું સહન કરશે અને લોકો તેનો અસ્વીકાર કરશે?13 હું કહું છું કે એલિયા ખરેખર આવ્યો છે; અને તેના વિષે શાસ્ત્રમાં કહ્લું છે તે પ્રમાણે લોકોએ જેમ ચાહ્યું તેમ તેને કર્યુ.’14 પછી ઈસુ, પિતર, યાકૂબ અને યોહાન બીજા શિષ્યો પાસે ગયા. તેઓએ ઘણા લોકોને તેઓની આજુબાજુ જોયા. શાસ્ત્રીઓ શિષ્યો સાથે દલીલો કરતા હતા.15 જ્યારે લોકોએ ઈસુને જોયો, તેઓ વધારે અચરજ પામ્યા. તેઓ તેને આવકારવા તેની પાસે દોડી ગયા.16 ઈસુએ પૂછયું, ‘તમે શાસ્ત્રીઓ સાથે શાના વિષે દલીલો કરો છો?’17 ટોળામાંથી એક માણસે જવાબ આપ્યો, ‘ઉપદેશક, હું મારા પુત્રને તારી પાસે લાવ્યો છું. મારા પુત્રમાં શેતાનનો આત્મા તેની અંદર છે. આ અશુદ્ધ આત્મા મારા પુત્રને વાતો કરતા અટકાવે છે.18 અશુદ્ધ આત્મા મારા પુત્ર પર હુમલો કરે છે અને તેને જમીન પર ફેંકે છે. મારો પુત્ર તેના મુખમાંથી ફીણ કાઢે છે. તેના દાંત કચકચાવે છે. અને તે તવાતો જાય છે. મેં તારા શિષ્યોને અશુદ્ધ આત્માને બહાર કાઢવા માટે કહ્યું, પણ તેઓ કાઢી શક્યા નહિ.’19 ઈસુએ કહ્યું, ‘તમે લોકો વિશ્વાસ કરતા નથી! ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? છોકરાને મારી પાસે લાવો!’20 તેથી શિષ્યો તે છોકરાને ઈસુ પાસે લાવ્યા. જ્યારે દુષ્ટ આત્માએ ઈસુને જોયો, તે અશુદ્ધ આત્માએ છોકરા પર હુમલો કર્યો. તે છોકરો નીચે પડ્યો અને જમીન પર આળોટતો હતો. તેના મુખમાંથી ફીણ નીકળતું હતું.21 ઈસુએ છોકરાના પિતાને કહ્યું, ‘કેટલા લાંબા સમયથી આ છોકરાને આવું થાય છે?’ પિતાએ જવાબ આપ્યો, ‘તે ઘણો નાનો હતો ત્યારથી.22 તે અશુદ્ધ આત્માએ તેને ઘણી વખત મારી નાખવા માટે અગ્નિમાં તથા પાણીમાં નાખ્યો હતો. જો તું તેને માટે કશું કરી શકે તો કૃપા કરીને અમારા પર દયા કરી અને અમને મદદ કર.’23 ઈસુએ પિતાને કહ્યું, “તેં કહ્યું કે, ‘શક્ય હોય તો મદદ કર.’ જે વ્યક્તિ વિશ્વાસ કરે છે તેના માટે બધી વસ્તુઓ શક્ય છે.’24 પિતા ઘણો ઉત્તેજિત થયો. તેણે કહ્યું, ‘હું જરુંર વિશ્વાસ કરું છું. મને વધારે વિશ્વાસી બનાવામાં મદદ કર!”25 ઈસુએ જોયું કે બધા જે લોકો ત્યા શું બની રહ્યું છે તે જોવા માટે દોડતા હતા તેથી ઈસુએ અશુદ્ધ આત્માને કહ્યું, ‘ઓ અશુદ્ધ આત્મા, તું આ છોકરાને બહેરો બનાવે છે અને તેને વાત કરતાં અટકાવે છે-હું તને આ છોકરામાંથી બહાર આવવાને અને કદાપિ તેનામાં નહિ પ્રવેશવા હુકમ કરું છું!’26 તે અશુદ્ધ આત્માએ ચીસ પાડી. તે આત્માએ તે છોકરાને ફરીથી જમીન પર પાડ્યો. અને પછી તે અશુદ્ધ આત્મા બહાર નીકળી ગયો. તે છોકરો મરી ગયો હતો એવું દેખાયું. ઘણાં લોકોએ કહ્યું, ‘તે મૃત્યુ પામ્યો છે!’27 પરંતુ ઈસુએ તે છોકરાનો હાથ પકડ્યો અને તેને ઊભો થવામાં મદદ કરી.28 ઈસુ ઘરમાં ગયો. ત્યાં તેની સાથે તેના શિષ્યો એકલા હતા. તેઓએ તેને પૂછયું ‘અમે શા માટે અશુદ્ધ આત્માને બહાર કાઢી શક્યા નહિ?’29 ઈસુએ ઉત્તર આપ્યો, ‘આ પ્રકારના આત્માને ફક્ત પ્રાર્થનાના ઉપયોગ દ્ધારા જ બહાર કાઢી શકાય છે.’30 પછી ઈસુ અને તેના શિષ્યોએ તે જગ્યા છોડી. તેઓ ગાલીલમાં થઈને ગયા. ઈસુ ક્યાં હતો તે લોકો જાણે એમ ઈચ્છતો ન હતો.31 ઈસુ તેના શિષ્યોને એકલાને ઉપદેશ આપવા ઈચ્છતો હતો. ઈસુએ તેઓને કહ્યું, ‘માણસનો દિકરો લોકોને સોંપવામાં આવશે. તેઓ તેને મારી નાખશે. મારી નાખ્યા પછી, ત્રણ દિવસ પછી તે મૃત્યુમાંથી સજીવન થશે.’32 પરંતુ ઈસુ જે કહેવા માગતો હતો તે શિષ્યો સમજ્યા નહિ, અને તેઓ તેણે શું અર્થ કર્યો છે એ પૂછતાં ડરતા હતા.33 ઈસુ અને તેના શિષ્યો કફર-નહૂમ ગયા. તેઓ એક ઘરમાં ગયા. પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું. ‘મેં આજે રસ્તા પર તમને દલીલો કરતાં સાંભળ્યા. તમે શાના વિષે દલીલો કરતા હતા?’34 પરંતુ શિષ્યો શાંત રહ્યાં. કારણ કે રસ્તામાં તેઓ અંદર અંદર સૌથી મોટો કોણ હતો તે અંગેનો વિવાદ કરતા હતા.35 ઈસુ નીચે બેઠો અને બાર પ્રેરિતોને તેની પાસે બોલાવ્યા. ઈસુએ કહ્યું, ‘જો કોઈ વ્યક્તિની ઈચ્છા સૌથી વધારે મહત્વના વ્યક્તિ બનવાની હોય તો પછી તેણે બીજા દરેક લોકોને તેના કરતા વધારે મહત્વના ગણવા જોઈએ. તે વ્યક્તિએ બીજા બધા લોકોની સેવા કરવી જોઈએ.’36 પછી ઈસુએ એક નાનું બાળક લીધું. ઈસુએ બાળકને શિષ્યો આગળ ઊભું રાખ્યું. ઈસુએ તે બાળકને તેના ખોળામાં લીધું અને કહ્યું,37 ‘જો કોઈ વ્યક્તિ મારા નામે આ નાના બાળકોને સ્વીકાર કરશે તો તે વ્યક્તિ મને પણ સ્વીકારે છે. અને જો વ્યક્તિ મને સ્વીકારે છે તો પછી તે વ્યક્તિ મને મોકલનારને (દેવને) પણ સ્વીકારે છે.’38 પછી ઈસુએ કહ્યું, ‘ઉપદેશક, અમે તારા નામનો ઉપયોગ કરીને એક વ્યક્તિને ભૂતને બહાર કાઢતાં દીઠો. તે આપણા જૂથનો ન હતો. તેથી અમે તેને તે બંધ કરવા કહ્યું.’39 ઈસુએ કહ્યું, ‘તેને રોકશો નહિ, જે કોઈ વ્યક્તિ પરાક્રમ કરવા મારા નામનો ઉપયોગ કરે છે તે મારા વિષે ખરાબ કહેશે નહિ.40 જે વ્યક્તિ આપણી વિરૂદ્ધ નથી તે આપણા પક્ષનો છે.41 હું તને સત્ય કહું છું, જે કોઈ વ્યક્તિ તને પીવાનું પાણી આપીને મદદ કરે છે કારણ કે તું ખ્રિસ્તનો શિષ્ય છે, તો તે વ્યક્તિ ખરેખર તેનો બદલો પ્રાપ્ત કરશે.’42 ‘જો આ નાના બાળકોમાંનો એક મારામાં વિશ્વાસ કરે અને બીજી એક વ્યક્તિ તે બાળકને પાપ કરવા કારણરૂપ બને, તો તે વ્યક્તિ માટે તે ઘણું ખરાબ હશે. તે વ્યક્તિ તેના ગળે ઘંટીનું પડ બાંધીને દરિયામાં જાતે ડૂબી જાય તે વધારે સારું છે.43(43-44) જો તારો હાથ તને પાપ કરાવે તો તે કાપી નાખ. તારા માટે તારા શરીરનો ભાગ ગુમાવવો એ વધારે સારું છે, પરંતુ જીવન તો સદા માટે રહેશે. બે હાથો સાથે નરકમાં જવું તેના કરતાં તે વધારે સારું છે. તે જગ્યામાં કદાપિ અગ્નિ હોલવાતો નથી.4445(45-46) જો તારો પગ તને પાપ કરાવે, તો તેને કાપી નાખ. તારા માટે તારા શરીરનો ભાગ ગુમાવવો તે વધારે સારું છે. પણ જીવન તો સદાય રહે. બે પગો સાથે નરકમાં ફેંકવામાં આવે તેના કરતાં તે વધારે સારું છે.4647 જો તારી આંખ તને પાપ કરાવે તો તેને બહાર કાઢી નાખ, તારી પાસે ફક્ત એક આંખ હોવી વધારે સારું છે. પણ જીવન તો સદાય રહે. બે આંખો સાથે નરકમાં ફેકવામાં આવે તેના કરતાં તે એક આંખ સાથે દેવના રાજ્યમાં પ્રવેશ કરવો તે વધારે સારું છે.48 નરકમાં લોકોને જે જંતુઓ ખાય તે કદાપિ મરતા નથી. નરકમાં અગ્નિ કદાપિ હોલવાતો નથી.49 ‘પ્રત્યેક વ્યક્તિ અગ્નિ વડે શિક્ષા પામશે.’50 ‘મીઠું એ સારું છે. પરંતુ મીઠું તેનો ખારો સ્વાદ ગુમાવે પછી તમે તેને ફરીથી ખારું બનાવી શકતા નથી. તેથી ભલાઇથી પૂર્ણ બનો અને એકબીજા સાથે શાંતિ રાખો.’