1 Corinthians Chapter 10
1. ભાઈઓ અને બહેનો, આપણા પૂર્વજો કે જે મૂસાને અનુસરેલા તેઓને સાથે શું બન્યું હતું, તે તમે જાણો તેમ હું ઈચ્છું છું. તેઓ બધા એક વાદળ નીચે હતા અને તેઓ દરિયો પસાર કરી ગયા.
2. મૂસામાં તે બધાજ લોકો વાદળ અને દરિયામાં બાપ્તિસ્મા પામ્યા હતા.
3. તેઓ બધાએ એ જ આત્મિક અન્ન ખાધું હતું.
4. તેઓ બધાએ એક સમાન આત્મિક પીણું પીધું હતું. તેઓએ તેઓની સાથે રહેલા આત્મિક ખડકમાંથી પીણું પીધું હતું. તે ખડક ખ્રિસ્ત હતો.
5. પરંતુ દેવ મોટા ભાગના લોકોથી સંતુષ્ટ ન હતો. તેઓને રણપ્રદેશમાં મારી નાખવામાં આવ્યા.
6. આ બાબતો જે બની તે આપણા માટે ઉદાહરણરૂપ છે. આ ઉદાહરણોએ આપણને પેલા લોકોની જેમ દુષ્ટ કામો કરવાની ઈચ્છામાંથી રોકવા જોઈએ, જે તે લોકોએ કર્યા.
7. મૂર્તિઓની ઉપાસના ન કરશો જેમ પેલા લોકોએ કરેલી. એવું શાસ્ત્રલેખમાં લખેલું છે કે: “લોકો ખાવા-પીવા માટે નીચે બેઠા. લોકો નૃત્ય માટે ઊભા થયા.”
8. આપણે વ્યભિચારના પાપો જે તેમાંના કેટલાએક લોકોએ કર્યા તે નહિ કરવા જોઈએ. તેઓના પાપોને કારણે એક જ દિવસમાં તેઓમાંના 23,000 લોકો મૃત્યુ પામ્યા.
9. તેઓમાંના કેટલાએકે જેમ કર્યુ તેમ આપણે પ્રભુનું પરીક્ષણ ન કરવું જોઈએ. તેઓ સર્પો દ્વારા મૃત્યુ પામ્યા કારણ કે તેઓએ પ્રભુનું પરીક્ષણ કર્યુ હતું.
10. અને તેઓમાંના કેટલાએક લોકોએ ફરિયાદ કરેલી તેમ ન કરો. તે લોકોને જે વિનાશકર્તા છે એવા દૂત દ્વારા તેમને મારી નાખવામાં આવેલા હતા.
11. જે ઘટનાઓ પેલા લોકો સાથે ઘટી હતી તે ઉદાહરણરુંપ છે. અને તે બાબતો આપણા માટે ચેતવણીરૂપે લખાઈ હતી. આપણે એવા સમયગાળામાં અત્યારે રહીએ છીએ કે જ્યારે ભૂતકાળના દરેક ઈતિહાસની સમાપ્તિને આરે આવી પહોંચ્ચા છે.
12. તેથી જે વ્યક્તિ માને છે કે તે સ્થિર ઊભો રહી શકે છે તેણે નીચે પડી ન જવાય તેની સંભાળ રાખવી જોઈએ.
13. બધા લોકો પર જે પરીક્ષણ આવે છે તે જ પરીક્ષણો તમારા પર પણ આવે છે. પરંતુ તમે દેવમાં ભરોસો રાખી શકો છો. તમારી સહનશક્તિની સીમા બહાર તે તમને વધારે પરીક્ષણમાં પડવા દેશે નહિ. પરંતુ જ્યારે તમે પરીક્ષણમાં પડો, ત્યારે તે પરીક્ષણમાંથી છટકવા માટેનો રસ્તો પણ દેવ જ તમને બતાવશે, તેથી તમે સહન કરી શકો.
14. તેથી મારા પ્રિય મિત્રો, મૂર્તિપૂજાથી દૂર રહો.
15. તમે બુદ્ધિશાળી લોકો છો એમ માનીને હું તમારી સાથે વાતચીત કરી રહ્યો છું; હું જે કઈ કહી રહ્યો છું તે તમે તમારી જાતે જ મૂલવો.
16. આશીર્વાદનો પ્યાલો કે જેને માટે આપણે આભારી છીએ, તે ખ્રિસ્તના રક્તના સહભાગી થવા માટે છે, ખરુંને? અને રોટલી કે જે આપણે તોડીએ છે તે ખ્રિસ્તના શરીરના સહભાગી થવા માટે છે, ખરુંને?
17. રોટલીનો ત્યાં એક જ ટુકડો છે, અને આપણે ઘણા માણસો છીએ. પરંતુ આપણે બધા તે એક રોટલીના ટુકડાને વહેંચીએ છીએ. તેથી ખરેખર તો આપણે એક શરીર જ છીએ.
18. ઈસ્રાએલના લોકો વિષે વિચાર કરો. એ લોકો કે જે વેદી પર ચડાવેલા યજ્ઞાર્પણો ખાય છે. તેઓ વેદીના ભાગીદાર છે, શું તેઓ આમ નથી કરતા?
19. હું એમ કહેવા નથી માગતો કે મૂર્તિને ચડાવેલું નૈવેદ કોઈ મહત્વની વસ્તુ છે અને મૂર્તિ કઈક છે એવું તો હું જરાપણ કહેવા નથી માગતો. ના!
20. પરંતુ હું કહું છું કે મૂર્તિને લોકો જે વસ્તુઓનું બલિદાન ચડાવે છે તે તો ભૂતપિશાચોને ચડાવેલું બલિદાન છે, નહિ કે દેવને, અને ભૂતપિશાચો સાથે કોઈ પણ બાબતમાં તમારી ભાગીદારી હું ઈચ્છતો નથી.
21. તમે પ્રભુના પ્યાલા સાથે ભૂતપિશાચોનો પ્યાલો પી શક્તા નથી. તમે પ્રભુના તેમ જ ભૂતપિશાચોના મેજના સહભાગી થઈ શકો નહિ.
22. શું આપણે પ્રભુને ઈર્ષ્યાળુ બનાવવા માગીએ છીએ? શું આપણે તેનાથી વધુ જોરાવર છીએ? ના!
23. હા, “બધી જ વસ્તુઓ મંજૂર છે.” પણ બધી જ વસ્તુઓ સારી નથી. હા. “બધી જ વસ્તુની પરવાનગી છે.” પરંતુ કેટલીક વસ્તુઓ બીજાઓને વધારે શક્તિશાળી બનવામાં ઉપયોગી થતી નથી.
24. કોઈ પણ વ્યક્તિએ માત્ર તેની જાતને જ મદદરુંપ થાય તેવું કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. અન્યને મદદરુંપ થાય તેવું કરવાનો તેણે પ્રયત્ન કરવો જોઈએ.
25. જે કઈ બજારમાં માંસ વેચાતું હોય તે પ્રેરબુદ્ધિથી આત્મા કહે કે તે તમારે ખાવાને યોગ્ય હોય તો કોઈ પણ પ્રશ્ન તે માંસ વિષે પૂછયા વિના ખાઓ.
26. તમે તે ખાઈ શકો કારણ કે, “પૃથ્વી અને પૃથ્વીની અંદરની દરેક વસ્તુ પ્રભુની છે.”
27. વ્યક્તિ કે જે વિશ્વાસી નથી તે તમને તેની સાથે જમવાનું આમંત્રણ આપે. જો તમે જવા ઈચ્છતા હો તો તમારી આગળ જે કઈ મૂકવામાં આવે તે તમે જમો. તમારા મતે અમુક વસ્તુ ખાવી યોગ્ય છે તે દર્શાવવા પ્રશ્નો ન પૂછો.
28. પરંતુ એક વ્યક્તિ જો તમને કહે, “કે આ ખોરાક મૂર્તિને ઘરવામાં આવેલો હતો.” તો તે ખોરાક ખાશો નહિ. તે ખાશો નહિ. શા માટે? કારણ કે તમને જે વ્યક્તિએ કહ્યું તેના વિશ્વાસને તમે આંચ પહોંચાડવા નથી માગતા. અને તે જ સમયે, લોકો માને છે કે અર્પણ કરેલું ખાવું તે ખોટું છે.
29. હું એમ નથી કહેતો કે તમારા મતે તે ખોટું છે. પરંતુ અન્ય વ્યક્તિ માને છે કે તે ખોટું છે. આ એક જ કારણે હું તે માંસ ન ખાઉ. મારી પોતાની સ્વતંત્રતા અન્ય વ્યક્તિ વિચારે તે રીતે મૂલવાવી ન જોઈએ.
30. હું ત્ર્ક્ષણી થઈને ભોજન જમું છું. અને તેથી જે વસ્તુ માટે હું દેવનો ત્ર્ક્ષણી છું તેના માટે હું ટીકાને પાત્ર થવા નથી માગતો.
31. તેથી તમે ખાઓ કે તમે પીવો કે તમે જે કઈ કરો, તે દેવના મહિમા માટે કરો.
32. એવું કઈ પણ ન કરો કે જે બીજા લોકોને અનિષ્ટ કરવા માટે પ્રેરે-યહૂદિઓ, ગ્રીકો અથવા દેવની મંડળીઓ.
33. હું તેમ જ કરું છું. હું પ્રત્યેક વ્યક્તિને દરેક રીતે પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરું છું. જે મારા માટે સારું છે તે કરવાનો પ્રયત્ન નથી કરતો. હું મોટા ભાગના લોકો માટે જે સારું છે તે કરવાનો પ્રયત્ન કરું છું, કે જેથી તેમનું તારણ થાય.