Jeremiah 40 : 1 (IRVGU)
યરુશાલેમ અને યહૂદિયાના જે સર્વ બંદીવાનોને બાબિલના બંદીવાસમાં લઈ જવામાં આવ્યા હતા તેઓમાં યર્મિયા હતો અને તેને સાંકળે બાંધવામાં આવ્યો હતો. તેને રક્ષક ટુકડીના નાયક નબૂઝારદાને રામામાં છોડી દીધો, ત્યાર પછી યહોવાહનું જે વચન તેની પાસે આવ્યું તે આ છે.
Jeremiah 40 : 2 (IRVGU)
રક્ષક ટુકડીના સરદારે યર્મિયાને બોલાવ્યો અને તેને કહ્યું, ''યહોવાહ તારા ઈશ્વરે આ સ્થાને આ વિપત્તિ લાવવાનું નિર્માણ કર્યું હતું.
Jeremiah 40 : 3 (IRVGU)
અને તેમના બોલ્યા પ્રમાણે તે આ વિપત્તિ લાવ્યા છે. કેમ કે તમે યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે અને તેમના વચનનું પાલન કર્યું નથી. તેથી આ દુઃખ તમારા પર આવી પડ્યું છે.
Jeremiah 40 : 4 (IRVGU)
પણ હવે જો હું તારા હાથે પહેરેલી સાંકળો છોડી નાખીશ અને તને મુકત કરીશ. તારે જો મારી સાથે બાબિલ આવવું હોય તો આવ, હું તારી સંભાળ રાખીશ. પરંતુ જો તારે મારી સાથે બાબિલ ન આવવું હોય તો તેનો વાંધો નથી, જો, તારી સમક્ષ પસંદગી કરવા માટે આખો દેશ પડેલો છે. જ્યાં જવું તને સારું તથા યોગ્ય લાગે ત્યાં તું જઈ શકે છે.''
Jeremiah 40 : 5 (IRVGU)
પરંતુ યર્મિયાએ જવાબ આપ્યો નહિ ત્યારે નબૂઝારઅદાને કહ્યું, ''શાફાનના દીકરા, અહિકામના દીકરા, ગદાલ્યાને હાકેમ બનાવ્યો છે તેની પાસે પાછો જા. અને તેની પાસે લોકોમાં રહે અથવા જ્યાં કઈ તને યોગ્ય લાગે ત્યાં જઇ શકે છે.'' ત્યારબાદ રક્ષક ટુકડીના સરદારે તેને ખોરાક અને ભેટ આપ્યાં અને વિદાય કર્યો.
Jeremiah 40 : 6 (IRVGU)
પછી યર્મિયા અહિકામના દીકરા ગદાલ્યા પાસે મિસ્પામાં ગયો અને તેની સાથે જે લોકો દેશમાં બાકી હતા તેઓની સાથે રહ્યો.
Jeremiah 40 : 7 (IRVGU)
હવે જ્યારે સૈન્યના સરદારો તથા તેના માણસો જેઓ સીમમાં હતા, તેઓએ સાંભળ્યું કે, બાબિલના રાજાએ અહિકામના દીકરા ગદાલ્યાને હાકેમ તરીકે નીમ્યો છે. અને પુરુષો, સ્ત્રીઓ, બાળકો, તથા દેશમાં બાકી રહેલા ગરીબ લોક બાબિલના બંદીવાસમાં લઈ જવામાં આવ્યા ન હતા તેઓને તેના હાથમાં સોપ્યાં છે,
Jeremiah 40 : 8 (IRVGU)
ત્યારે નથાન્યાનો દીકરો ઇશ્માએલ, કારેઆનો દીકરો યોહાનાન અને યોનાથાન તાન્હુમેથનો દીકરો સરાયા, એફાય નટોફાથીના દીકરા; માખાથીનો દીકરો યઝાન્યા તથા તેઓના માણસો મિસ્પામાં ગદાલ્યાની પાસે આવ્યા.
Jeremiah 40 : 9 (IRVGU)
શાફાનના દીકરા અહિકામના દીકરા ગદાલ્યાએ તેઓની અને તેમના માણસો સમક્ષ પ્રતિજ્ઞા લીધી કે, ''ખાલદીઓની સેવા કરતાં ડરશો નહિ. આ દેશમાં રહીને બાબિલના રાજાની સેવા કરો. તેથી તમારું સારું થશે.
Jeremiah 40 : 10 (IRVGU)
અને જુઓ, ખાલદીઓ આપણી પાસે આવશે, તેઓની આગળ હાજર થવા હું મિસ્પામાં વસીશ. પણ તમે દ્રાક્ષારસ, ફળ અને તેલ ભેગાં કરો અને એક પાત્રમાં ભરી રાખો. અને તમે જે ગામો કબજે કર્યાં છે તેઓમાં વસો.''
Jeremiah 40 : 11 (IRVGU)
તે ઉપરાંત મોઆબ, આમ્મોન તથા અદોમમાં અને તેની પાસેના પ્રદેશોમાં વસતા સર્વએ સાંભળ્યું કે બાબિલના રાજાએ યહૂદિયામાંના કેટલાકને હજુ પણ બાકી રહેવા દીધા છે. અને તેઓ પર શાફાનના દીકરા અહિકામના દીકરા ગદાલ્યાને અધિકારી તરીકે નીમવામાં આવ્યો છે.
Jeremiah 40 : 12 (IRVGU)
ત્યાર પછી જે સ્થળોમાં તેઓ વિખેરાઈ ગયા હતા તે સર્વ સ્થળોએથી સર્વ યહૂદિઓ પાછા ફરીને યહૂદિયા દેશમાંના મિસ્પામાં ગદાલ્યા પાસે આવ્યા. અને તેઓએ પુષ્કળ દ્રાક્ષારસ તથા ઉનાળામાં પાકેલાં ફળ ભેગાં કર્યાં.
Jeremiah 40 : 13 (IRVGU)
પછી કારેઆનો દીકરો યોહાનાન તથા જે સૈન્યોના સરદારો સીમમાં હતા, તેઓ બધા મિસ્પામાં ગદાલ્યા પાસે આવ્યાં,
Jeremiah 40 : 14 (IRVGU)
તેઓએ તેને કહ્યું, ''શું તમને ખબર છે કે આમ્મોનીઓના રાજા બાલિસે નથાન્યાના દીકરા ઇશ્માએલને તારું ખૂન કરવા માટે મોકલ્યો છે?'' પરંતુ અહિકામના દીકરા ગદાલ્યાએ તેઓની વાત પર વિશ્વાસ મૂક્યો નહિ.
Jeremiah 40 : 15 (IRVGU)
તેથી કારેઆના દીકરા યોહાનાને મિસ્પામાં ગદાલ્યાને ખાનગીમાં કહ્યું, ''નથાન્યાના દીકરા ઇશ્માએલને મારી નાખવા માટે મને જવા દે. અને તે વાતની કોઈને ખબર પડશે નહિ; તે શા માટે તને મારી નાખે? તેથી જે યહૂદીઓ તારી પાસે એકઠા થાય છે તેઓ વિખેરાઈ જાય. અને યહૂદિયાના બાકી રહેલા લોક નાશ પામે?''
Jeremiah 40 : 16 (IRVGU)
પરંતુ અહિકામના દીકરા ગદાલ્યાએ યોહાનાનને કહ્યું, ''તું આ પ્રમાણે કરીશ નહિ, કેમ કે ઇશ્માએલ વિષે તું જૂઠું બોલે છે.''
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16