Isaiah 49 : 1 (IRVGU)
હે ટાપુઓ, તમે મારું સાંભળો! હે દૂરના લોકો, તમે ધ્યાન આપો. યહોવાહે જન્મથી મને નામ લઈને, જ્યારે હું મારી માના ગર્ભમાં હતો ત્યારથી બોલાવ્યો છે.
Isaiah 49 : 2 (IRVGU)
તેમણે મારું મુખ તીક્ષ્ણ તરવાર જેવું બનાવ્યું છે; તેમણે મને પોતાના હાથની છાયામાં સંતાડ્યો છે; તેમણે મને ઘસીને ચમકતા બાણ સમાન કર્યો છે; તેમના ભાથામાં મને સંતાડી રાખ્યો છે.
Isaiah 49 : 3 (IRVGU)
તેમણે મને કહ્યું, “ઇઝરાયલ, તું મારો સેવક છે; જેના દ્વારા હું મારી મહિમા બતાવીશ.”
Isaiah 49 : 4 (IRVGU)
મેં વિચાર્યું કે મેં નિરર્થક મહેનત કરી છે, મેં મારું સામર્થ્ય વ્યર્થ ખરચી નાખ્યું છે, તો પણ મારો ઇનસાફ યહોવાહની પાસે છે અને મારો બદલો મારા ઈશ્વર પાસે છે.
Isaiah 49 : 5 (IRVGU)
હવે યહોવાહ જેમણે મને ગર્ભસ્થાનથી પોતાનો સેવક થવા માટે ઘડ્યો છે, તે કહે છે, યાકૂબને મારી પાસે પાછો ફેરવી લાવ અને ઇઝરાયલને મારી પાસે એકત્ર કર. યહોવાહની દૃષ્ટિમાં હું માન પામેલો છું અને ઈશ્વર મારું સામર્થ્ય થયા છે.
Isaiah 49 : 6 (IRVGU)
તે કહે છે, “તું યાકૂબનાં કુળોને પુનઃસ્થાપિત કરવા તથા ઇઝરાયલના શેષ બચેલાઓને પાછા લાવવા માટે મારો સેવક થાય એ થોડું કહેવાય. હું તને વિદેશીઓ માટે પ્રકાશરૂપ બનાવીશ, જેથી પૃથ્વીના છેડા સુધી તું ઉધ્ધાર પહોંચાડનાર થશે.”
Isaiah 49 : 7 (IRVGU)
ઇઝરાયલનો ઉદ્ધાર કરનાર, તેઓના પવિત્ર યહોવાહ એવું કહે છે, જેને લોકો ધિક્કારે છે, રાજ્યો દ્વારા તિરસ્કાર પામેલ, શાસકોના ગુલામ: “રાજાઓ તને જોશે અને ઊભા થશે અને સરદારો તને જોઈને પ્રણામ કરશે, કારણ કે યહોવાહ વિશ્વાસુ છે, ઇઝરાયલનાં પવિત્ર, જેમણે તને પસંદ કર્યો છે.
Isaiah 49 : 8 (IRVGU)
યહોવાહ એવું કહે છે: એક સમયે હું મારી કૃપા બતાવીશ અને તને ઉત્તર આપીશ તથા ઉધ્ધારને દિવસે હું તને સહાય કરીશ; હું તારું રક્ષણ કરીશ અને તને લોકોને માટે કરારરૂપ કરીશ, જેથી તું દેશને ફરીથી બાંધે અને નિર્જન ભૂમિનો વારસો વહેંચી આપે.
Isaiah 49 : 9 (IRVGU)
તું બંદીવાનોને કહેશે, 'બહાર આવો;' જેઓ અંધકારમાં છે તેઓને કહેશે, 'પ્રકાશમાં આવો.' તેઓ રસ્તાઓ પર અને સર્વ ઢોળાવ પર ચરનારાં ઘેટાં જેવા મુક્ત થશે.
Isaiah 49 : 10 (IRVGU)
તેઓને ભૂખ કે તરસ લાગશે નહિ; અને તેઓને લૂ તથા તાપ લાગશે નહિ, કેમ કે જે તેઓ ઉપર દયા કરે છે, તે તેઓને દોરી જશે; પાણીના ઝરાઓની પાસે તેઓને લઈ જશે.
Isaiah 49 : 11 (IRVGU)
મારા સર્વ પર્વતો પર હું માર્ગો બનાવીશ અને મારા રાજમાર્ગોને સપાટ કરીશ.”
Isaiah 49 : 12 (IRVGU)
જુઓ, તેઓ દૂરથી આવશે, થોડા ઉત્તરથી તથા પશ્ચિમથી; તથા અન્ય સીનીમ દેશમાંથી આવશે.
Isaiah 49 : 13 (IRVGU)
હે આકાશો, ગાઓ અને હે પૃથ્વી, આનંદ કર; હે પર્વતો, તમે જયઘોષ કરવા માંડો! કેમ કે યહોવાહે પોતાના લોકોને દિલાસો આપ્યો છે અને તે પોતાના દુ:ખી લોકો પર દયા કરશે.
Isaiah 49 : 14 (IRVGU)
પણ સિયોને કહ્યું, “યહોવાહે મને તજી દીધી છે અને પ્રભુ મને ભૂલી ગયા છે.”
Isaiah 49 : 15 (IRVGU)
શું સ્ત્રી પોતાના બાળકને, અરે પોતાના સ્તનપાન કરતા બાળકને ભૂલી જાય, પોતાના પેટના દીકરા પર તે દયા ન કરે? હા, કદાચ તે ભૂલી જાય પરંતુ હું તને ભૂલીશ નહિ.
Isaiah 49 : 16 (IRVGU)
જો, મેં તારું નામ મારી હથેળી પર કોતર્યું છે; તારો કોટ નિત્ય મારી સમક્ષ છે.
Isaiah 49 : 17 (IRVGU)
જ્યારે તારો નાશ કરનાર દૂર જાય છે, ત્યારે તારા છોકરાં ઉતાવળથી પાછાં ફરે છે.
Isaiah 49 : 18 (IRVGU)
તારી દૃષ્ટિ ઊંચી કરીને ચારે તરફ જો, તેઓ સર્વ એકઠા થઈને તારી પાસે આવે છે. યહોવાહ કહે છે, “મારા જીવના સમ” તું તે સર્વને આભૂષણની જેમ પહેરશે; કન્યાની જેમ તારી જાતને શણગારશે.
Isaiah 49 : 19 (IRVGU)
જો કે તારી ઉજ્જડ તથા વસ્તી વિનાની જગાઓ, તારો પાયમાલ થયેલો દેશ, હવે તારા રહેવાસીઓ માટે તું ખૂબ નાનો હશે અને તને ગળી જનારા દૂર રહેશે.
Isaiah 49 : 20 (IRVGU)
તારા વિરહના સમયમાં જન્મેલા બાળકો તારા સાંભળતાં કહેશે, 'આ જગા અમારે માટે ખૂબ સાંકડી છે, અમારે માટે જગા કર કે અમે રહી શકીએ.'
Isaiah 49 : 21 (IRVGU)
પછી તું તારા મનમાં કહેશે, 'મારે માટે આ બાળકોને કોણે જન્મ આપ્યો છે? હું તો નિરાધાર તથા નિઃસંતાન, બંદીવાન તથા છૂટાછેડા પામેલી છું. આ બાળકોને કોણે ઉછેર્યાં છે? જુઓ, હું એકલી રહેતી હતી; આ બાળકો ક્યાંથી આવ્યાં?'”
Isaiah 49 : 22 (IRVGU)
પ્રભુ યહોવાહ એવું કહે છે: “જુઓ, હું વિદેશીઓની તરફ મારો હાથ ઊંચો કરીશ; લોકોની તરફ મારી ધ્વજા ઊંચી કરીશ. તેઓ તારા દીકરાઓને તેમના હાથમાં ઊંચકીને અને તારી દીકરીઓને ખભા પર બેસાડીને લાવશે.
Isaiah 49 : 23 (IRVGU)
રાજાઓ તારા વાલી અને તેઓની રાણીઓ તારી સંભાળ રાખનાર થશે; તેઓ તને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરશે અને તારા પગની ધૂળ ચાટશે; અને ત્યારે તું જાણશે કે, હું યહોવાહ છું; જેઓ મારી વાટ જુએ છે તેઓ કદી લજવાશે નહિ.”
Isaiah 49 : 24 (IRVGU)
શું શૂરવીર પાસેથી લૂંટ છીનવી શકાય અથવા શું જુલમીના હાથમાંથી બંદીવાનોને છોડાવી શકાય?
Isaiah 49 : 25 (IRVGU)
પણ યહોવાહ એવું કહે છે કે: “હા, શૂરવીર પાસેથી બંદીવાનોને લઈ લેવાશે અને લૂંટ છીનવી લેવાશે; કેમ કે હું તારા વિરોધીઓનો વિરોધ કરીશ અને તારાં બાળકોને બચાવીશ.
Isaiah 49 : 26 (IRVGU)
અને હું તારા પર જુલમ કરનારાઓને તેઓનું પોતાનું જ માંસ ખવડાવીશ; અને જાણે દ્રાક્ષારસ પીધો હોય, તેમ તેઓ પોતાનું જ રક્ત પીને છાકટા થશે; અને ત્યારે સર્વ માનવજાત જાણશે કે હું, યહોવાહ, તારો ઉધ્ધારનાર અને તારો બચાવ કરનાર છું, હું યાકૂબનો સમર્થ ઈશ્વર છું.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26