ગીતશાસ્ત્ર 27 : 1 (IRVGU)
યહોવાહ મારા ઉધ્ધારનાર તથા પ્રકાશ છે; હું કોનાથી બીહું ? યહોવાહ મારા જીવનનું સામર્થ્ય છે; મને કોનો ભય લાગે?
ગીતશાસ્ત્ર 27 : 2 (IRVGU)
જ્યારે દુરાચારીઓ અને મારા શત્રુઓ મારો સંહાર કરવા આવશે, ત્યારે તેઓ ઠોકર ખાઈને નીચે પડશે.
ગીતશાસ્ત્ર 27 : 3 (IRVGU)
જો કે સૈન્ય મારી સામે છાવણી નાખે, તોપણ હું મનમાં ડરીશ નહિ; જો કે મારી વિરુદ્ધ યુદ્ધ ઊઠે, તોપણ હું ઈશ્વર પર ભરોસો રાખીશ.
ગીતશાસ્ત્ર 27 : 4 (IRVGU)
યહોવાહ પાસે મેં એક વરદાન માગ્યું છે: કે યહોવાહનું ઘર મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન મારું નિવાસસ્થાન થાય, જેથી હું યહોવાહના સૌંદર્યનું અવલોકન કર્યા કરું અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.
ગીતશાસ્ત્ર 27 : 5 (IRVGU)
કેમ કે સંકટના સમયે તેઓ મને પોતાના મંડપમાં ગુપ્ત રાખશે; તે પોતાના મંડપને આશ્રયે મને સંતાડશે. તે મને ખડક પર ચઢાવશે!
ગીતશાસ્ત્ર 27 : 6 (IRVGU)
પછી મારી આસપાસના શત્રુઓ પર મારું માથું ઊંચું કરવામાં આવશે અને હું તેમના મંડપમાં હર્ષનાદનાં અર્પણ ચઢાવીશ! હું ગાઈશ અને યહોવાહનાં સ્તોત્રો ગાઈશ!
ગીતશાસ્ત્ર 27 : 7 (IRVGU)
હે યહોવાહ, જ્યારે હું વિનંતી કરું, ત્યારે તે સાંભળો! મારા પર દયા કરીને મને ઉત્તર આપો!
ગીતશાસ્ત્ર 27 : 8 (IRVGU)
મારું હૃદય તમારા વિષે કહે છે કે, “તેમનું મુખ શોધો!” હે યહોવાહ, હું તમારું મુખ શોધીશ!
ગીતશાસ્ત્ર 27 : 9 (IRVGU)
તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ; કોપ કરીને તમે તમારા સેવકને તજી દેશો નહિ! તમે મારા સહાયકારી થયા છો; હે મારા ઉદ્ધારનાર ઈશ્વર, મને દૂર ન કરો અને મને તજી ન દો!
ગીતશાસ્ત્ર 27 : 10 (IRVGU)
જો કે મારા માતાપિતાએ મને તજી દીધો છે, તોપણ યહોવાહ મને સંભાળશે.
ગીતશાસ્ત્ર 27 : 11 (IRVGU)
હે યહોવાહ, મને તમારો માર્ગ શીખવો! મારા શત્રુઓને લીધે મને સરળ માર્ગે દોરી જાઓ.
ગીતશાસ્ત્ર 27 : 12 (IRVGU)
મને મારા શત્રુઓના હાથમાં ન સોંપો, કારણ કે જૂઠા સાક્ષીઓ તથા જુલમના ફૂંફાડા મારનારા મારી વિરુદ્ધ ઊઠ્યા છે!
ગીતશાસ્ત્ર 27 : 13 (IRVGU)
આ જીવનમાં હું યહોવાહની દયાનો અનુભવ કરીશ, એવો જો મેં વિશ્વાસ કર્યો ન હોત તો હું નિર્બળ થઈ જાત!
ગીતશાસ્ત્ર 27 : 14 (IRVGU)
યહોવાહની રાહ જો; બળવાન થા અને હિંમત રાખ! હા, યહોવાહની રાહ જો!

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14