ઊત્પત્તિ 28 : 1 (IRVGU)
ઇસહાકે યાકૂબને બોલાવીને તેને આશીર્વાદ આપ્યો અને તેને આજ્ઞા આપી, “કનાન દેશની કન્યાઓમાંથી તું કોઈની સાથે લગ્ન કરીશ નહિ.
ઊત્પત્તિ 28 : 2 (IRVGU)
ઊઠ, પાદ્દાનારામમાં તારી માતાના પિતા બથુએલને ઘરે જા અને ત્યાંથી તારી માતાના ભાઈ એટલે તારા મામા લાબાનની દીકરીઓમાંથી એકની સાથે તું લગ્ન કર.
ઊત્પત્તિ 28 : 3 (IRVGU)
સર્વસમર્થ ઈશ્વર તને આશીર્વાદ આપે, ફળવંત કરે અને વૃદ્ધિ આપે કે જેથી તારા સંતાનો અસંખ્ય થાય.
ઊત્પત્તિ 28 : 4 (IRVGU)
ઇબ્રાહિમને આપેલો આશીર્વાદ ઈશ્વર તને તથા તારા પછીના તારાં સંતાનને પણ આપે અને જે દેશ ઈશ્વરે ઇબ્રાહિમને આપેલો છે જેમાં તું પ્રવાસી છે તેનો વારસો તને મળે.”
ઊત્પત્તિ 28 : 5 (IRVGU)
ઊત્પત્તિ 28 : 6 (IRVGU)
ઇસહાકે યાકૂબને વિદાય કર્યો. યાકૂબ પાદ્દાનારામમાં બથુએલ અરામીના દીકરા અને યાકૂબ તથા એસાવની માતા રિબકાના ભાઈ લાબાનને ત્યાં ગયો. હવે, એસાવે જોયું કે ઇસહાકે યાકૂબને આશીર્વાદ આપ્યો છે અને તેને પાદ્દાનારામમાંથી કન્યા મેળવીને લગ્ન કરવા માટે ત્યાં મોકલ્યો છે. એસાવે એ પણ જોયું કે ઇસહાકે તેને આશીર્વાદ આપતાં આજ્ઞા કરી કે, “કનાન દેશની કન્યાઓમાંથી તું કોઈની સાથે લગ્ન કરીશ નહિ,”
ઊત્પત્તિ 28 : 7 (IRVGU)
અને યાકૂબ તેના માતાપિતાની આજ્ઞા માનીને પાદ્દાનારામમાં ગયો છે.
ઊત્પત્તિ 28 : 8 (IRVGU)
એસાવે જોયું કે મારા પિતા ઇસહાકને કનાન દેશની કન્યાઓ પસંદ નથી.
ઊત્પત્તિ 28 : 9 (IRVGU)
તેથી તે તેના કાકા ઇશ્માએલના કુટુંબમાં ગયો અને પોતાની પત્નીઓ હોવા ઉપરાંત ત્યાંની સ્ત્રી સાથે લગ્ન કર્યું. તે ઇબ્રાહિમના દીકરા, ઇશ્માએલની દીકરી, નબાયોથની બહેન માહાલાથ હતી.
ઊત્પત્તિ 28 : 10 (IRVGU)
યાકૂબ બેર-શેબાથી નીકળીને હારાન તરફ ગયો.
ઊત્પત્તિ 28 : 11 (IRVGU)
તે એક નિશ્ચિત જગ્યાએ આવ્યો અને સૂર્ય આથમી જવાથી ત્યાં મુકામ કર્યો. તેણે તે જગ્યાએથી એક પથ્થર લીધો અને પોતાના માથા નીચે મૂકીને તે ત્યાં સૂઈ ગયો.
ઊત્પત્તિ 28 : 12 (IRVGU)
તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં પૃથ્વી પર ઊભી કરેલી એક સીડી તેના જોવામાં આવી. તેનો ઉપરનો ભાગ આકાશ સુધી પહોંચતો હતો અને ઈશ્વરના દૂતો તેની પર ચઢતા ઊતરતા હતા.
ઊત્પત્તિ 28 : 13 (IRVGU)
ઉપર ઈશ્વર ઊભા હતા અને તેમણે કહ્યું, “હું તારા પિતા ઇબ્રાહિમ તથા ઇસહાકનો ઈશ્વર છું. જે ભૂમિ પર તું ઊંઘે છે, તે હું તને તથા તારા સંતાનને આપીશ.
ઊત્પત્તિ 28 : 14 (IRVGU)
પૃથ્વીની રજ જેટલાં તારા સંતાન થશે અને એ સંતાનો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ તરફ દૂર સુધી ફેલાશે. તારામાં તથા તારા સંતાનમાં પૃથ્વીનાં સર્વ કુળો આશીર્વાદ પામશે.
ઊત્પત્તિ 28 : 15 (IRVGU)
જો, હું તારી સાથે છું, જ્યાં કંઈ તું જશે ત્યાં હું તને સંભાળીશ. આ દેશમાં હું તને પાછો લાવીશ; હું તને ત્યાગી દઈશ નહિ. જે વચન મેં તને આપ્યું છે તે હું પૂરું કરીશ.”
ઊત્પત્તિ 28 : 16 (IRVGU)
યાકૂબ ઊંઘમાંથી જાગી ગયો અને તેણે કહ્યું, “નિશ્ચે ઈશ્વર આ જગ્યાએ છે તે મેં જાણ્યું નહિ.”
ઊત્પત્તિ 28 : 17 (IRVGU)
તે ગભરાયો અને બોલ્યો, “આ જગ્યા કેવી ભયાનક છે! આ ઈશ્વરના ઘર સિવાય બીજું કંઈ નથી. આ સ્વર્ગનું દ્વાર છે.”
ઊત્પત્તિ 28 : 18 (IRVGU)
યાકૂબ વહેલી સવારે ઊઠ્યો અને જે પથ્થર તેણે તેના માથા નીચે મૂક્યો હતો તે તેણે લીધો. તેણે તેને સ્તંભની જેમ ઊભો કર્યો અને તેના ઉપરના ભાગ પર જૈત તેલ રેડ્યું.
ઊત્પત્તિ 28 : 19 (IRVGU)
તેણે તે જગ્યાનું નામ બેથેલ પાડ્યું, જો કે તે નગરનું મૂળ નામ લૂઝ હતું.
ઊત્પત્તિ 28 : 20 (IRVGU)
યાકૂબે પ્રતિજ્ઞા કરી કે, “જો ઈશ્વર મારી સાથે રહેશે અને આ માર્ગ કે જેમાં હું ચાલું છું તેમાં મારું રક્ષણ કરશે, મને ખાવાને અન્ન અને પહેરવાને વસ્ત્ર આપશે,
ઊત્પત્તિ 28 : 21 (IRVGU)
અને મને મારા પિતાના ઘરે સુરક્ષિત લાવશે, તો તેમને હું મારા પ્રભુ, ઈશ્વર માનીશ;
ઊત્પત્તિ 28 : 22 (IRVGU)
અને આ પથ્થર જે મેં સ્તંભની જેમ ઊભો કર્યો છે તે યાદગીરીનું પવિત્ર સ્થાનક થશે અને ઈશ્વર જે કંઈ મને આપશે તેમાંથી હું નિશ્ચે તેમને દશાંશ પાછું આપીશ.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22