Song of Solomon Chapter 4
1. તું કેવી સુંદર અને મનોહર છે; મારી પ્રિયતમા! તારા બુરખા પાછળ તારી કબૂતર જેવી આંખો છે; તારા ચહેરા પર લટકતી કેશની લટો જાણે ગિલયાદ પર્વતના ઢાળ પરથી નીચે આવતાં બકરાંના ટોળા જેવા લાગે છે!
2. તારા દાંત તરતની કતરાયેલ અને ધોયેલ ઘેટીના જેવા સફેદ છે. પ્રત્યેક ઘેટીને છે બબ્બે બચ્ચાં, કોઇ નથી અહીં એકલી.
3. તારા હોઠ લાલ રંગના રેશમના તાંતણા જેવા છે, ને કેવું સુંદર છે તારું મુખ! તારા બુરખાની પાછળ, તારા ગાલ દાડમના અડધિયા જેવા દેખાય છે!
4. શસ્રગૃહ થવા માટે બાંધેલો દાઉદનો બુરજ, જેમા હજારો ઢાલો એટલે યોદ્ધાઓની સર્વ ઢાલો લટકાવેલી છે, તેના જેવી છે ગરદન તારી.
5. સફેદ કમળોની વચ્ચે ચારો ચરતાં હરણના જોડીયાં બચ્ચાં જેવાં છે, જાણે બંન્ને સ્તન તારા.
6. દિવસ આથમે અને ઓળા ઉતરી જાય ત્યાં સુધી હું કસ્તૂરી અને લોબાનની સુગંધ ધરાવતા પર્વતો પર જઇશ.
7. તું અતિ સુંદર છે મારી પ્રીતમા, તારા અંગમા કોઇ ખોડ નથી.
8. હે મારી નવોઢા, લબાનોનથી તું આવ મારી સાથે; આપણે આમાનાહ પર્વતના શિખર પર જઇએ અને સનીરની ટોચ પરથી નિહાળીશું; આપણે હેમોર્ન પર્વતની ટોચ પરથી નીચે જ્યાં સિંહોના રહેઠાણ છે ત્યાં ચિત્તાઓ શિકારની શોધમાં ફરે છે.
9. હે મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા, તેં મારું હૃદય હરી લીધું છે. હું તારી આકર્ષક આંખોથી અને તારા ગળાના હારના એક મણકાથી સંમોહિત થઇ ગયો છું.
10. મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા, તારો પ્રેમ કેવો મધુર છે! સાચે જ તે દ્રાક્ષારસથીય વધુ મધુર છે, તારા પ્રેમની સુવાસ કોઇ પણ સુગંધિત દ્રવ્યો કરતાં વધારે મધુર છે.
11. મારી નવોઢા, મધપૂડાની જેમ ટપકે છે મીઠાશ તારા હોઠમાંથી; તારી જીભ તળે મધને દૂધ છે; અને તારા વસ્રોની ખુશ્બો લબાનોનના દેવદારોના વૃક્ષોની ખૂશ્બો જેવી છે.
12. મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા, તું બંધ કરેલી વાડી; બાંધી દીધેલો ઝરો, અથવા પૂરી દીધેલાં કૂવા જેવી છે!
13. તું જાણે દાડમડીઓના બગીચા જેવી છે જેમાં મેંહદીના છોડવાઓ અને મધુર સુગંધિત મૂળિયાઓ છે.
14. કેશર, તજ, મધુર સુગંધી વૃક્ષો અને સર્વ પ્રકારના શ્રે તેજાના પણ ખરા.
15. તું બાગમાંના ફુવારા જેવી, નદીના વહેતાં પાણી જેવી, તથા લબાનોનના વહેતાં ઝરણાં જેવી છે.
16. હે ઉત્તરના વાયુ, તું જાગૃત થા, અને હે દક્ષિણના વાયુ, તું આવ, મારા બગીચામાં થઇને તું પસાર થા, જેથી તેની સુવાસ સર્વત્ર ફેલાય, મારો પ્રીતમ પોતાના બગીચામાં આવે અને તેના શ્રે ફળો આરોગે.