Song of Solomon 7 : 1 (IRVGU)
હે શાહજાદી, ચંપલોમાં તારા પગ કેવા સુંદર દેખાય છે! તારી જાંઘોના સાંધા, કુશળ કારીગરે હાથે જડેલા ઝવેરાત જેવા છે.
Song of Solomon 7 : 2 (IRVGU)
તારી નાભિ સુંદર ગોળાકાર પ્યાલા જેવી છે; કે જેમાં મિશ્રિત દ્રાક્ષારસ કદી ખૂટતો નથી. તારું પેટ ગુલછડીથી શણગારેલી, ઘઉંની ઢગલીના જેવું છે.
Song of Solomon 7 : 3 (IRVGU)
તારાં બે સ્તન જાણે હરણીના, મનોહર જોડકાં બચ્ચાં જેવા છે.
Song of Solomon 7 : 4 (IRVGU)
તારી ગરદન હાથીદાંતના બુરજ જેવી છે; તારી આંખો હેશ્બોનમાં બાથ-રાબ્બીમના દરવાજા પાસે આવેલા કુંડ જેવી છે. તારું નાક જાણે દમસ્કસ તરફના લબાનોનના બુરજ જેવું છે.
Song of Solomon 7 : 5 (IRVGU)
તારું શિર કાર્મેલ પર્વત જેવું છે; તારા શિરના કેશ જાંબુડા રંગના છે. રાજા તારી લટોમાં પોતે બંદીવાન બની ગયો છે.
Song of Solomon 7 : 6 (IRVGU)
મારી પ્રિયતમા તું કેવી પ્રેમાળ અને અતિસુંદર છે, તથા વિનોદ કરવા લાયક અને આનંદદાયક છે!
Song of Solomon 7 : 7 (IRVGU)
તારું કદ ખજૂરીના વૃક્ષ જેવું છે, અને તારાં સ્તનો દ્રાક્ષાની લૂમો જેવા છે.
Song of Solomon 7 : 8 (IRVGU)
મેં વિચાર્યું કે, “હું ખજૂરીના વૃક્ષ પર ચઢીશ; હું તેની ડાળીઓ પકડીશ.” તારાં સ્તન દ્રાક્ષની લૂમો જેવાં થાય, તારા શ્વાસની સુગંધ સફરજન જેવી થાય.
Song of Solomon 7 : 9 (IRVGU)
તારું મુખ ઉત્તમ દ્રાક્ષારસ જેવું થાય, જે દ્રાક્ષારસ મારા પ્રીતમ માટે છે, અને તેના હોઠો તથા દાંત ઉપર થઈને સરળતાથી પેટમાં ઊતરી જાય છે.
Song of Solomon 7 : 10 (IRVGU)
હું મારા પ્રીતમની છું અને તે મારા માટે ઇચ્છા રાખે છે.
Song of Solomon 7 : 11 (IRVGU)
હે મારા પ્રીતમ, ચાલ, આપણે નગરમાં જઈએ; અને આપણે ગામોમાં ઉતારો કરીએ.
Song of Solomon 7 : 12 (IRVGU)
આપણે વહેલા ઊઠીને દ્રાક્ષાવાડીઓમાં જઈએ; દ્રાક્ષવેલાને મોર આવ્યો છે કે નહિ તે જોઈએ, તેનાં ફૂલ ખીલ્યાં છે કે નહિ, અને દાડમડીઓને ફૂલ બેઠાં છે કે નહિ, તે આપણે જોઈએ. ત્યાં હું તને મારી પ્રીતિનો અનુભવ કરાવીશ.
Song of Solomon 7 : 13 (IRVGU)
ત્યાં રીંગણીઓ તેની સુગંધ પ્રસરાવે છે; વળી આપણા આંગણામાં સર્વ પ્રકારનાં જૂનાં અને નવાં ફળો છે, તે હે મારા પ્રીતમ, મેં તારા માટે સાચવી રાખ્યાં છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13