પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
એઝેકીએલ 27:1

Notes

No Verse Added

એઝેકીએલ 27:1

1
મને યહોવાની વાણી પ્રમાણે સંભળાઇ:
2
“હે મનુષ્યના પુત્ર, તું તૂર વિષે મરશિયો ગા.
3
“‘તું સમુદ્રકાંઠે વિસ્તરેલા તે નગરને, વિશ્વના વ્યાપારકેન્દ્રને કહે કે, યહોવા મારા માલિક પ્રમાણે કહે છે: “હે તૂર, તું કહેતી હતી કે હું સુંદર મુગટ છું.”
4
“હે તૂર, તું કહેતી હતી, ‘મારા સૌદર્યમાં કોઇ ઊણપ નથી.’ તારી સરહદ ઠેઠ મધદરિયા સુધી વિસ્તરેલી છે. તારા બાંધનારાઓએ તારામાં કોઇ ઉણપ રાખી નથી.
5
તારા પાટિયાં તેમણે સનીર પર્વતના સરૂના લાકડાનાં બનાવ્યા હતાં, અને તારા સ્તંભો બનાવવા માટે લબાનોનના એરેજકાષ્ટનો ઉપયોગ કર્યો હતો.
6
તેઓએ તારાં હલેસાં બાશાનના એલોનકાષ્ટનાં બનાવ્યાં હતાં. તારું તૂતક સાયપ્રસના દક્ષિણ કાંઠેથી લાવેલા સરળવૃક્ષના લાકડાનું અને હાથીદાંતજડિત બનાવવામાં આવ્યું હતું.
7
તારા સઢ મિસરના ભરતભરેલા કાપડમાંથી બનાવ્યા હતાં, જે તારા માટે વાવટાનું કામ કરતા હતા. તારી છત અલીશાહ ટાપુઓના નીલ અને જાંબુડિયા કાપડમાંથી બનાવી હતી.
8
તારાં હલેસાં મારનારા સિદોન અને આર્વાદના રહેવાસીઓ હતાં. તારા પોતાના કુશળ માણસો તારા ખલાસીઓ હતા.
9
ગેબાલથી આવેલા કુશળ કારીગરો તારું સમારકામ કરતાં હતાં. દેશપરદેશથી સાગરના બધાં વહાણોના ખલાસીઓ તારે ત્યાં વેપાર કરવા માટે આવતા હતા.’
10
“તારા સૈન્યમાં પારસ, લૂદ અને પૂટના માણસો સૈનિકો તરીકે સેવાઓ આપતા હતા. તેઓ તારી ભીતો ઉપર ઢાલો અને ટોપો લટકાવતા હતા અને તારી શોભા વધારતા હતા.
11
આર્વાદ અને સિસિલના સૈનિકો તારા કિલ્લાનું રક્ષણ કરતા હતા. ગામ્માદના માણસો તારા બુરજોમાં ફરજ બજાવતા હતા. તેઓની ઢાલો તારી દિવાલોની ઉપર લટકાવેલી હતી, જે તારા ગૌરવમાં વધારો કરતી હતી,
12
“તારી પાસે સર્વ પ્રકારની પુષ્કળ સમૃદ્ધિ હોવાથી તારી સાથે તાશીર્શ વેપાર કરતું હતું. અને તારા બજારમાં તારા માલના બદલામાં ચાંદી, લોખંડ, કલાઇ અને સીસું લવાતું હતું.
13
ગ્રીસ, તુબાલ અને મેશેખથી વેપારીઓ ગુલામો અને પિત્તળના વાસણો લાવતા હતા અને બદલામાં તારો માલ લઇ જતા હતા.
14
બેથતોગાર્માહના લોકો તારા માલના બદલામાં તને ભારવાહક ઘોડા, લડાયક ઘોડા અને ખચ્ચર આપતા હતા.
15
દેદાનવાસીઓ તારી સાથે વેપાર કરતા હતા. ધણા સમુદ્ર તટ પરના પ્રદેશમાં લોકો તારા માલના બદલામાં તને હાથીદાંત અને અબનૂસ આપતા હતા.
16
અરામ તેના વેપારીઓ મોકલીને તારી ઉત્પન્ન કરેલી વસ્તુઓ ખરીદતું હતું. તેઓ નીલમણિ, મૂલ્યવાન જાંબુડિયાં રંગના વસ્ત્રો, ભરતકામ કરેલી વસ્તુઓ, બારીક મલમલ, પરવાળાં તથા કિંમતી પત્થરો આપતા હતા.
17
“યહૂદા અને ઇસ્રાએલના લોકો તારો માલ ખરીદી બદલામાં તને ઘઉં, જૈતુન, મધ, લાખ, તેલ તથા સુગંધીત દ્રવ્યો આપતા હતા.
18
તારે ત્યાં એટલી બધી વસ્તુઓ બનતી હતી અને તારે ત્યાં એટલો બધો માલ હતો કે દમસ્કના લોકો તારી સાથે વ્યાપાર કરતાં અને બદલામાં તને હેલ્બોનનો દ્રાક્ષારસ અને સહારનું ઊન આપતા હતા.
19
દેદાનના લોકો અને ઉઝાલના યુવાનો તને ઘડતરનું લોઢું અને તેજાના અને શેરડી આપી તારો માલ ખરીદતા.
20
દેદાનના લોકો તારા માલના બદલામાં તને ઘોડાના જીન માટે ધાબળા આપતા.
21
અરબસ્તાનના લોકો અને કેદારના આગેવાનો તારા માલની કિંમત ઘેટાબકરાંમાં ચૂકવતાં.
22
શેબા અને રાઅમાહના વેપારીઓ ઉત્તમ જાતના તેજાના, રત્નો અને સોનું આપીને તારો માલ ખરીદતા.
23
હારાન, કાન્નેહ અને એદેન, શેબાના શહેરો અને આશ્શૂર તથા ખિલ્માદના લોકો સાથે તારો વેપાર ચાલતો હતો.
24
તેઓ તને જાતજાતનો કિંમતી માલ, મોંઘું જાંબુડિયા રંગનું કાપડ અને કિનખાબ, ભભકાભર્યા રંગોના ગાલીચા અને ગૂંથેલા મજબૂત દોરડાં વેચતા હતા.
25
“મોટાં મોટાં વહાણોમાં તારો માલ દેશવિદેશ જતો હતો. તું ભરસમુદ્રમાં સમૃદ્ધ હતો.
26
પરંતુ હવે તારા કુશળ ખલાસીઓ તને ભરસમુદ્રમાં લઇ ગયા છે. તારું સમર્થ વહાણ પૂર્વના તોફાની પવનોમાં સપડાયું છે અને મધદરિયે તારા ભુક્કેભુક્કા ઉડાવી દીધા.
27
તેં બધું ગુમાવ્યું છે, તારી બધી દોલત, તારો બધો માલ અને સરસામાન, તારા બધા ખલાસીઓ અને સારંગો, તારા મરામત કરનારાઓ, વેપારીઓ અને બીજા બધા યોદ્ધાઓ, બધા માણસો-ટૂંકમાં બધું ડૂબતાં તારી સાથે સમુદ્રમાં ડૂબી ગયું.
28
તારા નાવિકોની ચીસોથી દરિયા કિનારો કંપી ઊઠયો.
29
તે સાંભળીને બધા હલેસા મારનારાઓ, બધા નાવિકો, અને સારંગો પોતપોતાના વહાણ ઉપરથી ઊતરીને કિનારે જઇ ઊભા.
30
તેઓ તારું દુ:ખ જોઇને વિલાપ કરશે અને દુ:ખમય રુદન કરશે અને માથા પર ધૂળ નાખી રાખમાં આળોટશે.
31
તેઓ ભારે શોકમાં પોતાનાં માથાં મૂંડાવશે. તેઓ શણના વસ્ત્રો પહેરશે અને પોતાના હૃદયમાં ભારે દુ:ખ સાથે તારા માટે વિલાપ કરશે.
32
તેઓ શોકમાં તારા માટે વિલાપગીત ગાશે,‘તૂર જેવું કોણ છે? તૂરનગરી અત્યારે સાગરમાં શાંત પોઢી ગઇ છે!
33
જ્યારે તારો માલ સમુદ્રમાંથી ઠલવાતો ત્યારે તું દરેક પ્રકારની પ્રજાઓને સંતોષતી હતી. તારા માલ દ્વારા મેળવાતા પુષ્કળ દ્રવ્યથી રાજાઓના ભંડાર ભરાતાં હતાં.
34
હવે મહાસાગરે તારા ભુક્કા ઉડાવી દીધા છે, અને તું સમુદ્રને તળિયે ડૂબી ગઇ છે. તારો બધો માલ અને તારા બધા માણસો તારી ભેગા સમુદ્રને તળિયે પહોંચી ગયા છે.
35
સમુદ્રકાંઠે રહેનારા સર્વ તારી દશા જોઇને સ્તબ્ધ થઇ ગયા છે. તેઓના રાજાઓ ભયભીત થઇ ગયા છે અને તેઓના ચહેરાઓ પર ગભરાટ છવાયેલો છે.
36
દુનિયાભરના વેપારીઓ ડરીને ચીસો પાડી ઊઠયા છે; કારણ કે તારો અંત ભયંકર આવ્યો છે. સદાને માટે હવે તારો નાશ થયો છે. હવે તો તું ફરિ કદી હયાતીમાં આવશે નહિ!”‘
×

Alert

×

gujarati Letters Keypad References