Genesis 45 : 1 (IRVGU)
પછી યૂસફ તેની આસપાસ ઊભા રહેલા સર્વ દાસોની ઉપસ્થિતિમાં તેની સંવેદના સમાવી રાખી શક્યો નહિ. તેણે મોટેથી હુકમ કર્યો, “દરેક વ્યક્તિ મારી પાસેથી દૂર જાય.” તેઓ ગયા ત્યારે યૂસફે તેના ભાઈઓ આગળ પોતાની ઓળખ આપી. તે વખતે કોઈપણ ચાકર ત્યાં હતો નહિ.
Genesis 45 : 2 (IRVGU)
પછી યૂસફ મોટેથી રડ્યો. તેનું રુદન મિસરીઓએ તથા ફારુનના મહેલમાંના સૌએ સાંભળ્યું.
Genesis 45 : 3 (IRVGU)
યૂસફે પોતાના ભાઈઓને કહ્યું, “હું યૂસફ છું. શું આપણા પિતા હજુ હયાત છે?” તેના ભાઈઓ તેને ઉત્તર આપી શક્યા નહિ. તેઓ યૂસફને ઓળખીને સખત ગભરાઈ ગયા હતા.
Genesis 45 : 4 (IRVGU)
પછી યૂસફે ભાઈઓને કહ્યું, “કૃપા કરી મારી પાસે આવો.” તેઓ પાસે આવ્યા અને તેણે કહ્યું, “હું તમારો ભાઈ યૂસફ છું, જેને તમે મિસરમાં વેચી દીધો હતો.
Genesis 45 : 5 (IRVGU)
પરંતુ તમે મને અહીં વેચી દીધો હોવાને કારણે હવે કશો અપરાધ કે ઉચાટ અનુભવશો નહિ, કેમ કે એ ઈશ્વરની યોજના હતી. જીવનો બચાવવા માટે તેમણે મને તમારી અગાઉ અહીં મોકલ્યો છે.
Genesis 45 : 6 (IRVGU)
કેમ કે બે વર્ષથી દેશમાં દુકાળ છે અને હજી બીજા પાંચ વર્ષ સુધી વાવણી તથા કાપણી થશે નહિ.
Genesis 45 : 7 (IRVGU)
પૃથ્વીમાં તમારાં સંતાનો જીવંત રાખવાને તથા તમારા જીવનો બચાવવાને ઈશ્વરે તમારી આગળ મને મોકલ્યો છે.
Genesis 45 : 8 (IRVGU)
તેથી હવે તમે નહિ, પણ ઈશ્વર મને અહીં લાવ્યા હતા. તેમણે જ મને ફારુનનો સલાહકાર, તેના સમગ્ર રાજ્યનો પ્રભુ તથા આખા મિસરનો અધિપતિ બનાવ્યો છે.
Genesis 45 : 9 (IRVGU)
તમે જેમ બને તેમ જલ્દી આપણા પિતા પાસે પાછા જાઓ અને તેને કહો, 'તારો દીકરો યૂસફ આ પ્રમાણે કહે છે, ઈશ્વરે મને સમગ્ર મિસરનો અધિપતિ બનાવ્યો છે. તું મારી પાસે આવ અને વિલંબ કરીશ નહિ.
Genesis 45 : 10 (IRVGU)
ગોશેન દેશમાં તારો મુકામ થશે. તું, તારાં સંતાનો, તારા સંતાનોનાં સંતાનો, તારા જાનવરો તથા તારું સર્વસ્વ અહીં મારી નજીક રહેશો.
Genesis 45 : 11 (IRVGU)
તું, તારું કુટુંબ તથા જેઓ પણ તારી સાથે છે તેઓ સર્વ ગરીબાઈમાં ન આવી પડે તે માટે હું સર્વનું પાલનપોષણ કરીશ, હજુ દુકાળનાં બીજા પાંચ વર્ષ બાકી છે.'
Genesis 45 : 12 (IRVGU)
ભાઈઓ, જુઓ, તમારી આંખો તથા મારા ભાઈ બિન્યામીનની આંખો જોઈ રહી છે કે મારું મુખ તમારી સાથે બોલી રહ્યું છે.
Genesis 45 : 13 (IRVGU)
મિસરમાં મારો સર્વ મહિમા તથા જે સર્વ તમે જોયું તે મારા પિતાને જણાવો. જલ્દી જઈને મારા પિતાને અહીં લઈ આવો.”
Genesis 45 : 14 (IRVGU)
પછી યૂસફ તેના નાના ભાઈ બિન્યામીનને ભેટીને રડ્યો અને બિન્યામીન પણ તેને ભેટીને રડ્યો.
Genesis 45 : 15 (IRVGU)
તેણે સર્વ ભાઈઓને ચુંબન કર્યું અને તેઓને ભેટીને ગળગળો થયો. તે પછી તેના ભાઈઓએ હૃદય ખોલીને તેની સાથે વાતચીત કરી.
Genesis 45 : 16 (IRVGU)
ફારુનના કુટુંબમાં આ સમાચાર જણાવાયા કે, “યૂસફના ભાઈઓ આવ્યા છે.” ત્યારે ફારુનને તથા તેના દાસોને તે વાત સારી લાગી.
Genesis 45 : 17 (IRVGU)
ફારુને યૂસફને કહ્યું, “તું તારા ભાઈઓને કહે, 'તમે આમ કરો, તમારાં પશુઓ પર અનાજ લાદીને કનાન દેશમાં જાઓ.
Genesis 45 : 18 (IRVGU)
પછી તમારા પિતાને તથા તમારા સમગ્ર કુટુંબને અહીં મિસરમાં મારી પાસે લઈ આવો. હું તેઓને મિસર દેશનો ઉત્તમ પ્રદેશ રહેવા માટે આપીશ અને દેશની ઉત્તમ પેદાશો તેઓ ખાશે.'
Genesis 45 : 19 (IRVGU)
હવે હું તને તારા ભાઈઓને આ પ્રમાણે કહેવાની આજ્ઞા આપું છું, 'આ પ્રમાણે કરો. તમારાં બાળકોને માટે તથા તમારી પત્નીઓને માટે મિસર દેશમાંથી ગાડાં લઈ જાઓ અને તેમાં બેસાડીને તમારા પિતા સહિત બધાને અહીં લઈ આવો.
Genesis 45 : 20 (IRVGU)
તમારી માલમિલકતની ચિંતા ન કરો, કેમ કે આખા મિસર દેશમાં જે ઉત્તમ છે તે તમારું છે.'”
Genesis 45 : 21 (IRVGU)
ઇઝરાયલના પુત્રોએ તે માન્ય રાખ્યું. યૂસફે ફારુનની આજ્ઞા પ્રમાણે તેઓને ગાડાં આપ્યાં અને તેઓની મુસાફરીને માટે સર્વ વ્યવસ્થા પણ કરી આપી.
Genesis 45 : 22 (IRVGU)
તેઓમાંના દરેકને યૂસફે એક જોડી વસ્ત્રો આપ્યાં, પણ બિન્યામીનને તેણે ત્રણસો ચાંદીના સિક્કા અને પાંચ જોડ વસ્ત્રો આપ્યાં.
Genesis 45 : 23 (IRVGU)
તેણે તેના પિતાને માટે આ પ્રમાણે ભેટસોગાદો મોકલી: મિસર દેશની ઉત્તમ વસ્તુઓથી લાદેલા દસ ગધેડાં; અને મુસાફરીને માટે તેના પિતાને સારુ અનાજ, રોટલી તથા અન્ય ખોરાકથી લાદેલી દસ ગધેડીઓ.
Genesis 45 : 24 (IRVGU)
આ રીતે તેણે તેના ભાઈઓને વિદાય કર્યાં અને તેઓના જતા અગાઉ તેણે તેઓને કહ્યું, “જુઓ, માર્ગમાં મુસાફરી દરમિયાન લડી પડતાં નહિ.”
Genesis 45 : 25 (IRVGU)
તેઓ મિસરમાંથી નીકળીને કનાન દેશમાં તેના પિતા યાકૂબની પાસે આવ્યા.
Genesis 45 : 26 (IRVGU)
તેઓએ તેને કહ્યું, “યૂસફ હજી સુધી જીવે છે અને તે આખા મિસર દેશનો અધિપતિ થયેલો છે.” તે સાંભળીને યાકૂબ સ્તબ્ધ થઈ ગયો, તેણે તેઓની વાત પર વિશ્વાસ કર્યો નહિ.
Genesis 45 : 27 (IRVGU)
પણ જ્યારે યૂસફે તેઓને જે જે વાત કરી હતી તે સર્વ તેઓએ પિતાને જણાવી અને યૂસફે તેને લેવા માટે જે ગાડાં મોકલ્યા હતાં તે જયારે તેના પિતા યાકૂબે જોયાં, ત્યારે તે સ્વસ્થ થયો.
Genesis 45 : 28 (IRVGU)
ઇઝરાયલે કહ્યું, “આટલું પૂરતું છે. મારો દીકરો યૂસફ હજુ જીવે છે. મારા મૃત્યુ પહેલા હું મિસરમાં જઈશ અને તેને જોઈશ.”
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28