યર્મિયાનો વિલાપ 4 : 1 (IRVGU)
સોનું કેવું ઝાંખું પડ્યું છે અને બદલાઈ ગયું છે. પવિત્રસ્થાનના પથ્થરો શેરીઓના ખૂણે વિખેરાયેલા છે.
યર્મિયાનો વિલાપ 4 : 2 (IRVGU)
સિયોનના અમૂલ્ય પુત્રો, જેઓનું મૂલ્ય સોના કરતાં પણ વધારે હતું. પણ તેઓ કુંભારના હાથે ઘડેલા માટલાં જેવા કેમ ગણાય છે?
યર્મિયાનો વિલાપ 4 : 3 (IRVGU)
શિયાળ પણ પોતાનાં બચ્ચાંને સ્તનપાન કરાવે છે, પણ મારા લોકોની દીકરીઓ અરણ્યમાંની શાહમૃગી જેવી નિર્દય થઈ છે.
યર્મિયાનો વિલાપ 4 : 4 (IRVGU)
સ્તનપાન કરતાં બાળકોની જીભ તરસને કારણે તાળવે ચોંટી રહે છે; બાળકો રોટલી માગે છે, પણ કોઈ તેમને કશું પણ આપતું નથી.
યર્મિયાનો વિલાપ 4 : 5 (IRVGU)
જેઓ મિષ્ટાન્ન ખાતા હતા, તેઓ શેરીઓમાં નિરાધાર થયા છે; જેઓ રેશમી વસ્ત્રો પહેરતા હતા તેઓ ઉકરડા પર ગંદકીમાં આળોટે છે.
યર્મિયાનો વિલાપ 4 : 6 (IRVGU)
મારા લોકોએ સદોમ કરતાં વધારે પાપ કર્યાં છે. સદોમમાં તો એક જ ક્ષણમાં બધું જ નાશ પામ્યું હતું, તેના અન્યાય કરતાં મારા લોકોની દીકરીઓનો અન્યાય મોટો છે.
યર્મિયાનો વિલાપ 4 : 7 (IRVGU)
તેના સરદારો બરફ કરતાં સ્વચ્છ હતા, તેઓ દૂધ કરતાં સફેદ હતા. તેઓનાં શરીરો માણેક કરતાં રાતાં હતાં, તેઓનું રૂપ નીલમ જેવું હતું.
યર્મિયાનો વિલાપ 4 : 8 (IRVGU)
પણ હાલ તેઓનું મુખ કોલસા કરતાં કાળું થયું છે અને તેઓ ફળિયાંઓમાં ઓળખાતા નથી, તેઓની ચામડી તેઓનાં હાડકાંને વળગી રહેલી છે. તે સુકાઈને લાકડા જેવી થઈ ગઈ છે!
યર્મિયાનો વિલાપ 4 : 9 (IRVGU)
જેઓ તરવારથી માર્યા ગયા તેઓ ભૂખે મરનાર કરતાં સુખી છે, કેમ કે ભૂખ્યા માણસો ખેતરમાં પાક ન થવાથી બળહીન થઈને ઝૂરે છે.
યર્મિયાનો વિલાપ 4 : 10 (IRVGU)
દયાળુ સ્ત્રીઓએ પોતાને હાથે પોતાના બાળકોને બાફ્યાં છે, મારા લોકોની દીકરીના નાશને સમયે એ જ તેઓનો ખોરાક હતો.
યર્મિયાનો વિલાપ 4 : 11 (IRVGU)
યહોવાહે પોતાનો ક્રોધ પૂરો કર્યો છે. તેમણે પોતાનો ભારે કોપ વરસાવ્યો છે; તેમણે સિયોનમાં તેના પાયાઓને ખાઈ જાય એવો અગ્નિ સળગાવ્યો છે.
યર્મિયાનો વિલાપ 4 : 12 (IRVGU)
શત્રુ કે વૈરી યરુશાલેમના પ્રવેશદ્વારમાં પેસશે, એવું પૃથ્વીના રાજાઓ તથા પૃથ્વીના રહેવાસીઓ માનતા નહોતા.
યર્મિયાનો વિલાપ 4 : 13 (IRVGU)
પણ પ્રબોધકોના પાપના કારણે અને યાજકોના અન્યાયને કારણે; તેઓએ તેમાં ન્યાયીઓનું રક્ત વહેવડાવ્યું છે.
યર્મિયાનો વિલાપ 4 : 14 (IRVGU)
તેઓ આંધળાઓની જેમ મહોલ્લે મહોલ્લે ભટક્યા. તેઓ લોહીથી એવા તો લથબથ હતા કે કોઈ તેઓનાં વસ્ત્રોને અડકી શકતું ન હતું.
યર્મિયાનો વિલાપ 4 : 15 (IRVGU)
“હઠો, હે અશુદ્ધો!” એવું લોકોએ તેઓને પોકારીને કહ્યું, “હઠો, હઠો! અને અમને અડકશો નહિ!” તેઓ નાસીને ભટકવા લાગ્યા ત્યારે વિદેશીઓએ કહ્યું, “તેઓ ફરીથી અહીં વિદેશીઓની જેમ મુકામ કરશે નહિ!”
યર્મિયાનો વિલાપ 4 : 16 (IRVGU)
યહોવાહના કોપે તેઓને એકબીજાથી જુદા પાડ્યા છે; તે તેઓ પર ફરી દ્રષ્ટિ કરશે નહિ. તેઓએ યાજકોનું મન રાખ્યું નહિ અને તેઓએ વડીલો પર કૃપા કરી નહિ.
યર્મિયાનો વિલાપ 4 : 17 (IRVGU)
અમારી આંખો નિરર્થક સહાયની રાહ જોઈ જોઈને થાકી ગઈ છે, અમને બચાવી શકે એવા દેશની અમે ઘણી અપેક્ષા કરી છે, પણ તે વ્યર્થ થઈ છે.
યર્મિયાનો વિલાપ 4 : 18 (IRVGU)
દુશ્મનો અમારી પાછળ પડ્યા હતા અને અમે રસ્તે ચાલી નહોતા શકતા. અમારો અંત નજીક આવ્યો હતો અને અમારા દિવસો પૂરા થયા હતા, કેમ કે અમારો અંતકાળ આવ્યો છે.
યર્મિયાનો વિલાપ 4 : 19 (IRVGU)
અમારી પાછળ પડનારાઓ આકાશના ગરૂડો કરતાં વેગવાન હતા. પર્વતો પર તેમણે અમારો પીછો કર્યો અને અરણ્યમાં પણ અમારી પર તરાપ મારવા સંતાઈ ગયા.
યર્મિયાનો વિલાપ 4 : 20 (IRVGU)
યહોવાહથી અભિષિક્ત થયેલો જે અમારા મુખનો શ્વાસ, અમારો રાજા, જેના વિષે અમે કહ્યું કે, “તેની છાયામાં અમે દેશોમાં જીવીશું, તે તેઓના ફાંદાઓમાં પકડાયો.”
યર્મિયાનો વિલાપ 4 : 21 (IRVGU)
અરે અદોમની દીકરી, ઉસ દેશમાં રહેનારી, તું હર્ષ તથા આનંદ કર, તારી પાસે પ્યાલો આવશે. તું ચકચૂર થઈને પોતાને નિર્વસ્ત્ર કરીશ.
યર્મિયાનો વિલાપ 4 : 22 (IRVGU)
રે સિયોનની દીકરી, તારા અન્યાયની સજા પૂરી થઈ છે. તે તને ફરી બંદીવાસમાં લઈ જશે નહિ. રે અદોમની દીકરી, તે તારા અન્યાયની સજા કરશે. તે તારાં પાપ પ્રગટ કરશે.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22