1 એક વખત વિશ્રામવારના દિવસે ઈસુ અનાજના ખેતરોમાંથી પસાર થતો હતો. ત્યારે તેના શિષ્યો અનાજના કણસલાં તોડીને હાથમાં મસળીને ખાતા હતાં.2 કેટલાએક ફરોશીઓએ પૂછયું, “વિશ્રામવારના દિવસે મૂસાના નિયમાનુસાર જે કાર્ય કરવું મંજૂર કરેલ નથી તે શા માટે કરો છો?”3 ઈસુએ પ્રત્યુત્તર આપ્યો, “દાઉદે શું કર્યું જ્યારે તે અને તેની સાથેનાં માણસો ભૂખ્યા હતા. તે શું તમે વાંચ્યું નથી?4 દાઉદ દેવના મંદિરમાં ગયો અને દેવને અર્પિત થયેલી રોટલી મૂસાના નિયમ પ્રમાણે યાજકો સિવાય બીજો કોઈ ખાઇ શકે નહિ તે રોટલી તેણે ખાધી હતી અને તેમાંથી રોટલીનો થોડો થોડો ટૂકડો તેની સાથેના લોકોને આપ્યો હતો.”5 પછી ઈસુએ ફરોશીઓને કહ્યું કે, “માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.”6 બીજા એક વિશ્રામવારે ઈસુ જ્યારે સભાસ્થાનમાં બોધ આપતો હતો ત્યારે જેનો જમણો હાથ સુકાઈ ગયો હતો તેવો માણસ ત્યાં હતો.7 વિશ્રામવાર હોવાથી ઈસુ તેને સાજો કરે છે કે નહિ, તે જોવા માટે શાસ્ત્રીઓ અને ફરોશીઓ આતુર હતા. તેઓ ધ્યાનથી જોઈ રહ્યાં હતા જેથી તેઓને ઈસુને દોષિત ઠરાવવા માટે કારણ મળે.8 પણ સુ તે લોકોના વિચારો જાણતો હતો. તેથી તેણે જેનો હાથ સુકાઈ ગયેલો હતો તે માણસને બોલાવીને કહ્યું, “ઊઠ અને વચમાં જઇને ઊભો રહે.” તેથી તે ઊઠ્યો અને વચમાં જઇને ઊભો રહ્યો.9 ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને પૂછું છું કે વિશ્રામવારના દિવસે કોઈનું, ભલું કરવું યોગ્ય છે કે માઠું કરવું, કોઈની જીવન બચાવવું કે તેનો નાશ કરવો, એ બેમાંથી શું યોગ્ય છે?”10 ઈસુએ ત્યારબાદ ચારેબાજુ લોકો પર નજર ફેરવીને તે માણસને કહ્યું કે, “તારો હાથ લંબાવ,” તેણે ઈસુની આજ્ઞાનું પાલન કર્યુ અને તેનો હાથ ફરીથી સાજો થઈ ગયો.11 પરંતુ આ જોઈને શાસ્ત્રીઓ અને ફરોશીઓ ગુસ્સે થયા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા કે, “હવે ઈસુનું આપણે શું કરીએ?”12 તે દિવસો દરમ્યાન ઈસુ પ્રાર્થના કરવા માટે પહાડ પર ગયો. અને તેણે આખી રાત દેવની પ્રાર્થનામાં વિતાવી.13 અને પછી જ્યારે પ્રભાત થયું ત્યારે તેણે પોતાના શિષ્યોને બોલાવીને ચેઓનામાંથી બારની પસંદગી કરી અને તેઓને “પ્રેરિતો” નામ આપ્યું.14 એટલે સિમોન (ઈસુએ તેનું નામ પિતર પાડ્યું) અને તેના ભાઈ આંન્દ્ધિયાને, યાકૂબ તથા યોહાનને, ફિલિપને તથા બર્થોલ્મીને,15 માથ્થીને તથા થોમાને, યાકૂબને (અલ્ફીના દીકરો) તથા સિમોન, જેને ઝેલોટીસ કહેતા હતા. તેને,16 યહૂદા (યાકૂબનો દીકરો) આ યહૂદા ઇશ્કરિયોત હતો જેણે ઈસુને તેના દુશ્મનોને સોંપ્યો.17 ઈસુ અને પ્રેરિતો પહાડ પરથી નીચે ઉતર્યાને ઈસુ સપાટ મેદાનમાં આવીને ઊભો રહ્યો. ત્યાં મોટા સમૂહમાં તેના શિષ્યો હતા. અને સમગ્ર યહૂદિયામાંના તથા યરૂશાલેમના અને તૂર તથા સિદોનના સમુદ્ધકિનારાના ઘણા લોકો મોટા સમૂહમાં હતા.18 જેઓ ભેગા થયા હતા તે તેનો ઉપદેશ સાંભળવા તથા તેઓના રોગોમાંથી સાજા થવા માટે આવ્યા હતા. તે લોકો અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા. ઈસુએ તે બધા લોકોને સાજા કર્યા.19 બધાજ લોકો ઈસુને સ્પર્શ કરવા કોશિશ કરતાં હતા, કારણ કે તેનામાંથી જે પરાક્રમ નીકળી રહ્યુ હતુ તેનાથી દરેક સાજા થયા હતા!20 ઈસુ તેના શિષ્યો તરફ જોતાં જોતાં બોલ્યો, “તમે લોકો જે ગરીબ છો, તે સૌને ધન્ય છે, કારણ કે દેવનું રાજ્ય તમારુંછે.21 તમે જે હમણાં ભૂખ્યા છો, તેઓને પણ ધન્ય છે, કારણ કે તમે પણ તૃપ્ત થવાના છો. આજે તમે રડો છો, તમને પણ ધન્ય છે, કારણ કે તમે હસશો.22 “માણસના દીકરાને કારણે લોકો તમને તેમના જૂથમાંથી હાંકી કાઢશે, તમારા નામની નિંદા કરશે, તમારી બદનામી કરશે ત્યારે પણ તમને ધન્ય છે.23 એવું બને તે દિવસે તમે આનંદમગ્ર બનીને નાચી ઊઠજો, કારણ કે આકાશમાં તમને મોટો બદલો પ્રાપ્ત થશે. કારણ કે તેઓના બાપદાદાઓએ પણ આ પ્રબોધકો સાથે આ જ રીતે વ્યવહાર કર્યા છે.24 “પણ હે ધનવાનો, તમને અફસોસ છે, કારણ કે તમારી સુખસંપત્તિ આ જીવન માટે જ છે.25 અને એ લોકો અત્યારે જે સંતુષ્ટો છે તેમને પણ અફસોસ છે, કારણ કે તમારો ભૂખે મરવાનો સમય આવનાર છે, અને હાલમાં હસનારાઓ, તમને અફસોસ છે, કારણ કે તમે શોક કરવાના છો અને રડવાના છો.26 “જ્યારે બધાજ લોકો તમારું સારું કહેશે ત્યારે તમને અફસોસ છે કારણ કે તેઓના બાપદાદાઓ પણ હંમેશા જૂઠા પ્રબોધકો માટે આવી જ પ્રસંશા કરતા હતા.27 “હું જે લોકો મને ધ્યાનથી સાંભળે છે તે સૌ સાંભળનારાઓને કહું છું, તમારા વૈરીઓને પ્રેમ કરો. જેઓ તમારો તિરસ્કાર કરે તેઓનું પણ ભલું કરો.28 જેઓ તમારું ખરાબ ઈચ્છે તેઓનું પણ તમે સારું ઈચ્છો. જેઓ તમારું અપમાન કરે છે તેઓના ભલા માટે પ્રાર્થના કરો.29 જો કોઈ તમારા એક ગાલ પર તમાચો મારે તો તમે તેની આગળ બીજો ગાલ ધરો.30 દરેક વ્યક્તિને તે જે માગે તે આપો. જ્યારે તમારી પાસેથી કોઈ તમારો કોટ લઈ જાય તો તમારું ખમીસ પણ લઈ જવા દો. તેની પાસેથી તે પાછું માગશો નહિ.31 જેમ તમે ઈચ્છા રાખો છો કે બીજાઓ તમારા માટે કરે તેમજ તમે પણ તેઓના માટે તેવું કરો.32 “જો તમે, તમને જે ચાહે છે તે લોકોને જ ચાહો તો તેમાં તમારી મહેરબાની શાની? કારણ કે પાપીઓ પણ તેમના પર પ્રેમ કરનારાઓને ચાહે છે!33 જે લોકો તમારુંભલું કરે છે, ફક્ત તે લોકોનું જ તમે ભલુ કરો તો તેમ કરવા માટે તમને વધારે પ્રસંશા મળે ખરી? ના! પાપીઓ પણ એમ જ કરે છે!34 હંમેશા જેઓની પાસેથી તમે પાછું લેવાની આશા રાખો, તેઓને જ તમે ઊછીનું આપો, તો તેમાં તમારી મહેરબાની શાની? ના! પાપીઓ પણ પાછું લેવા માટે પાપીઓને ઊછીનું આપે છે!35 “તેથી તમારા વૈરીઓને પણ પ્રીતિ કરો. તેઓનું ભલું કરો. અને કંઈ પણ પાછું મેળવવાની આશા વિના તમે ઉછીનું આપો. જો તમે આમ કરશો તો તમને તેનો બદલો મળશે. અને તમે પરાત્પરના દીકરાઓ થશો. હા કારણ કે દેવ, અનુપકારીઓ તથા દુષ્ટ લોકો પર પણ માયાળું છે.36 તેથી જેમ તમારો બાપ પ્રેમ અને દયા આપે છે તેમ તમે પણ પ્રેમ અને દયા દર્શાવો.37 “બીજા લોકોનો ન્યાય તમે ના કરો. એટલે તમારો ન્યાય પણ થશે નહિ. બીજા લોકોનો તિરસ્કાર ના કરો. એટલે કોઈ તમારો તિરસ્કાર કરશે નહિ. બીજા લોકોને માફ કરો તેથી તમને માફી મળશે.38 બીજા લોકોને આપો એટલે તમને મળશે. તમે તમારા હાથમાં પકડો તેના કરતાં પણ વધુ મેળવા શકશો. તમને એટલું બધું આપવામાં આવશે જેથી તમારો ખોળો પણ ઊભરાઇ જશે. કારણ કે તમે જે રીતે બીજા લોકોને આપો છો તે જ રીતે દેવ તમને આપશે.”39 ઈસુએ તેમને આ દષ્ટાંત કહ્યું, “શું એક આંધળો બીજા આંધળાને દોરી શકે? ના! તેઓ બંને ખાડામાં પડશે.40 વિધાર્થી પોતાના શિક્ષક કરતા મોટો નથી. પરંતુ જ્યારે વિધાર્થી સંપૂર્ણ રીતે વિદ્ધાન બનશે ત્યારે તે તેના શિક્ષક જેવો બનશે.41 “શા માટે તમે તમારા ભાઈની આંખમાં પડેલા નાના ધૂળના રજકણનું ધ્યાન રાખો છો, પણ તમે તમારી આંખમાં પડેલા મોટા ભારોટિયાને તમે નથી જોતા?42 તમે તમારા ભાઈને કહો છો, “ભાઈ, તારી આંખમાંથી મને નાની ધૂળની રજકણ કાઢી નાખવા દે. તમે આવું શા માટે કહો છો? તમે તમારી પોતાની, આંખમાંનો મોટો ભારોટિયો પણ જોઈ શકતા નથી. તમે એક ઢોંગી છો. પહેલા તમે તમારી પોતાની આંખમાંથી મોટા ભારોટિયાને બહાર કાઢો. પછી તમે તમારા ભાઈની આંખમાંથી ધૂળ કાઢવાનું સ્પષ્ટ જોઈ શકશો.43 “એક સારું વૃક્ષ ખરાબ ફળ આપતું નથી, તેમ એક ખરાબ વૃક્ષ સારું ફળ આપતું નથી.44 પ્રત્યેક વૃક્ષ જે પોતે જે ફળ આપે છે તેનાથી ઓળખાય છે. લોકો કાંટાના ઝાડ પરથી અંજીર ભેગા કરતા નથી. અને ઊંટકટા પરથી દ્ધાક્ષ મેળવતા નથી!45 સારા માણસના હ્રદયમાં સારી વસ્તુઓ સાચવેલી હોય છે તેથી તેના હ્રદયમાંથી સારી વસ્તુઓ બહાર આવે છે. પરંતુ દુષ્ટ માણસના હ્રદયમાં ખરાબ વસ્તુઓ સાચવેલી હોય છે. તેથી તે ખરાબ વસ્તુઓ બહાર કાઢે છે. કારણ કે વ્યક્તિ તેના હ્રદયમાં જે કાંઇ ભરેલું હોય છે તે જ બોલે છે.46 “તમે મને પ્રભુ, પ્રભુ, શા માટે કહો છો, અને હું જે કહું છું તે શા માટે કરતા નથી?47 પ્રત્યેક માણસ જે મારી પાસે આવે છે અને મારા શબ્દો ધ્યાનથી સાંભળે છે અને તેનું પાલન કરે છે તે કોના જેવો છે, એ હું તમને બતાવીશ:48 તે એક મકાન બંાધનારમાણસ જેવો છે. જે ઊડું ખોદે છે અને મજબૂત ખડક પર મકાન બાંધે છે જ્યારે રેલ આવે છે ત્યારે પાણી મકાનને તાણી જવા પ્રયત્ન કરે છે. પરંતુ રેલ ઘરને હલાવી શકતી નથી, કારણ કે મકાન સારી રીતે (મજબૂત) બંાધેલું હતું.49 “પરંતુ જે માણસ સારા શબ્દો ધ્યાનથી સાંભળે છે પરંતુ તેનું પાલન કરતો નથી તે મજબૂત ખડક પર મકાન નહિ બાંધનાર માણસ જેવો છે. જ્યારે રેલ આવે છે ત્યારે મકાન તરત જ નીચે પડી જાય છે. અને મકાન સંપૂર્ણ નાશ પામે છે.”