Genesis 20 : 1 (IRVGU)
ઇબ્રાહિમ મુસાફરી કરતા નેગેબ દેશ તરફ જઈને કાદેશ તથા શૂરની વચ્ચે રહ્યો. તેણે ગેરારમાં વિદેશી તરીકે વસવાટ કર્યો.
Genesis 20 : 2 (IRVGU)
ઇબ્રાહિમે પોતાની પત્ની સારા વિષે કહ્યું, “તે મારી બહેન છે.” તેથી ગેરારના રાજા અબીમેલેખે માણસો મોકલીને સારાને બોલાવી લીધી.
Genesis 20 : 3 (IRVGU)
પણ રાત્રે સ્વપ્નમાં ઈશ્વરે અબીમેલેખને કહ્યું, “તું પોતાને મરણ પામેલો જાણજે, કેમ કે જે સ્ત્રીને તેં પચાવી પાડી છે, તે એક પુરુષની પત્ની છે.”
Genesis 20 : 4 (IRVGU)
હવે અબીમેલેખ તેની પાસે ગયો ન હતો અને તેણે કહ્યું, “પ્રભુ, શું તમે ન્યાયી લોકોનો પણ નાશ કરશો?
Genesis 20 : 5 (IRVGU)
શું ઇબ્રાહિમે પોતે જ મને કહ્યું ન હતું કે, 'તે મારી બહેન છે?' વળી તે સ્ત્રીએ પોતે પણ કહ્યું હતું કે, 'તે મારો ભાઈ છે.' મેં મારા સાચા હૃદયથી તથા નિર્દોષ હાથથી આ કામ કર્યું છે.”
Genesis 20 : 6 (IRVGU)
પછી ઈશ્વરે સ્વપ્નમાં તેને કહ્યું, “હા, હું જાણું છું કે તેં તારા સાચા હૃદયથી આ કામ કર્યું છે અને મેં પણ તને મારી વિરુદ્ધ અપરાધ કરવાથી અટકાવ્યો છે. તેથી મેં તને તેને સ્પર્શવા માટે પરવાનગી આપી નહિ.
Genesis 20 : 7 (IRVGU)
તેથી, તે માણસની પત્નીને તું પાછી આપ. કેમ કે તે પ્રબોધક છે. તે તારા માટે પ્રાર્થના કરશે અને તું જીવશે. પણ જો તું તેને પાછી નહિ આપે, તો જાણજે કે તું તથા તારા સર્વ લોકો નિશ્ચે મરણ પામશો.”
Genesis 20 : 8 (IRVGU)
અબીમેલેખે વહેલી સવારે ઊઠીને પોતાના સર્વ ચાકરોને બોલાવ્યા. તેણે તેઓને આ સર્વ બાબતો કહી સંભળાવી અને તે માણસો ઘણાં ગભરાયા.
Genesis 20 : 9 (IRVGU)
પછી અબીમેલેખે ઇબ્રાહિમને બોલાવીને કહ્યું, “આ તેં અમને શું કર્યું છે? મેં તારો શો અપરાધ કર્યો છે કે, તું મારા પર તથા મારા રાજ્ય પર મોટું પાપ લાવ્યો છે? જે કામ કરવા યોગ્ય ન હતું તે તેં મારા પ્રત્યે કર્યું છે.”
Genesis 20 : 10 (IRVGU)
અબીમેલેખે ઇબ્રાહિમને કહ્યું, “તને આવું કરવા કોણે પ્રેરણા આપી?”
Genesis 20 : 11 (IRVGU)
ઇબ્રાહિમે કહ્યું, “કેમ કે મને લાગ્યું, 'નિશ્ચે આ જગ્યાએ ઈશ્વરનો ભય રખાતો નથી અને તેઓ મારી પત્નીના લીધે મને મારી નાખશે, એવું સમજીને મેં એમ કર્યું.'
Genesis 20 : 12 (IRVGU)
એક રીતે, તે મારી બહેન છે, એ સાચું છે, એટલે તે મારા પિતાની દીકરી છે, પણ મારી માતાની દીકરી નથી; અને તે મારી પત્ની થઈ.
Genesis 20 : 13 (IRVGU)
જયારે ઈશ્વરે મને મારા પિતાનું ઘર છોડવાનું અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવાનું જણાવ્યું, ત્યારે મેં તેને કહ્યું, 'મારી પત્ની તરીકે તું મને વિશ્વાસુ રહેજે: જે સ્થળે આપણે જઈએ ત્યાં તું મારા વિષે કહેજે, “આ મારો ભાઈ છે.”'”
Genesis 20 : 14 (IRVGU)
પછી અબીમેલેખે ઇબ્રાહિમને ઘેટાં, બળદો, દાસો તથા દાસીઓ આપ્યાં અને તેણે તેની પત્ની સારા પણ તેને પાછી આપી.
Genesis 20 : 15 (IRVGU)
અબીમેલેખે કહ્યું, “જો, મારો દેશ તારી આગળ છે. જ્યાં તને યોગ્ય લાગે ત્યાં રહે.”
Genesis 20 : 16 (IRVGU)
સારાને પણ તેણે કહ્યું, “જો, મેં તારા ભાઈને હજાર ચાંદીના સિક્કા આપ્યાં છે. તે તારી સાથેના સર્વની આંખો આગળ તારે માટે પડદારૂપ છે અને દરેક વ્યક્તિની આગળ, તું સંપૂર્ણપણે સાચી ઠરી છે.”
Genesis 20 : 17 (IRVGU)
પછી ઇબ્રાહિમે ઈશ્વરને પ્રાર્થના કરી કે તેઓ અબીમેલેખને, તેની પત્નીને તથા તેની દાસીઓને સાજા કરે કે જેથી તેઓ બાળકોને જન્મ આપી શકે.
Genesis 20 : 18 (IRVGU)
કેમ કે ઇબ્રાહિમની પત્ની સારાને કારણે ઈશ્વરે અબીમેલેખના ઘરમાંની તમામ સ્ત્રીઓનાં ગર્ભસ્થાન બંધ કર્યાં હતાં.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18