ગીતશાસ્ત્ર 106 : 1 (IRVGU)
યહોવાહની સ્તુતિ કરો. યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
ગીતશાસ્ત્ર 106 : 2 (IRVGU)
યહોવાહનાં મહાન કૃત્યો કોણ વર્ણવી શકે? અથવા તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે?
ગીતશાસ્ત્ર 106 : 3 (IRVGU)
જેઓ ન્યાયને અનુસરે છે અને જેઓના કામો હંમેશાં ન્યાયી છે તે આશીર્વાદિત છે.
ગીતશાસ્ત્ર 106 : 4 (IRVGU)
હે યહોવાહ, જ્યારે તમે તમારા લોકો પર કૃપા કરો, ત્યારે મને યાદ રાખજો; જ્યારે તમે તેઓને બચાવો ત્યારે મને સહાય કરજો.
ગીતશાસ્ત્ર 106 : 5 (IRVGU)
જેથી હું તમારા પસંદ કરેલાઓનું ભલું જોઉં, તમારી પ્રજાના આનંદમાં હું આનંદ માણું અને તમારા વારસાની સાથે હું હર્ષનાદ કરું.
ગીતશાસ્ત્ર 106 : 6 (IRVGU)
અમારા પિતૃઓની જેમ અમે પણ પાપ કર્યુ છે; અમે અન્યાય કર્યા છે અને અમે દુષ્ટતા કરી છે.
ગીતશાસ્ત્ર 106 : 7 (IRVGU)
મિસરમાંના તમારાં ચમત્કારોમાંથી અમારા પિતૃઓ કંઈ સમજ્યા નહિ; તેઓએ તમારી કૃપાનાં કાર્યોની અવગણના કરી; તેઓએ સમુદ્ર પાસે, એટલે રાતા સમુદ્ર પાસે તમારી વિરુદ્ધ બંડ પોકાર્યું.
ગીતશાસ્ત્ર 106 : 8 (IRVGU)
તોપણ તમે પોતાના નામની ખાતર તેઓને બચાવ્યા કે જેથી તમે પોતાના લોકોને તમારું પરાક્રમ બતાવી શકો.
ગીતશાસ્ત્ર 106 : 9 (IRVGU)
પ્રભુએ રાતા સમુદ્રને ધમકાવ્યો, એટલે તે સુકાઈ ગયો. એ પ્રમાણે તેમણે જાણે અરણ્યમાં હોય, તેમ ઊંડાણોમાં થઈને તેઓને દોર્યા.
ગીતશાસ્ત્ર 106 : 10 (IRVGU)
જેઓ તેઓને ધિક્કારે છે તેઓના હાથમાંથી તેમણે તેઓને બચાવ્યા અને દુશ્મનના પરાક્રમથી તેઓને છોડાવ્યા.
ગીતશાસ્ત્ર 106 : 11 (IRVGU)
તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું; તેઓમાંનો એક પણ બચ્યો નહિ.
ગીતશાસ્ત્ર 106 : 12 (IRVGU)
ત્યારે તેઓએ તેમની વાતો પર વિશ્વાસ રાખ્યો અને તેઓએ તેમનાં સ્તોત્ર ગાયા.
ગીતશાસ્ત્ર 106 : 13 (IRVGU)
પણ તેઓ તેમનાં કરેલાં કૃત્યો પાછા જલદીથી ભૂલી ગયા; તેમની સલાહ સાંભળવાને તેઓએ ધીરજ રાખી નહિ.
ગીતશાસ્ત્ર 106 : 14 (IRVGU)
અરણ્યમાં તેઓએ ઘણી જ દુર્વાસના કરી અને તેઓએ રાનમાં ઈશ્વરને પડકાર આપ્યો.
ગીતશાસ્ત્ર 106 : 15 (IRVGU)
તેમણે તેઓની માગણીઓ પ્રમાણે તેઓને આપ્યું, પણ તેઓના આત્મામાં નબળાઈ મોકલી.
ગીતશાસ્ત્ર 106 : 16 (IRVGU)
તેઓએ છાવણીમાં મૂસાની ઈર્ષા કરી અને યહોવાહના પવિત્ર યાજક હારુનની અદેખાઈ કરી.
ગીતશાસ્ત્ર 106 : 17 (IRVGU)
ભૂમિ ફાટીને દાથાનને ગળી ગઈ અને અબિરામના સમુદાયને ભૂમિમાં ઉતારી દીધો.
ગીતશાસ્ત્ર 106 : 18 (IRVGU)
તેઓના સમુદાયમાં અગ્નિ સળગી પ્રગટ્યો; અગ્નિએ દુષ્ટોને બાળી નાખ્યા.
ગીતશાસ્ત્ર 106 : 19 (IRVGU)
તેઓએ હોરેબ આગળ વાછરડો બનાવ્યો અને ઢાળેલી મૂર્તિની પૂજા કરી.
ગીતશાસ્ત્ર 106 : 20 (IRVGU)
તેઓએ આ પ્રમાણે તેમના મહિમાવંત ઈશ્વરને બદલી નાખ્યા, કેમ કે ઘાસ ખાનાર બળદની પ્રતિમા પસંદ કરીને પોતાનો મહિમા બદલ્યો.
ગીતશાસ્ત્ર 106 : 21 (IRVGU)
તેઓ પોતાના બચાવનાર ઈશ્વરને ભૂલી ગયા, કે જેમણે મિસરમાં અદ્દભુત કાર્યો કર્યાં હતાં.
ગીતશાસ્ત્ર 106 : 22 (IRVGU)
તેમણે હામના દેશમાં આશ્ચર્યકારક કામો તથા લાલ સમુદ્ર પાસે ભયંકર કામો કર્યાં હતાં.
ગીતશાસ્ત્ર 106 : 23 (IRVGU)
તેમણે તેઓનો સંહાર કરવાને કહ્યું પણ તેઓનો સંહાર કરવાને થયેલા કોપને શમાવવાને માટે તેમનો પસંદ કરેલો મૂસા વચ્ચે પડ્યો અને પ્રભુની સમક્ષ આવીને ઊભો રહ્યો.
ગીતશાસ્ત્ર 106 : 24 (IRVGU)
પછી તેમણે તે ફળદ્રુપ દેશને તુચ્છ ગણ્યો; તેઓએ તેના વચનનો વિશ્વાસ કર્યો નહિ.
ગીતશાસ્ત્ર 106 : 25 (IRVGU)
પણ તેઓ પોતાના તંબુઓમાં કચકચ કરીને યહોવાહને આધીન થયા નહિ.
ગીતશાસ્ત્ર 106 : 26 (IRVGU)
તેથી તેમણે તેઓને માટે શપથ લીધા કે તેઓ અરણ્યમાં નાશ પામે.
ગીતશાસ્ત્ર 106 : 27 (IRVGU)
વિદેશીઓમાં તેઓના વંશજોને વિખેરી નાખ્યા અને દેશપરદેશમાં તેઓને વિખેરી નાખ્યા.
ગીતશાસ્ત્ર 106 : 28 (IRVGU)
તેઓએ પેઓરમાં બઆલની પૂજા કરી અને અર્પણને માટે અર્પિત કરેલા મૃતદેહનો ભક્ષ કર્યો.
ગીતશાસ્ત્ર 106 : 29 (IRVGU)
એ પ્રમાણે તેઓએ પોતાની કરણીઓથી તેમને ચીડવ્યા અને તેઓમાં મરકી ફાટી નીકળી.
ગીતશાસ્ત્ર 106 : 30 (IRVGU)
પછી ફીનહાસે ઊભા થઈને મધ્યસ્થી કરી અને મરકી અટકી ગઈ.
ગીતશાસ્ત્ર 106 : 31 (IRVGU)
આ તેનું કામ તેના લાભમાં પેઢી દરપેઢી સર્વકાળ માટે ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યું.
ગીતશાસ્ત્ર 106 : 32 (IRVGU)
મરીબાહના પાણીના સંબંધમાં પણ તેઓએ તેમને ખીજ્વ્યા અને તેઓને લીધે મૂસાને સહન કરવું પડ્યું.
ગીતશાસ્ત્ર 106 : 33 (IRVGU)
તેઓએ મૂસાને ઉશ્કેર્યો અને તે અવિચારીપણે બોલવા લાગ્યો.
ગીતશાસ્ત્ર 106 : 34 (IRVGU)
જેમ યહોવાહે તેઓને આજ્ઞા આપી હતી તેમ, તેઓએ તે લોકોનો નાશ કર્યો નહિ.
ગીતશાસ્ત્ર 106 : 35 (IRVGU)
પણ તેઓ વિદેશીઓ સાથે ભળી ગયા અને તેઓના માર્ગો અપનાવ્યા.
ગીતશાસ્ત્ર 106 : 36 (IRVGU)
અને તેઓની મૂર્તિઓની પૂજા કરી, તે તેઓને ફાંદા રૂપ થઈ પડી.
ગીતશાસ્ત્ર 106 : 37 (IRVGU)
તેઓએ પોતાનાં દીકરા તથા દીકરીઓનું અશુદ્ધ આત્માઓને બલિદાન આપ્યું.
ગીતશાસ્ત્ર 106 : 38 (IRVGU)
તેઓએ નિર્દોષ લોહી, એટલે પોતાનાં દીકરાદીકરીઓનું લોહી વહેવડાવ્યું, તેનું તેઓએ કનાનની મૂર્તિઓને બલિદાન કર્યુ, લોહીથી દેશને અશુદ્ધ કર્યો.
ગીતશાસ્ત્ર 106 : 39 (IRVGU)
તેમનાં દુષ્ટ કાર્યોથી તેઓ અપવિત્ર બન્યા તેમનાં કાર્યોમાં તેઓ અવિશ્વાસુ થયા.
ગીતશાસ્ત્ર 106 : 40 (IRVGU)
તેથી યહોવાહ પોતાના લોકો પર ગુસ્સે થયા અને તે પોતાના લોકોથી કંટાળી ગયા.
ગીતશાસ્ત્ર 106 : 41 (IRVGU)
તેમણે તેઓને વિદેશીઓના હાથમાં સોંપી દીધા અને જેઓ તેમને ધિક્કારતા હતા, તેઓએ તેમના પર રાજ કર્યું.
ગીતશાસ્ત્ર 106 : 42 (IRVGU)
તેઓના શત્રુઓએ પણ તેઓને કચડ્યા અને તેઓના અધિકાર નીચે પડીને તેઓ તાબેદાર થયા.
ગીતશાસ્ત્ર 106 : 43 (IRVGU)
ઘણી વાર તે તેમની મદદે આવ્યા, પણ તેઓએ બંડ કરવાનું ચાલું રાખ્યું અને પોતાના પાપને લીધે તેઓ પાયમાલ થયા.
ગીતશાસ્ત્ર 106 : 44 (IRVGU)
તેમ છતાં તેઓની પ્રાર્થનાઓ સાંભળીને તેમણે તેઓનું સંકટ લક્ષમાં લીધું.
ગીતશાસ્ત્ર 106 : 45 (IRVGU)
તેઓની સાથે કરેલો તેમનો કરાર યાદ કર્યો અને પોતાની પુષ્કળ દયાને લીધે પસ્તાવો કર્યો.
ગીતશાસ્ત્ર 106 : 46 (IRVGU)
તેમણે તેઓને બંદીવાન કરનારાઓની પાસે તેમના પર કરુણા કરાવી.
ગીતશાસ્ત્ર 106 : 47 (IRVGU)
હે યહોવાહ, અમારા ઈશ્વર, અમારો બચાવ કરો. વિદેશીઓમાંથી અમને એકત્ર કરો કે જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ અને સ્તુતિ કરીને તમારો મહિમા કરીએ.
ગીતશાસ્ત્ર 106 : 48 (IRVGU)
હે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ, તમે અનાદિકાળથી અનંતકાળ સુધી સ્તુત્ય મનાઓ. સર્વ લોકોએ કહ્યું, “આમેન.” યહોવાહની સ્તુતિ કરો.
❮
❯