યોહાન 8 : 1 (IRVGU)
વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રી ઈસુ જૈતૂન નામના પહાડ પર ગયા.
યોહાન 8 : 2 (IRVGU)
વહેલી સવારે તે ફરી ભક્તિસ્થાનમાં આવ્યા, સઘળા લોકો તેમની પાસે આવ્યા અને તેમણે નીચે બેસીને તેઓને બોધ કર્યો.
યોહાન 8 : 3 (IRVGU)
ત્યારે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ વ્યભિચારમાં પકડાયેલી એક સ્ત્રીને ત્યાં લાવ્યા; અને તેને વચમાં ઊભી રાખીને,
યોહાન 8 : 4 (IRVGU)
ઈસુને કહ્યું કે, 'ગુરુ, આ સ્ત્રી વ્યભિચાર કરતાં જ પકડાઈ છે.
યોહાન 8 : 5 (IRVGU)
હવે મૂસાના નિયમશાસ્ત્રમાં આપણને આજ્ઞા આપી છે કે, તેવી સ્ત્રીઓને પથ્થરે મારવી; તો તમે તેને વિષે શું કહો છો?'
યોહાન 8 : 6 (IRVGU)
તેમના પર દોષ મૂકવાનું કારણ તેમને મળી આવે એ માટે તેમનું પરીક્ષણ કરતાં તેઓએ આ કહ્યું. પણ ઈસુએ નીચા નમીને જમીન પર આંગળીએ લખ્યું.
યોહાન 8 : 7 (IRVGU)
તેઓએ તેમને પૂછ્યા કર્યું, ત્યારે તેમણે ઊભા થઈને તેઓને કહ્યું કે, 'તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે તેના પર પહેલો પથ્થર મારે.'
યોહાન 8 : 8 (IRVGU)
ફરીથી પણ તેમણે નીચા નમીને આંગળી વડે જમીન પર લખ્યું.
યોહાન 8 : 9 (IRVGU)
જયારે તેઓએ સાંભળ્યું, ત્યારે વૃદ્ધથી માંડીને એક પછી એક બધા ચાલ્યા ગયા. અને એકલા ઈસુ તથા ઊભેલી સ્ત્રી જ ત્યાં રહ્યાં.
યોહાન 8 : 10 (IRVGU)
ઈસુ ઊભા થયા અને તેને પૂછ્યું કે, 'સ્ત્રી, તારા પર દોષ મૂકનારાઓ ક્યાં છે? શું કોઈએ તને દોષિત ઠરાવી નથી?'
યોહાન 8 : 11 (IRVGU)
તેણે કહ્યું, 'પ્રભુ, કોઈએ નહિ.' ઈસુએ કહ્યું, 'હું પણ તને દોષિત નથી ઠરાવતો; તું ચાલી જા; હવેથી પાપ કરીશ નહિ.'
યોહાન 8 : 12 (IRVGU)
ઈસુ જગતનું અજવાળું છે ફરીથી ઈસુએ તેઓને કહ્યું, 'હું માનવજગતનું અજવાળું છું; જે કોઈ મારી પાછળ આવે છે તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.'
યોહાન 8 : 13 (IRVGU)
ફરોશીઓએ તેમને કહ્યું, 'તમે તમારે પોતાને વિષે સાક્ષી આપો છો; તમારી સાક્ષી સાચી નથી.'
યોહાન 8 : 14 (IRVGU)
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, 'જો હું પોતાના વિષે સાક્ષી આપું છું, તોપણ મારી સાક્ષી સાચી છે; કેમ કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જાઉં છું, તે હું જાણું છું; પણ તમે નથી જાણતા કે હું ક્યાંથી આવું છું, અને ક્યાં જાઉં છું.
યોહાન 8 : 15 (IRVGU)
તમે માનવીય રીતે ન્યાય કરો છો; હું કોઈનો ન્યાય કરતો નથી.
યોહાન 8 : 16 (IRVGU)
વળી જો હું ન્યાય કરું, તો મારો ન્યાયચૂકાદો સાચો છે; કેમ કે હું એકલો નથી, પણ હું તથા પિતા જેમણે મને મોકલ્યો છે.
યોહાન 8 : 17 (IRVGU)
તમારા નિયમશાસ્ત્રમાં પણ લખેલું છે કે, 'બે માણસની સાક્ષી સાચી છે.
યોહાન 8 : 18 (IRVGU)
હું મારે પોતાને વિષે સાક્ષી આપનાર છું અને પિતા જેમણે મને મોકલ્યો છે તે મારે વિષે સાક્ષી આપે છે.'
યોહાન 8 : 19 (IRVGU)
તેઓએ તેમને કહ્યું કે, 'તારો પિતા ક્યાં છે?' ઈસુએ ઉત્તર આપ્યો કે, 'તમે મને તેમ જ મારા પિતાને પણ ઓળખતા નથી; જો તમે મને ઓળખત, તો તમે મારા પિતાને પણ ઓળખત.'
યોહાન 8 : 20 (IRVGU)
ઈસુ ભક્તિસ્થાનમાં બોધ કરતા હતા ત્યારે તેમણે ભંડાર આગળ એ વાતો કહી, પણ કોઈએ તેમને પકડ્યા નહિ; કેમ કે તેમનો સમય હજી સુધી આવ્યો ન હતો.
યોહાન 8 : 21 (IRVGU)
હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી તેમણે તેઓને ફરીથી કહ્યું કે, 'હું જવાનો છું, તમે મને શોધશો અને તમે તમારાં પાપમાં મરશો; જ્યાં હું જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી.'
યોહાન 8 : 22 (IRVGU)
યહૂદીઓએ કહ્યું કે, 'શું તે આપઘાત કરશે? કેમ કે તે કહે છે કે, જ્યાં હું જવાનો છું, ત્યાં તમે આવી શકતા નથી.'
યોહાન 8 : 23 (IRVGU)
ઈસુએ તેઓને કહ્યું કે, 'તમે પૃથ્વી પરના છો, હું ઉપરનો છું; તમે આ જગતના છો, હું આ જગતનો નથી.
યોહાન 8 : 24 (IRVGU)
માટે મેં તમને કહ્યું કે, તમે તમારાં પાપોમાં મરશો; કેમ કે તે હું છું, એવો જો તમે વિશ્વાસ નહિ કરો, તો તમે તમારાં પાપોમાં મરશો.'
યોહાન 8 : 25 (IRVGU)
માટે તેઓએ તેમને પૂછ્યું, 'તમે કોણ છો?' ઈસુએ તેઓને કહ્યું કે, 'પ્રથમથી જે હું તમને કહેતો આવ્યો છું તે જ.'
યોહાન 8 : 26 (IRVGU)
મારે તમારે વિષે કહેવાની તથા ન્યાય કરવાની ઘણી બાબતો છે; તોપણ જેમણે મને મોકલ્યો છે, તેઓ સત્ય છે; અને જે વાતો મેં તેમની પાસેથી સાંભળી છે, તે હું માનવજગતને કહું છું.'
યોહાન 8 : 27 (IRVGU)
તે તેઓની સાથે પિતા વિષે વાત કરે છે, તે તેઓ સમજ્યા નહિ.
યોહાન 8 : 28 (IRVGU)
ઈસુએ કહ્યું, 'જ્યારે તમે માણસના દીકરાને ઊંચો કરશો ત્યારે તમે સમજશો કે હું તે જ છું અને હું મારી પોતાની જાતે કંઈ કરતો નથી, પણ જેમ પિતાએ મને શીખવ્યું છે, તેમ હું તે વાતો બોલું છું.
યોહાન 8 : 29 (IRVGU)
જેમણે મને મોકલ્યો છે તે મારી સાથે છે; અને તેમણે મને એકલો મૂક્યો નથી; કેમ કે જે કામો તેમને ગમે છે તે હું નિત્ય કરું છું.'
યોહાન 8 : 30 (IRVGU)
ઈસુ તે કહેતાં હતા, ત્યારે ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો.
યોહાન 8 : 31 (IRVGU)
સત્ય તમને મુક્ત કરશે તેથી જે યહૂદીઓએ તેમના પર વિશ્વાસ કર્યો હતો, તેઓને ઈસુએ કહ્યું કે, 'જો તમે મારા વચનમાં રહો, તો નિશ્ચે તમે મારા શિષ્યો છો;
યોહાન 8 : 32 (IRVGU)
અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે.'
યોહાન 8 : 33 (IRVGU)
તેઓએ તેમને ઉત્તર આપ્યો કે, 'અમે ઇબ્રાહિમનાં સંતાનો છીએ અને હજી કદી કોઈનાં દાસત્વમાં આવ્યા નથી; તો તમે કેમ કહો છો કે, તમને મુક્ત કરવામાં આવશે?'
યોહાન 8 : 34 (IRVGU)
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, 'હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, જે કોઈ પાપ કરે છે, તે પાપનો દાસ છે,
યોહાન 8 : 35 (IRVGU)
હવે જે દાસ છે તે સદા ઘરમાં રહેતો નથી, પણ દીકરો સદા રહે છે.
યોહાન 8 : 36 (IRVGU)
માટે જો દીકરો તમને મુક્ત કરે, તો તમે ખરેખર મુક્ત થશો.
યોહાન 8 : 37 (IRVGU)
તમે ઇબ્રાહિમનાં વંશજો છો એ હું જાણું છું; પણ મારું વચન તમારામાં વૃદ્ધિ પામતું નથી, માટે તમે મને મારી નાખવાનો પ્રયત્ન કરો છો.
યોહાન 8 : 38 (IRVGU)
મેં મારા પિતાની પાસે જે જોયું છે, તે હું કહું છું; અને તમે પણ તમારા પિતાની પાસેથી જે સાંભળ્યું છે, તેમ તે કરો છો.'
યોહાન 8 : 39 (IRVGU)
ઈસુ અને ઇબ્રાહિમ તેઓએ ઉત્તર આપ્યો કે, 'ઇબ્રાહિમ અમારો પિતા છે.' ઈસુ તેઓને કહે છે કે, 'જો તમે ઇબ્રાહિમનાં સંતાન હો, તો ઇબ્રાહિમનાં કામો કરો.
યોહાન 8 : 40 (IRVGU)
પણ મને, એટલે ઈશ્વરની પાસેથી જે સત્ય મેં સાંભળ્યું તે તમને કહેનાર મનુષ્યને, તમે હમણાં મારી નાખવાની કોશિશ કરો છો; ઇબ્રાહિમે એવું કર્યું નહોતું.
યોહાન 8 : 41 (IRVGU)
તમે તમારા પિતાનાં કામ કરો છો.' તેઓએ તેમને કહ્યું, 'અમે વ્યભિચારથી જન્મ્યાં નથી; અમારો એક જ પિતા છે, એટલે ઈશ્વર.'
યોહાન 8 : 42 (IRVGU)
ઈસુએ તેઓને કહ્યું, 'જો ઈશ્વર તમારો પિતા હોત, તો તમે મારા પર પ્રેમ રાખત; કેમ કે હું ઈશ્વરમાંથી નીકળીને આવ્યો છું; કેમ કે હું મારી પોતાની રીતે આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે.
યોહાન 8 : 43 (IRVGU)
મારું બોલવું તમે કેમ સમજતા નથી? મારું વચન તમે સાંભળી શકતા નથી તે કારણથી.
યોહાન 8 : 44 (IRVGU)
તમે તમારા પિતા શેતાનના છો અને તમારા પિતાની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્યઘાતક હતો અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહિ; જયારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે, કેમ કે તે જૂઠો અને જૂઠાનો પિતા છે.
યોહાન 8 : 45 (IRVGU)
પણ હું સત્ય કહું છું, તેથી તમે મારું માનતા નથી.
યોહાન 8 : 46 (IRVGU)
તમારામાંનો કોણ મારા પર પાપ સાબિત કરે છે? જો હું સત્ય કહું છું, તો તમે શા માટે મારું માનતા નથી?
યોહાન 8 : 47 (IRVGU)
જે ઈશ્વરનો છે, તે ઈશ્વરનાં શબ્દો સાંભળે છે; તમે ઈશ્વરના નથી, માટે તમે સાંભળતાં નથી.'
યોહાન 8 : 48 (IRVGU)
યહૂદીઓએ તેમને ઉત્તર આપ્યો કે, 'તું સમરૂની છે અને તને ભૂત વળગેલું છે, તે અમારું કહેવું શું વાજબી નથી?'
યોહાન 8 : 49 (IRVGU)
ઈસુએ ઉત્તર આપ્યો કે, 'મને દુષ્ટાત્મા વળગેલો નથી, પણ હું મારા પિતાને માન આપું છું અને તમે મારું અપમાન કરો છો.
યોહાન 8 : 50 (IRVGU)
પણ હું મારું પોતાનું માન શોધતો નથી; શોધનાર તથા ન્યાય કરનાર એક છે.
યોહાન 8 : 51 (IRVGU)
હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, જો કોઈ મારું વચન (શબ્દ) પાળે, તો તે કદી મૃત્યુ પામશે નહિ.
યોહાન 8 : 52 (IRVGU)
યહૂદીઓએ તેમને કહ્યું, 'તને ભૂત વળગેલું છે, એવી અમને હવે ખાતરી થઈ છે. ઇબ્રાહિમ તેમ જ પ્રબોધકો પણ મરી ગયા છે; પણ તું કહે છે કે, જો કોઈ મારાં વચન (શબ્દ) પાળે, તો તે કદી મૃત્યુ પામશે નહિ.
યોહાન 8 : 53 (IRVGU)
શું તું અમારા પિતા ઇબ્રાહિમ કરતાં મોટો છું? તે તો મરણ પામ્યો છે અને પ્રબોધકો પણ મરણ પામ્યા છે; તું કોણ હોવાનો દાવો કરે છે?'
યોહાન 8 : 54 (IRVGU)
ઈસુએ ઉત્તર આપ્યો કે, “જો હું પોતાને માન આપું, તો મારું માન કંઈ જ નથી; મને મહિમા આપનાર તો મારા પિતા છે, જેમનાં વિષે તમે કહો છો કે, 'તે અમારા ઈશ્વર છે.'
યોહાન 8 : 55 (IRVGU)
વળી તમે તેમને ઓળખ્યા નથી; પણ હું તેમને ઓળખું છું; જો હું કહું કે હું તેમને નથી ઓળખતો, તો હું તમારા જેવો જૂઠો ઠરું; પણ હું તેમને ઓળખું છું અને તેમનું વચન (શબ્દ) પાળું છું.
યોહાન 8 : 56 (IRVGU)
તમારો પિતા ઇબ્રાહિમ મારો દિવસ જોવાની આશાથી હર્ષ પામ્યો અને તે જોઈને તેને આનંદ થયો.”
યોહાન 8 : 57 (IRVGU)
ત્યારે યહૂદીઓએ તેમને કહ્યું કે, 'હજી તો તમે પચાસ વર્ષના થયા નથી અને શું તમે ઇબ્રાહિમને જોયો છે?'
યોહાન 8 : 58 (IRVGU)
ઈસુએ તેઓને કહ્યું કે, 'હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, ઇબ્રાહિમનો જન્મ થયા અગાઉથી હું છું.'
યોહાન 8 : 59 (IRVGU)
ત્યારે તેઓએ તેમને મારવાને પથ્થર હાથમાં લીધા; પણ ઈસુ સંતાઈ જઈને ભક્તિસ્થાનમાંથી ચાલ્યા ગયા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59