Genesis 47 : 1 (IRVGU)
પછી યૂસફ ફારુનને મળવા ગયો. તેણે ફારુનને કહ્યું, “મારા પિતા, મારા ભાઈઓ તથા તેઓનાં બકરાં, અન્ય જાનવરો તથા જે સર્વ તેઓનું છે તે સહિત તેઓ કનાન દેશથી આવ્યા છે. તેઓ ગોશેન દેશમાં છે.”
Genesis 47 : 2 (IRVGU)
તેણે પોતાના ભાઈઓમાંના પાંચનો પરિચય ફારુન સાથે કરાવ્યો.
Genesis 47 : 3 (IRVGU)
ફારુને તેના ભાઈઓને પૂછ્યું, “તમારો વ્યવસાય શો છે?” અમે તારા દાસો અમારા પૂર્વજોની જેમ ભરવાડો છીએ.
Genesis 47 : 4 (IRVGU)
પછી તેઓએ ફારુનને કહ્યું, “અમે આ દેશમાં પ્રવાસી તરીકે આવ્યા છીએ. કેમ કે કનાન દેશમાં દુકાળ ભારે હોવાને લીધે અમારા ટોળાંને સારુ ચારો નથી. માટે હવે અમને કૃપા કરીને ગોશેન દેશમાં રહેવા દે.”
Genesis 47 : 5 (IRVGU)
પછી ફારુને યૂસફને કહ્યું, “તારા પિતા તથા તારા ભાઈઓ તારી પાસે આવ્યા છે.
Genesis 47 : 6 (IRVGU)
આખો મિસર દેશ તારી આગળ છે. દેશમાં ઉત્તમ સ્થળે તારા પિતાને તથા તારા ભાઈઓને રહેવા દે. તેઓ ગોશેન દેશમાં રહે. જો તું જાણતો હોય કે તેઓમાં કોઈ માણસો હોશિયાર છે, તો મારાં જાનવરો પણ તેઓના હવાલામાં સોંપ.”
Genesis 47 : 7 (IRVGU)
પછી યૂસફે તેના પિતા યાકૂબને ફારુનની સમક્ષ બોલાવ્યો. યાકૂબે ફારુનને આશીર્વાદ આપ્યો.
Genesis 47 : 8 (IRVGU)
ફારુને યાકૂબને કહ્યું, “તમારી ઉંમર કેટલી થઈ છે?”
Genesis 47 : 9 (IRVGU)
યાકૂબે ફારુનને કહ્યું, “મારા જીવનપ્રવાસના એકસો ત્રીસ વર્ષ થયાં છે. એ અતિ પરિશ્રમવાળા રહ્યાં છે. હજી મારા પિતૃઓના પ્રવાસમાં તેઓની ઉંમરના જેટલાં મારા વર્ષો થયાં નથી.”
Genesis 47 : 10 (IRVGU)
પછી યાકૂબ ફારુનને આશીર્વાદ આપીને તેની હજૂરમાંથી બહાર ગયો.
Genesis 47 : 11 (IRVGU)
યૂસફે તેના પિતાને તથા તેના ભાઈઓને રહેવાને જગ્યા આપી. તેણે તેઓને મિસર દેશની ઉત્તમ જગ્યામાં એટલે રામસેસમાં ફારુનની આજ્ઞા પ્રમાણે વસવાનો પ્રદેશ આપ્યો.
Genesis 47 : 12 (IRVGU)
યૂસફે તેના પિતાને, ભાઈઓને તથા તેના પિતાના ઘરનાં સર્વને તેઓની સંખ્યા પ્રમાણે અન્ન પૂરું પાડ્યું.
Genesis 47 : 13 (IRVGU)
હવે તે આખા દેશમાં અન્ન ન હતું; કેમ કે દુકાળ વધતો જતો હતો. મિસર દેશ તથા કનાન દેશના લોકો દુકાળને કારણે વેદનાગ્રસ્ત થયા.
Genesis 47 : 14 (IRVGU)
લોકોએ જે અન્ન વેચાતું લીધું તેને બદલે જે નાણાં મિસર દેશમાંથી તથા કનાન દેશમાંથી મળ્યા, તે સર્વ યૂસફે એકઠા કર્યાં. પછી યૂસફે તે નાણાં ફારુનના રાજ્યભંડારમાં જમા કરાવ્યા.
Genesis 47 : 15 (IRVGU)
જયારે મિસર દેશમાં તથા કનાન દેશમાં નાણાંની અછત થઈ, ત્યારે સર્વ મિસરીઓ યૂસફની પાસે આવીને બોલ્યા, “અમને ખાવાનું આપ! શા માટે અમે તારી આગળ મરીએ? અમારી પાસે હવે નાણાં રહ્યાં નથી.”
Genesis 47 : 16 (IRVGU)
યૂસફે કહ્યું, “જો તમારાં નાણાં પતી ગયાં હોય, તો તમારાં જાનવરો આપો અને તમારાં જાનવરોના બદલે હું તમને અનાજ આપીશ.”
Genesis 47 : 17 (IRVGU)
તેથી તેઓ પોતાના જાનવરો યૂસફ પાસે લાવ્યાં. યૂસફે ઘોડા, બકરાં, અન્ય જાનવરો તથા ગધેડાંના બદલામાં તેઓને અનાજ આપ્યું. તેણે પશુઓના બદલામાં તે વર્ષે તેઓનું ભરણપોષણ કર્યું.
Genesis 47 : 18 (IRVGU)
જયારે તે વર્ષ પૂરું થયું, ત્યારે તેઓએ બીજા વર્ષે યૂસફની પાસે આવીને તેને કહ્યું, “નાણાંની અછત છે એ અમે અમારા ઘણીથી છુપાવી રાખતાં નથી. વળી અમારા જાનવરો પણ તારી પાસે છે. અમારા શરીરો તથા અમારી જમીન સિવાય અમારી પાસે બીજું કંઈ બાકી રહ્યું નથી.
Genesis 47 : 19 (IRVGU)
તારા દેખતાં અમે, અમારા ખેતરો સહિત શા માટે મરણ પામીએ? અનાજને બદલે અમને તથા અમારી જમીનને વેચાતાં લે અને અમે તથા અમારા ખેતર ફારુનને હવાલે કરીશું. અમને અનાજ આપ કે અમે જીવતા રહીએ, મરીએ નહિ. અમે મજૂરી કરીશું અને જમીન પડતર નહિ રહે.”
Genesis 47 : 20 (IRVGU)
તેથી યૂસફે મિસરીઓની સર્વ જમીન ફારુનને સારુ વેચાતી લીધી. દરેક મિસરીએ પોતાની જમીન ફારુનને વેચી દીધી હતી, કેમ કે દુકાળ તેઓને માથે સખત હતો. આ રીતે તે દેશની જમીન ફારુનની થઈ.
Genesis 47 : 21 (IRVGU)
તેણે મિસરની સીમાના એક છેડાથી તે બીજા છેડા સુધી લોકોને નગરોમાં મોકલ્યા.
Genesis 47 : 22 (IRVGU)
ફક્ત યાજકોની જમીન તેણે વેચાતી લીધી નહિ, કેમ કે યાજકોને ફારુનની પાસેથી ભાગ મળતો હતો. તેઓનો જે ભાગ ફારુને તેઓને આપ્યો હતો તેનાથી તેઓ ગુજરાન ચલાવતા હતા. તેથી તેઓએ તેમની જમીન વેચવી પડી નહિ.
Genesis 47 : 23 (IRVGU)
પછી યૂસફે લોકોને કહ્યું, “જુઓ, મેં તમને તથા તમારી જમીનને ફારુનને માટે આજે વેચાતાં લીધાં છે. હવે અહીં તમારા માટે બિયારણ છે. તે હું તમને આપું છું. જમીનમાં તેની વાવણી કરજો.
Genesis 47 : 24 (IRVGU)
તેમાંથી જે ઊપજ થાય તેનો પાંચમો ભાગ ફારુનને આપજો અને બાકીના ચાર ભાગ ખેતરના બીજ માટે, તમારા પોતાના, તમારાં ઘરનાં તથા તમારાં છોકરાંનાં ખોરાકને માટે તમે રાખજો.”
Genesis 47 : 25 (IRVGU)
તેઓએ કહ્યું, “તેં અમારા જીવ બચાવ્યા છે. અમારા પર તારી કૃપાદ્રષ્ટિ રાખજે અને અમે ફારુનના દાસ થઈને રહીશું.”
Genesis 47 : 26 (IRVGU)
મિસર દેશમાં યૂસફે એવો કાનૂન બનાવ્યો કે બધી જમીનનો પાંચમો ભાગ ફારુનને મળે અને એ કાનૂન આજ સુધી ચાલે છે. ફક્ત યાજકોની જમીન ફારુનના તાબામાં ન આવી.
Genesis 47 : 27 (IRVGU)
ઇઝરાયલ અને તેનાં સંતાનો મિસર દેશના ગોશેનમાં રહ્યા. તેના લોકોએ ત્યાં માલમિલકત વસાવી. તેઓ સફળ થઈને બહુ વધ્યા.
Genesis 47 : 28 (IRVGU)
યાકૂબને મિસર દેશમાં આવ્યે સત્તર વર્ષ થયાં, તેની ઉંમરના વર્ષો એકસો સુડતાળીસ થયાં.
Genesis 47 : 29 (IRVGU)
જયારે તેના મરણનો સમય પાસે આવ્યો, ત્યારે તેણે તેના દીકરા યૂસફને બોલાવીને કહ્યું, “હવે જો તને મારા પર વહાલ હોય તો મને વચન આપ. તું ખરા હૃદયથી મારી સાથે વર્તજે અને મહેરબાની કરીને મૃત્યુ પછી મને મિસરમાં દફનાવીશ નહિ.
Genesis 47 : 30 (IRVGU)
જયારે મારું મરણ થાય ત્યારે તું મને મિસરમાંથી કનાન લઈ જજે અને મારા પિતૃઓની સાથે તેઓના કબરસ્થાનમાં દફનાવજે.” યૂસફે કહ્યું, “હું તારા કહ્યા પ્રમાણે કરીશ.”
Genesis 47 : 31 (IRVGU)
ઇઝરાયલ બોલ્યો, “મારી આગળ પ્રતિજ્ઞા લે,” યૂસફે તેની આગળ પ્રતિજ્ઞા લીધી. પછી ઇઝરાયલ ઓશીકા પર માથું ટેકવીને પથારીમાં સૂઈ ગયો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31